Kulgam Encounter : જમ્મુ-કાશ્મીરમાં આજે બે આતંકી ઘટના સામે આવી છે, જેમાં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ દેવસર વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ અથડામણ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ વિસ્તારમાં સેનાના જવાનો સ્થળ પર પહોંચતા જ આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો છે, તો સેનાના જવાનો પણ વળતો જવાબ આપી રહ્યા છે. અન્ય એક ઘટનાની વાત કરીએ તો અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષા દળોએ મોટું પગેરું ઝડપી પાડ્યું છે. સેનાએ આતંકવાદીઓને મદદ કરનારા ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી હથિયારો અને દારુગોળો પણ જપ્ત કર્યો છે.
તાજેતરમાં જ પહેલગામના આતંકીઓને ઠાર કરાયા હતા
આ પહેલા શ્રીનગરના હરવાન વિસ્તારમાં આવેલ દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઓપરેશનમાં, જેને 'ઓપરેશન મહાદેવ' નામ આપવામાં આવ્યું હતું, તેમાં 28 જુલાઈના રોજ 2થી 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ એ જ આતંકવાદીઓ હતા જેઓ આ વર્ષે એપ્રિલમાં થયેલા પહેલગામ હુમલામાં સામેલ હતા.
થોડા દિવસ પહેલા કિશ્તવાડમાં પણ અથડામણ
કિશ્તવાડ જિલ્લાના સિંગપોરા અને કંજલ માંડૂ જેવા વિસ્તારોમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ છુપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF ની સંયુક્ત ટીમે આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આ કાર્યવાહીમાં પણ આતંકવાદીઓને નિષ્ક્રિય કરવાના પ્રયાસો ચાલુ રહ્યા હતા.


