JEE Advanced 2027ની તારીખ જાહેર: વેબસાઈટ લોન્ચ, જાણો વયમર્યાદા સહિતના નિયમો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

JEE Advanced 2027 : દેશની તમામ 23 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IITs)માં પ્રવેશ માટે લેવામાં આવતી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) એડવાન્સ્ડ 2027નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આગામી 23 મે 2027ના રોજ JEE એડવાન્સ્ડ 2027નું આયોજન કરવામાં આવશે. પરીક્ષાનું આયોજન કરનાર IIT દિલ્હીએ શુક્રવાર, 13 નવેમ્બર 2026ના રોજ JEE એડવાન્સ્ડ 2027ની સત્તાવાર વેબસાઈટ લોન્ચ કરી છે. આ સાથે જ IIT દિલ્હીએ સ્પષ્ટ કર્યું છે કે, આ પરીક્ષામાં ઉમેદવારોને બેઝિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. અહીં પરીક્ષામાં સામેલ થવા માટેના માપદંડો, વયમર્યાદા અને પ્રયત્નોની સંખ્યા અંગેની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.
JEE મેઈન 2027ના ટોપ 2.5 લાખ ઉમેદવારો જ આપી શકશે પરીક્ષા
JEE એડવાન્સ્ડ 2027માં સામેલ થવાના માપદંડોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. IIT દિલ્હી દ્વારા લોન્ચ કરાયેલી વેબસાઈટ મુજબ, JEE (મેઈન) 2027ના B.E./B.Tech. પેપરમાં સફળ થનારા તમામ કેટેગરીને મળીને ટોચના 2,50,000 ઉમેદવારોને JEE એડવાન્સ્ડ 2027માં બેસવાની તક મળશે. વેબસાઈટ પર શોર્ટલિસ્ટ થનારા વિવિધ કેટેગરીના ઉમેદવારોની ટકાવારી દર્શાવતું ટેબલ પણ મૂકવામાં આવ્યું છે.
માત્ર બે પ્રયત્નો જ મળશે, જાણો શું છે વયમર્યાદા
JEE એડવાન્સ્ડમાં સામેલ થવા માટે પ્રયત્નોની સંખ્યા વધારવાની માંગ લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ 2027ની પરીક્ષા માટે આ માંગ પર કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. વેબસાઈટ અનુસાર, ઉમેદવારોને મહત્તમ બે વખત જ પરીક્ષા આપવાની તક મળશે. વયમર્યાદાની વાત કરીએ તો, જનરલ કેટેગરીના ઉમેદવારોનો જન્મ 1 ઓક્ટોબર 2002ના રોજ અથવા તે પછી થયેલો હોવો જોઈએ. જ્યારે SC, ST અને PwD ઉમેદવારોને વયમર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવી છે, એટલે કે તેમનો જન્મ 1 ઓક્ટોબર 1997ના રોજ અથવા તે પછી થયેલો હોવો જોઈએ.
ધોરણ 12ની પરીક્ષા અને પાસિંગ માપદંડોની વિગતો
IIT દિલ્હીની વેબસાઈટ પર ધોરણ 12ની પરીક્ષા અને અન્ય પાત્રતા માપદંડો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોએ પ્રથમ વખત 2026 અથવા 2027માં ધોરણ 12ની પરીક્ષા આપી હોવી જોઈએ, જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ ફરજિયાત વિષયો હોવા જરૂરી છે. જે ઉમેદવારોએ પ્રથમ વખત 2025 કે તે પહેલાં ધોરણ 12ની પરીક્ષા આપી હોય, તેઓ JEE એડવાન્સ્ડ 2027 માટે પાત્ર ગણાશે નહીં, પછી ભલે તેમણે કોઈપણ કે ગમે તેટલા વિષયોની પરીક્ષા આપી હોય.
પરિણામ જાહેર થવાની તારીખ અને રોકાયેલા રિઝલ્ટ અંગેના નિયમો
ધોરણ 12ની પરીક્ષામાં સામેલ થવાનો અર્થ એ છે કે સંબંધિત બોર્ડે તે વર્ષનું પરિણામ જાહેર કરી દીધું હોય, ભલે પરીક્ષા લેવાઈ હોય કે ન લેવાઈ હોય. જો કોઈ ઉમેદવારનું પરિણામ રોકી (withhold) રાખવામાં આવ્યું હોય, તો પણ તેને પરીક્ષામાં સામેલ થયેલો જ ગણવામાં આવશે. જે ઉમેદવારોનું ધોરણ 12નું પરિણામ 12 જૂન 2025ના રોજ અથવા તે પછી જાહેર થયું હોય અને તેઓ અન્ય તમામ શરતો પૂરી કરતા હોય, તેઓ JEE એડવાન્સ્ડ 2027માં બેસવા માટે પાત્ર રહેશે. પરંતુ, જો કોઈ ઉમેદવારનું પરિણામ 12 જૂન 2025 પહેલાં જાહેર થઈ ગયું હોય અને કોઈ કારણસર તેમનું રિઝલ્ટ રોકાયેલું રહ્યું હોય, તો તેઓ આ પરીક્ષા માટે અયોગ્ય ગણાશે.




