Get The App

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક શંકાસ્પદ કાર મળી, અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાં પહોંચી બોમ્બ સ્ક્વૉડ

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક શંકાસ્પદ કાર મળી, અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાં પહોંચી બોમ્બ સ્ક્વૉડ 1 - image


Delhi Red Fort Blast Case : દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરે ભયાનક વિસ્ફોટ થયા બાદ તપાસ એજન્સીઓએ ધમધમાટ કાર્યવાહીઓ શરુ કરી દીધી છે. આ કાર્યવાહી હેઠળ એજન્સીઓએ આતંકવાદીઓએ ઉપયોગમાં લીધેલી ચોથી શંકાસ્પદ કાર શોધી કાઢી છે. ફરિદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાંથી શંકાસ્પદ સિલ્વર કલરની મારુતિ બ્રેઝા કાર મળી આવ્યા બાદ એજન્સીઓ ઍલર્ટ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ એટીએસ અને એનઆઇએની ટીમો પાર્કિંગમાં પહોંચી ગઈ છે. આ ઉપરાંત બોંબ સ્ક્વૉડની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી જઈને કારની તપાસ શરુ કરી દીધી છે.

શંકાસ્પદ ચોથી કાર શાહીનના નામે રજિસ્ટર્ડ

સૂત્રોના જણાવ્યા મુજબ, યુનિર્સિટીના પાર્કિંગમાંથી મળી આવેલી કાર ડૉ. શાહીનના નામ પર રજિસ્ટર્ડ છે. દરોડા દરમિયાન અગાઉ જે કાર પકડાઈ હતી તે શાહીનની જ હતી અને તે કારમાંથી રાઇફલ મળી આવી હતી. બ્લાસ્ટમાં આ ચોથી શંકાસ્પદ કારનો ઉપયોગ થયો હોવાનું તેમજ બ્લાસ્ટનો મુખ્ય આરોપી ડૉ. ઉમર નબી અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે.

બ્લાસ્ટમાં કુલ ચાર શંકાસ્પદ કાર સામે આવી

દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં અત્યાર સુધીમાં કુલ ચાર કારનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રથમ કારની વાત કરી તો, ઘટના બાદ ફરીદાબાદમાં દરોડા પાડવામાં આવ્યા ત્યારે ડૉ. શાહીના નામે રજિસ્ટર્ડ થયેલી મારુતિ સ્વિફ્ટ જપ્ત કરવામાં આવી હતી. બીજી સફેદ કલરની કાર I20 હતી, જે નબી ચલાવી રહ્યો હતો અને તેણે તેમાં જ વિસ્ફોટ કર્યો હતો. જ્યારે ત્રીજી કાર લાલ રંગની ઈકો સ્પોર્ટ મળી આવી હતી, તેની હાલ તપાસ ચાલી રહી છે. જ્યારે હવે અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાંથી બ્રેઝા કાર મળી આવી છે.

યુનિવર્સિટીના તંત્રની પૂછપરછ, કેમ્પસ સીલ

ફરીદાબાદ પોલીસે યુનિવર્સિટી કેમ્પસને કામચલાઉ ધોરણે સીલ કરી દીધી છે. સુરક્ષા દળોએ આખી યુનિવર્સિટીને ઘેરી લીધી છે. આ ઉપરાંત પાર્કિંગમાં કાર કોણ લાવ્યું અને ક્યારે પાર્ક કરવામાં આવી તેની યુનિવર્સિટીના તંત્રને પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે, બ્લાસ્ટની સાધન-સામગ્રી લાવવા માટે ચોથી કારનો ઉપયોગ થયો હશે અથવા તો વિસ્ફોટક સામગ્રી લઈ જવા માટે તેનો ઉપયોગ થયો હોઈ શકે છે.

આ પણ વાંચો : છત્તીસગઢ લીકર કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ CMના પુત્રની કરોડોની સંપત્તિ જપ્ત

નવા CCTV ફૂટેજમાં ડૉ. ઉમર દેખાયો

આ તમામ ઘટનાક્રમ વચ્ચે, જે દિવસે વિસ્ફોટ થયો તે દિવસનો એક નવો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. આ ફૂટેજમાં આતંકવાદી ડૉ. ઉમર નબી બદરપુર બોર્ડર ટોલ પ્લાઝાથી દિલ્હીમાં પ્રવેશ કરતો અને પછી રામલીલા મેદાન પાસે એક મસ્જિદ પાસે જતો દેખાઈ રહ્યો છે. બદરપુર ટોલ પ્લાઝાના 10 નવેમ્બર 8.02 વાગ્યાના સીસીટીવી ફૂટેજમાં આતંકી ઉમર જોવા મળી રહ્યો છે, તે સફેદ હુન્ડાઈ I20 કાર ચલાવતો, ટોલ ગેટ પાસે કાર ઊભી રાખતો અને રોકડ કાઢીને ટોલ ઓપરેટરને આપતો, પછી ત્યાંથી આગળ વધતો જોવા મળી રહ્યો છે.

દિલ્હી બ્લાસ્ટમાં 12ના મોત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે 10 નવેમ્બરે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાચ પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર પડતાં યુવક મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના કેન્દ્રને સવાલ: 'અમે સરકારની સાથે, પરંતુ નિષ્ફળતા પાછળ કોણ જવાબદાર?'

Tags :