રાજ્યસભા ચૂંટણી પહેલા ભાજપે અમારો સંપર્ક કર્યો હતો, ફારૂક અબ્દુલ્લાના દાવાથી કાશ્મીરનું રાજકારણ ગરમાયું

Jammu-Kashmir Rajya Sabha Election : કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની ચાર રાજ્યસભા બેઠકોની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે (NC) ત્રણ બેઠકો અને ભાજપે એક બેઠક જીત્યા બાદ નેશનલ કોન્ફરન્સ (NC)ના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ આજે (25 ઓક્ટોબર) ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપે અમારી પાર્ટીનો સંપર્ક કર્યો હતો અને સીટોની વહેંચણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને અમારી પાર્ટીએ નકારી કાઢ્યો હતો.’
‘ચૂંટણી ન લડવા બદલ સીટની ઓફર કરી’
શ્રીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે ‘ભાજપ ઈચ્છતી હતી કે અમારી પાર્ટી સીટની વહેંચણીના બદલામાં ચૂંટણી ન લડે. તેઓ અમારી પાસે આવ્યા અને કહ્યું કે, ચૂંટણીમાં ન લડો, અમને સીટો આપી દો અને એક સીટ લઈ લો. પરંતુ અમે ના પાડી દીધી. અમે મેદાનમાં ઉતર્યા અને ચૂંટણી લડી.’
કોંગ્રેસ-PDP અને અપક્ષોનો આભાર
અબ્દુલ્લાએ અમારી પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપવા બદલ કોંગ્રેસ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અને અપક્ષ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘મહેબૂબા મુફ્તીની પાર્ટી, કોંગ્રેસ અને લંગેટ તથા શોપિયાંના અપક્ષ ધારાસભ્યો અમારા પડખે ઊભા રહ્યા, જેના કારણે જ અમે ત્રણ સીટો જીતી શક્યા છીએ.’
NC જમ્મુ-કાશ્મીરના લોકોનો અવાજ ઉઠાવશે
અબ્દુલ્લાએ ખાતરી આપી કે અમારી પાર્ટીના નવા ચૂંટાયેલા ત્રણેય રાજ્યસભા સભ્યો ઉપલા ગૃહમાં જમ્મુ-કાશ્મીરના લોકોનો અવાજ ઉઠાવશે અને પાર્ટી કેન્દ્રશાસિત પ્રદેશના લોકોના હિતોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. આરોપો તો હંમેશા લાગતા જ રહે છે.

