બળવાખોરો સામે JDUની કડક કાર્યવાહી... પૂર્વ મંત્રી-ધારાસભ્ય સહિત 11 નેતાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે સત્તાધારી જનતા દળ યુનાઇટેડે (JDU) પક્ષમાં બળવો કરનારા નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. પાર્ટીએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા તેના 11 બળવાખોર નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
પક્ષ વિરોધી કામ કરતા હાંકી કઢાયા
જેડીયુના સત્તાવાર પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ‘આ નેતાઓએ પક્ષની વિચારધારા, અનુશાસન અને સંગઠનાત્મક આચરણની વિરુદ્ધ જઈને કામ કર્યું છે. આ તમામ નેતાઓ પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે અપક્ષ તરીકે અથવા અન્ય રીતે મેદાનમાં ઉતરીને સંગઠનની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે તેમને પ્રાથમિક સભ્યપદમાંથી તાત્કાલિક નિલંબિત કરીને સસ્પેન્ડ કરવામાં આવે છે. પાર્ટીએ સ્પષ્ટ કહ્યું કે, આવા બળવાખોર વલણને બિલકુલ ચલાવી નહીં લેવાય.’

સસ્પેન્ડ કરાયેલા નેતાઓની યાદી
- શૈલેશ કુમાર: (પૂર્વ મંત્રી, જમાલપુર, મુંગેર)
- સંજય પ્રસાદ: (પૂર્વ ધારાસભ્ય, ચકઈ, જમુઈ)
- શ્યામ બહાદુર સિંહ: (પૂર્વ MLC, બડહરિયા, સીવાન)
- રણવિજય સિંહ: (પૂર્વ MLC, બડહરા, ભોજપુર)
- સુદર્શન કુમાર: (પૂર્વ MLC, બરબીઘા, શેખપુરા)
- અમર કુમાર સિંહ: (સાહેબપુર કમાલ, બેગૂસરાય)
- આસમા પરવીન: (મહુઆ, વૈશાલી)
- લવ કુમાર: (નવીનગર, ઔરંગાબાદ)
- આશા સુમન: (કદવા, કટિહાર)
- દિવ્યાંશુ ભારદ્વાજ: (મોતિહારી, પૂર્વી ચંપારણ)
- વિવેક શુક્લા: (જીરાદેઈ, સીવાન)
બિહારની ચૂંટણી તારીખ અને મતદારોનો ડેટા
બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.
ચૂંટણી પંચના આંકડા અનુસાર, બિહારમાં કુલ 7.43 કરોડ મતદારો છે, જેમાં આશરે 3.92 કરોડ પુરૂષ, 3.50 કરોડ મહિલા અને 1725 ટ્રાન્સજેન્ડર સામેલ છે. 7.2 લાખ દિવ્યાંગ અને 4.04 લાખ 85 વર્ષથી વધુ વયજૂથના મતદારો સામેલ છે. તદુપરાંત 14 હજાર મતદાર 100 વર્ષ કે તેથી વધુ વય ધરાવે છે. આ વર્ષે 14.01 લાખ યુવાનો પ્રથમ વખત મત આપશે. આ તમામ આંકડા 30 સપ્ટેમ્બર, 2025 સુધીના છે.
અગાઉ 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ હતી. 28 ઑક્ટોબર, 2020ના રોજ પ્રથમ તબક્કો, 3 નવેમ્બર, 2020ના રોજ બીજો અને 7 નવેમ્બર, 2020ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ હતી. જેની મત ગણતરી 10 નવેમ્બર, 2020ના રોજ થઈ હતી. તે સમયે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવા પાછળનું ગણિત રાજ્યના અમુક હિસ્સામાં નક્સલી અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ હતી.
આ પણ વાંચો : પહેલી નવેમ્બરથી બદલાઈ જશે GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, 96 ટકા અરજદારોને સીધો ફાયદો

