કેમ હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતર્યા દેશભરના શિક્ષક અને વિદ્યાર્થીઓ? જાણો SSC પર નારાજગીના કારણો
SSC Exam Paper Leak Student Protest : રાજધાની દિલ્હીના જંતર-મંતર પર ફરી એકવાર મોટું આંદોલન શરૂ થઈ ગયું છે. કર્મચારી પસંદગી આયોગ (SSC)ની પરીક્ષામાં કથિત અનિયમિતતાઓના વિરોધમાં દેશભરના હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. બીજીતરફ પોલીસે પણ બળપ્રયોગ અને કસ્ટડીની કાર્યવાહી કરતા વિદ્યાર્થીઓ-શિક્ષકો રોષે ભરાયા છે. દેખાવકારોમાં અનેક જાણીતા શિક્ષકો સામેલ છે, જેમને પોલીસે ડિટેઈન કરતા મમાલો ઉગ્ર બની ગયો છે.
પરીક્ષામાં પારદર્શિતાનો અભાવ : છાત્રોનો આક્ષેપ
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાતી ‘SSC Selection Post Phase 13’ પરીક્ષા તાજેતરમાં જ વિવાદમાં આવ્યો છે, જે મામલે વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે, SSCની પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે. વારંવાર પરીક્ષા રદ થવાથી અને તેમાં ટેકનિક ખામી થવાથી તેમની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે. પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ આ મામલે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. નારાજ વિદ્યાર્થીઓ ફરિયાદો પણ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર હેશટેગ પર ચાલુ કરી દીધા છે.
વિદ્યાર્થીઓની ફરિયાદ
વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે, અનેક વિદ્યાર્થીઓને પોતાના રાજ્યથી સેંકડો કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે છે. પરીક્ષા આપતી વખતે સિસ્ટમ ક્રેશ થવી, માઉસ બંધ રહેવું અને સર્વસની સમસ્યા સામાન્ય વાત બની ગઈ છે. વહિવટી અને ટેકનિકલ કારણોસર SSCની 24થી 26 જુલાઈ યોજાનાર સિલેક્શન પોસ્ટ ફેઝ-13ની કેટલીક પરીક્ષાઓ રદ કરાઈ, જેના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. પરીક્ષાના પરિણામ અને આંસર કીમાં વારંવાર થતી ભૂલોના કારણે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધી ગયો છે. કેટલાક પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને મોડી રાત સુધી રોકી રાખી હોવાના કિસ્સા સામે આવ્યા છે, જે વિદ્યાર્થીઓની ગરિમા અને સુરક્ષાનું ઉલ્લંઘન છે. આ તમામ મુદ્દાઓના કારણે વિદ્યાર્થીઓને એક થવા અને દિલ્હીના જંતર-મંતર પર દેખાવો કરાવ માટે મજબૂર કર્યા છે. તેમની માંગ છે કે, પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં આવે, સ્વતંત્ર તપાસ થવી જોઈએ અને ટેકનિકલ સમસ્યાઓનું કાયમી સમાધાન કાઢવામાં આવે.
આ પણ વાંચો : રશિયા-ભારતની મિત્રતા પર ગુસ્સે થયેલા અમેરિકાને વિદેશ મંત્રાલયે આપ્યો રોકડો જવાબ
વિદ્યાર્થીઓ-શિક્ષકોનું જંતર-મંતર પર ‘દિલ્હી ચલો’ પ્રદર્શન
હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ 31 જુલાઈથી જ જંતર-મંતર પર પહોંચવાનું શરૂ દીધું છે. તેઓએ ‘દિલ્હી ચલો’ના નામથી આંદોલન શરૂ કરી દીધું છે. તેમાં દેશભરથી આવેલા SSC ઉમેદવારો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા શિક્ષકો સામેલ થઈ રહ્યા છે. દેખાવકારો પોતાની માંગણીઓ લઈને કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) ઓફિસ સુધી પહોંચ્યા હતા, જોકે પોલીસે તેમને અટકાવી દીધા છે. જંતર-મંતર પર શાંતિપૂર્વકના દેખાવો છતાં, જ્યારે દેખવકારો ડીઓપીટી ઓફિસ તરફ વધ્યા ત્યારે પોલીસે બળપ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક દેખાવકારોએ ઈજાગ્રસ્ત થવાની પણ ફરિયાદ કરી છે. દેખાવોમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાવનારા અનેક જાણીતા શિક્ષકો સામેલ થયા છે, જેમાંથી પોલીસે કેટલાક શિક્ષકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસની કાર્યવાહી અને શિક્ષકોને કસ્ટડીમાં લેવાયેલી ઘટનાઓ સોશિયલ મીડિયા પર #SSCMisManagement, #SSCVendorFailure અને #SSCReforms2025 જેવા હેશટેગથી ટ્રેન્ડ કરવામાં આવી રહ્યું છે.
લખનઉમાં પણ વિરોધ પ્રદર્શન
બીજીતરફ લખનઉમાં પણ SSC પેપર લીક થવા મામલે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સમાજવાદી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરાયો છે, તેના વીડિયો કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘શબ્દો નથી, પણ આ જુસ્સો આ સરકારને તોડી નાખશે! લખનૌમાં, પોલીસે SSC પેપર કેસનો વિરોધ કરી રહેલા એક મૂકબધિર યુવાનની ધરપકડ કરી, જે શરમજનક છે. યુવાનોનું શોષણ કરતી ભાજપ સરકાર તાનાશાહીની ચરમસીમાએ છે. જનતા દરેક અત્યાચારનો બદલો મત દ્વારા લેશે.’
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, જ્યાં સુધી તેમની માંગ પુરી નહીં થાય, ત્યાં સુધી તેઓ ચુપ નહીં બેસે. જંતર-મંતર પર સાંજે ફરી દેખાવકારો એકઠા થયા હતા અને પોલીસે ફરી તેમને કસ્ટડીમાં લીધા હતા.
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં ભયાનક અકસ્માત, ટ્રકે કારને ફંગોળતા એક જ પરિવારના પાંચ લોકોના મોત