ચીન પર ટેરિફ ઝિંકનારા ટ્રમ્પ નરમ પડ્યા ! જિનપિંગ સાથે કરશે બેઠક, કિમ જોંગ ઉન સાથે પણ મુલાકાતની અટકળો

US President Donald Trump On Asia Tour : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ચીન પર 155 ટકા ટેરિફ ઝિંકવાની ધમકી આપી હતી, ત્યારે હવે તેમણે ચીન સાથે સંબંધો સુધારવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રિપોર્ટ મુજબ, ટ્રમ્પ 24 ઓક્ટોબરથી એશિયાના પ્રવાસે નીકળી ગયા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ચીન પહોંચી રાષ્ટ્રપ્રમુખ શિ જિનપિંગ સાથે બેઠક કરી મહત્ત્વના સમજૂતી કરાર કરશે. આ ઉપરાંત તેઓ મલેશિયા, જાપાન અને દક્ષિણ કોરિયાનો પણ પ્રવાસ કરી શકે છે. અટકળો મજુબ, ટ્રમ્પ ઉત્તર કોરિયાના પ્રવાસે પહોંચીને સુપ્રીમ લિડર કિમ-જોન-ઉન સાથે પણ મુલાકાત કરી શકે છે.
ટ્રમ્પના પ્રવાસથી અમેરિકા-એશિયા વચ્ચે સંબંધો સુધરવાની આશા
ટ્રમ્પે પ્રમુખ પદ સંભાળ્યા બાદ અમેરિકા અને એશિયાના દેશો વચ્ચે સંબંધો બગડી ગયા છે, ત્યારે આશા છે કે, ટ્રમ્પના પ્રવાસના કારણે વેપાર તણાવમાં ઘટાડો થશે અને ચીન સાથે બગડેલા સંબંધો ફરી સુધરશે. ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની બીજી વખત પદભાર સંભાળ્યા બાદ આ તેમનો પ્રથમ સૌથી લાંબો વિદેશ પ્રવાસ છે.
ટ્રમ્પ-જિનપિંગ વચ્ચે વેપાર તણાવ અંગે થશે ચર્ચા
દક્ષિણ કોરિયાના ગ્યોંગજૂમાં APEC શિખર સંમેલન યોજાવાનું છે, જ્યાં ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે વેપાર મુદ્દે ચર્ચા થઈ શકે છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કેરોલીન લેવિટે કહ્યું કે, બંને નેતા વચ્ચે ગુરુવારે બેઠક થઈ શકે છે. જોકે બંને નેતાઓ કયા મુદ્દે ચર્ચા કરવાના છે, તેની લેવિટે માહિતી આપી નથી.
ટ્રમ્પ નરમ પડ્યા, મસમોટો ટેરિફ ઝિંક્યો તો ચીને આપ્યો જડબાતોડ જવાબ
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ ચીન પર અવારનવાર દબાણ કરવાનો પ્રયાસ કરતા રહ્યા છે. તેઓ ઘણી વખત ચીનને મસમોટો ટેરિફ ઝિંકવાની ધમકી આપતા રહ્યા છે. ચીને પણ અમેરિકાને જડબાતોડ જવાબ આપી સોયાબીનની ખરીદી બંધ કરી છે, જેના કારણે અમેરિકાને મોટો ફટકો પડ્યો છે. આ કારણે ટ્રમ્પ નરમ પડ્યા છે અને ચીનથી આયાત થતાં કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે, પરંતુ બદલામાં તેમણે ચીન પાસે કેટલીક રાહત માંગી છે. તેમણે ચીન પાસેથી અમેરિકી સોયાબીનની ખરીદી ફરી શરૂ કરવા અને ફેન્ટાનિલ બનાવવા માટે વપરાતા રસાયણોનો પુરવઠો રોકવા જેવી કેટલીક રાહતોની માગણી કરી છે.
તાઈવાન અને સુરક્ષા મુદ્દાઓ પણ ચર્ચામાં
વેપાર સિવાય બંને નેતાઓ વચ્ચે તાઈવાન મુદ્દે પણ ચર્ચા કરે તેવી સંભાવના છે. મીડિયા રિપોર્ટ મુજબ ટ્રમ્પ જિનપિંગના દબાણમાં આવીને અમેરિકાનું તાઈવાનનો સમર્થનનું વલણ નરમ પાડી શકે છે.
ટ્રમ્પ મલેશિયાનો પ્રવાસ પણ કરશે
આ ઉપરાંત ટ્રમ્પ મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં યોજાનાર આસિયાન સંમેલનમાં પણ ભાગ લેશે. આ દરમિયાન ટ્રમ્પ અમેરિકાના વેપારમાં સૌથી મોટું યોગદાન આપનાર વિયેતનામ અને થાઈલેન્ડ મુદ્દે ચર્ચા કરશે. રિપોર્ટ મુજબ, ટ્રમ્પ મલેશિયા પ્રવાસ દરમયિાન થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે થયેલ યુદ્ધવિરામની સ્થિતિની સમીક્ષા કરશે. જો બંને દેશો વચ્ચે સકારાત્મક પરિણામ હશે તો ટ્રમ્પ પોતાને વિશ્વ શાંતિના દૂત તરીકે રજૂ કરી શકે છે.
ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન વચ્ચે મુલાકાતની અટકળો
ટ્રમ્પના પ્રવાસમાં ઉત્તર કોરિયાનું નામ પણ ઉમેરાયું હતું, જેમાં ટ્રમ્પ અને સુપ્રીમ લીડર કિમ જોંગ-ઉન વચ્ચે બેઠક યોજવાની યોજના પર ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ આ મુલાકાતની સંભાવના નહિવત છે, જોકે શક્ય હશે તો બંને વચ્ચે મુલાકાત થઈ શકે છે. અમેરિકાના અધિકારીઓ બંને નેતાઓ વચ્ચે મુલાકાત યોજવાની સંભાવનાઓ પણ ચર્ચા કરી હતી. ટ્રમ્પે અગાઉ 2018 અને 2019માં ત્રણ વખત કિમ સાથે મુલાકાત કરી હતી, પરંતુ પરમાણુ કાર્યક્રમ પર કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું.

