જોતજોતામાં નદીએ ધારણ કર્યું રૌદ્ર રૂપ, 162 બાળકોનું શાળામાંથી કરાયું રેસ્ક્યૂ, જમશેદપુરમાં કુદરતનો પ્રકોપ
Image: X @Jsr_police |
Jamshedpur school flood rescue: જમશેદપુરના પોટકામાં કોવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લવ કુશ આવાસીય વિદ્યાલયમાં શનિવારે (28 જૂન) ભારે વરસાદના કારણે ગુદરા નદીના જળસ્તરમાં વધારો થયો છે, જેનાથી વિદ્યાલયમાં રહેતા 162 બાળકો ફસાઈ ગયા છે. આ વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા છે. વરસાદનું પાણી વિદ્યાલય પરિસરમાં ઘુસી જવાના કારણે વિદ્યાર્થીઓ ડરીને છત પર ચઢી ગયા હતા.
રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
સૂચના મળતાની સાથે જ તંત્ર સક્રિય થઈ ગયું અને તુરંત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જમશેદપુર પોલીસ સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી. બાળકોને સુરક્ષિત બહાર કાઢવા માટે હોડી અને અન્ય સંસાધનોની મદદ લેવામાં આવી હતી. પોલીસે ભારે જહેમત બાદ તમામ 162 વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા અને તેમના પરિજનોને સોંપી દીધા. રેસ્ક્યુ દરમિયાન બાળકો માટે પ્રાથમિક સારવાર અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ઘરમાં કેટલા મોબાઈલ ફોન, બાઈક છે...? ભારતમાં આ તારીખથી શરૂ થશે વસતી ગણતરી
નોંધનીય છે કે, શનિવારે મોડી રાત્રે નદીની પાસે સ્થિત લવકુશ આવાસીય વિદ્યાલયમાં પાણી ઘુસી ગયા હતા અને ત્યારે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં સૂતા હતા.
પાણી વધવાથી મચી નાસભાગ
અચાનક પાણી વધવાથી ત્યાં સૂતેલા 162 વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. તેઓ ગમે તેમ કરીને સ્કૂલની છત પર ભાગ્યા અને પોતાનો જીવ બચાવ્યો. સ્કૂલ સંપૂર્ણ રીતે જળમગ્ન થઈ ગઈ હતી. બાળકોનો બચાવ કર્યા બાદ વહેલી સવારે પોલીસ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી.
પોલીસે જાણકારી મળતાની સાથે જ ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી અને ગ્રામીણોની મદદથી તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ પહેલાં પણ રાંચી પોલીસે 19 જૂને આ પ્રકારે પાણી વચ્ચે ઘરોમાં ફસાયેલા પરિવારોનું રેસ્ક્યુ કર્યું હતું.