‘દરેક કાશ્મીરીઓ આતંકવાદી નથી, માત્ર કેટલાક લોકો...’ દિલ્હી બ્લાસ્ટ મામલે બોલ્યા CM ઓમર અબ્દુલ્લા

Jammu-Kashmir CM Omar Abdullah On Delhi Blast Case : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકો હંમેશા શાંતિ અને ભાઈચારાના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખે છે. અબ્દુલ્લાએ કહ્યું કે, ‘માત્ર થોડા જ લોકો છે જેમણે આ ક્ષેત્રની શાંતિ અને સૌહાર્દને નષ્ટ કર્યું છે, પરંતુ એ યોગ્ય નથી કે દરેક કાશ્મીરીને આતંકવાદ સાથે જોડીને જોવામાં આવે.’
‘જમ્મુ-કાશ્મીરનો દરેક રહેવાસી આતંકવાદી નથી’
તેમણે કહ્યું કે, ‘આ અત્યંત નિંદનીય છે. કોઈ પણ ધર્મ નિર્દોષ લોકોની આટલી ક્રૂરતાથી હત્યાને યોગ્ય ઠેરવી ન શકે. તપાસ ચાલુ રહેશે, પરંતુ આપણે એક વાત યાદ રાખવી જોઈએ કે, જમ્મુ-કાશ્મીરનો દરેક રહેવાસી આતંકવાદી નથી અને દરેક આતંકવાદીઓ સાથે જોડાયેલા પણ નથી. આ કેટલાક ગણ્યા-ગાંઠ્યા લોકો છે, જેમણે હંમેશા આ ક્ષેત્રની શાંતિ અને ભાઈચારાને નુકસાન પહોંચાડ્યું છે.’
ગુનેગારોને કડક સજા મળવી જોઈએ : ઉમર ઉબ્દુલ્લા
તેમણે એમ પણ કહ્યું કે, ‘જ્યારે આપણે જમ્મુ-કાશ્મીરના દરેક રહેવાસી અને દરેક કાશ્મીરી મુસ્લિમને એક જ દૃષ્ટિકોણથી જોઈએ છીએ અને વિચારીએ છીએ કે તે બધા આતંકી છે, તો લોકોને સાચી દિશામાં ટકાવી રાખવા મુશ્કેલ બની જાય છે. જે લોકોએ આ ગુનો કર્યો છે, તેમને કડકમાં કડક સજા મળવી જોઈએ, પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે, કોઈ નિર્દોષ તેમાં ન ફસાય.’
આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ અલ-ફલાહ યુનિવર્સિટીને ઝટકો, AIUએ સભ્યપદ રદ કર્યું
CMએ બ્લાસ્ટમાં આરોપીઓના યુનિવર્સિટી કનેક્શન અંગે પણ આપી પ્રતિક્રિયા
બ્લાસ્ટના આરોપીઓના કનેક્શનમાં યુનિવર્સિટીનું નામ આવતા તેમણે કહ્યું કે, ‘શું આપણે આ પહેલા યુનિવર્સિટીના પ્રોફેસરોને તેમાં સામેલ નથી જોયા? કોણ કહે છે કે, શિક્ષિત લોકો આવી ગતિવિધિઓમાં સામેલ નથી થતા? તે થાય છે. મને એ જોઈને ઝટકો લાગ્યો કે ભલે તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા, પણ ત્યારબાદ કઈ પ્રકારની તપાસ કરવામાં આવી? કેસ કેમ ન ચલાવાયો? અમે ફક્ત કેન્દ્ર સરકારની મદદ કરી શકીએ છીએ જેથી સ્થિતિ સામાન્ય બની રહે અને અમે તે જ કરી રહ્યા છીએ.’
ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સદસ્યતા રદ
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના ઘણા રહેવાસીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના પર કથિત રીતે એક આતંકી ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ છે, જેઓ દેશના વિવિધ વિસ્તારોમાં અનેક હુમલાની યોજના બનાવી રહ્યા હતા. બીજી તરફ, એક નવો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે, જેમાં મુખ્ય આરોપી ડૉ. ઉમર-ઉન-નબીને એક I20 કારમાં બદલપુર બોર્ડરથી દિલ્હીમાં પ્રવેશતા જોઈ શકાય છે. આ કેસમાં ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીનું નામ સામે આવ્યું છે, જેના પગલે એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝે (AIU) યુનિવર્સિટીની સદસ્યતા તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે.

