Get The App

JEE Mains Result 2024: ગુજરાતના બે વિદ્યાર્થીને 100 પર્સેન્ટાઈલ મળ્યા, કોટાનો નીલકૃષ્ણ ટોપર

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
JEE Mains Result 2024: ગુજરાતના બે વિદ્યાર્થીને 100 પર્સેન્ટાઈલ મળ્યા, કોટાનો નીલકૃષ્ણ ટોપર 1 - image


JEE Mains 2024 Result: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ JEE મેન્સ 2024 સેશન-2નું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા તેમનું પરિણામ જોઈ શકે છે. કોટાના નીલકૃષ્ણે ઓલ ઈન્ડિયામાં ટોપ કર્યું છે. તો ગુજરાતના બે વિદ્યાર્થીએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.

ગુજરાતના બે સહિત કુલ 56 વિદ્યાર્થીઓને 100 પર્સેન્ટાઈલ મળ્યા

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ બુધવારે મોડી રાત્રે એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE-Mainના સેશન-2નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં બે વિદ્યાર્થીની સહિત રેકોર્ડ 56 વિદ્યાર્થીઓને 100 પર્સેન્ટાઈલ મળ્યા છે. જેમાં ગુજરાતના બે વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર તેમના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ સાથે લૉગ ઇન કરીને તેમનું પરિણામ જાણી શકે છે. ગુજરાતમાંથી મિત પારેખ (Meet Parekh) અને હર્ષલ કાનાણી (Harshal Kanani) રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યા છે અને 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.

JEE Mains Result 2024: ગુજરાતના બે વિદ્યાર્થીને 100 પર્સેન્ટાઈલ મળ્યા, કોટાનો નીલકૃષ્ણ ટોપર 2 - image

આ વર્ષે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો

NTA દ્વારા જાહેર કરાયેલા પરિણામ અનુસાર, આ વખતે JEE મેઈન્સના સેશન-2ના પરિણામમાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ઉલ્લેખનીય છે કે, JEE મેઈન્સના જાન્યુઆરી સેશનમાં 23 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ હાંસલ કર્યા હતા, જ્યારે એપ્રિલના સેશનમાં 33 ઉમેદવારોએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. 100 પર્સેન્ટાઈલ મેળવનારા વિદ્યાર્થીઓમાં 15 તેલંગાણાના, સાત આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના છે, જ્યારે છ વિદ્યાર્થીઓ દિલ્હીના છે. 

2.5 લાખ વિદ્યાર્થીઓ એડવાન્સ પરીક્ષા માટે લાયક બન્યા

જેઇઇ-મેઇનના આધારે પાસ થયેલા 2.5 લાખ વિદ્યાર્થીઓ એડવાન્સ પરીક્ષા માટે લાયક બન્યા છે, જેમાં જનરલ કેટેગરીના 1 લાખ 1 હજાર 324, EWSમાંથી 25029, OBCમાંથી 67570, SCમાંથી 37581 અને STમાંથી 18780 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જનરલ કેટેગરીનું કટઓફ 93.23, EWS 81.32, OBC 79.67, SC 60.09, ST 46.69 ટકા છે.

પરીક્ષા ક્યારે યોજાઈ હતી?

JEE Mains 2024 સેશન-2ની પરીક્ષા 2024ની 4, 5, 6, 8, 9 અને 12 એપ્રિલે દેશભરના 319 શહેરોમાં અને દેશની બહારના 22 શહેરોમાં લેવામાં આવી હતી, જેની આન્સર કી 12 એપ્રિલે બહાર પાડવામાં આવી હતી. આન્સર કી પર વાંધો દાખલ કરવાની છેલ્લી તારીખ 14 એપ્રિલ 2024 હતી. આ માટે 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી લગભગ 12.57 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આટલી ભાષાઓમાં પરીક્ષા લેવામાં આવી હતી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા JEE મુખ્ય પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવી હતી. જેમાં આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂનો સમાવેશ થાય છે.

JEE Mains Result 2024: ગુજરાતના બે વિદ્યાર્થીને 100 પર્સેન્ટાઈલ મળ્યા, કોટાનો નીલકૃષ્ણ ટોપર 3 - image


Google NewsGoogle News