દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ અલ-ફલાહ યુનિવર્સિટીને ઝટકો, AIUએ સભ્યપદ રદ કર્યું

Delhi Blast Case : દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરની સાંજે કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટ બાદ તપાસ એજન્સીઓએ ઝડપી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. આ કેસમાં ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીનું નામ સામે આવ્યું છે, જેના પગલે એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝે (AIU) યુનિવર્સિટીની સદસ્યતા તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે.
AIUએ સત્તાવાર કહ્યું છે કે, મીડિયા રિપોર્ટ્સ મુજબ ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીની સ્થિતિ યોગ્ય ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે, તેથી તેની સદસ્યતા રદ કરાઈ છે. યુનિવર્સિટી હવે કોઈપણ પ્રવૃત્તિમાં AIUનું નામ કે લોગો વાપરી શકશે નહીં અને સત્તાવાર વેબસાઈટ પરથી પણ લોગો હટાવવો પડશે.
યુનિવર્સિટી કેમ્પસમાંથી ચોથી શંકાસ્પદ કાર મળી
વિસ્ફોટ કેસની તપાસ કરી રહેલી એજન્સીઓએ કાર્યવાહી દરમિયાન આતંકવાદીઓએ ઉપયોગમાં લીધેલી ચોથી શંકાસ્પદ કાર આજે (13 નવેમ્બર) શોધી કાઢી છે. ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાંથી સિલ્વર કલરની મારુતિ બ્રેઝા કાર મળી આવતાં ATS અને NIA ની ટીમો એલર્ટ થઈ ગઈ છે અને બોમ્બ સ્ક્વૉડ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
શંકાસ્પદ ચોથી કાર શાહીનના નામે રજિસ્ટર્ડ
સૂત્રોના જણાવ્યા મુજબ, યુનિર્સિટીના પાર્કિંગમાંથી મળી આવેલી કાર ડૉ.શાહીનના નામ પર રજિસ્ટર્ડ છે. દરોડા દરમિયાન અગાઉ જે કાર પકડાઈ હતી તે શાહીનની જ હતી અને તે કારમાંથી રાઈફલ મળી આવી હતી. બ્લાસ્ટમાં આ ચોથી શંકાસ્પદ કારનો ઉપયોગ થયો હોવાનું તેમજ બ્લાસ્ટનો મુખ્ય આરોપી ડૉ.ઉમર નબી અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે.
બ્લાસ્ટમાં કુલ ચાર શંકાસ્પદ કાર સામે આવી
દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં અત્યાર સુધીમાં કુલ ચાર કારનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રથમ કારની વાત કરી તો, ઘટના બાદ ફરીદાબાદમાં દરોડા પાડવામાં આવ્યા ત્યારે ડૉ.શાહીના નામે રજિસ્ટર્ડ થયેલી મારુતિ સ્વિફ્ટ જપ્ત કરવામાં આવી હતી. બીજી સફેદ કલરની કાર I20 હતી, જે નબી ચલાવી રહ્યો હતો અને તેણે તેમાં જ વિસ્ફોટ કર્યો હતો. જ્યારે ત્રીજી કાર લાલ રંગની ઈકો સ્પોર્ટ મળી આવી હતી, તેની હલ તપાસ ચાલી રહી છે. જ્યારે હવે અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાંથી બ્રેઝા કાર મળી આવી છે.
યુનિવર્સિટીના તંત્રની પૂછપરછ, કેમ્પસ સીલ
ફરીદાબાદ પોલીસે યુનિવર્સિટી કેમ્પસને કામચલાઉ ધોરણે સીલ કરી દીધી છે. સુરક્ષા દળોએ આખી યુનિવર્સિટીને ઘેરી લીધી છે. આ ઉપરાંત પાર્કિંગમાં કાર કોણ લાવ્યું અને ક્યારે પાર્ક કરવામાં આવી તેની યુનિવર્સિટીના તંત્રને પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે, બ્લાસ્ટની સાધન-સામગ્રી લાવવા માટે ચોથી કારનો ઉપયોગ થયો હશે અથવા તો વિસ્ફોટક સામગ્રી લઈ જવા માટે તેનો ઉપયોગ થયો હોઈ શકે છે.
નવા CCTV ફૂટેજમાં ડૉ. ઉમર દેખાયો
આ તમામ ઘટનાક્રમ વચ્ચે, જે દિવસે વિસ્ફોટ થયો તે દિવસનો એક નવો સીસીટીવી ફુટેજ સામે આવ્યો છે. આ ફુટેજમાં આતંકવાદી ડૉ.ઉમર નબી બદરપુર બોર્ડર ટલ પ્લાઝાથી દિલ્હીમાં પ્રવેશ કરતો અને પછી રામલીલા મેદાન પાસે એક મસ્જિદ પાસે જતો દેખાઈ રહ્યો છે. બદરપુર ટોલ પ્લાઝાના 10 નવેમ્બર 8.02 વાગ્યાના સીસીટીવી ફુટેજમાં આતંકી ઉમર જોવા મળી રહ્યો છે, તે સફેદ હુન્ડાઈ I20 કાર ચલાવતો, ટોલ ગેટ પાસે કાર ઉભી રાખતો અને રોકડ કાઢીને ટોલ ઓપરેટરને આપતો, પછી ત્યાંથી આગળ વધતો જોવા મળી રહ્યો છે.
દિલ્હી બ્લાસ્ટમાં 13ના મોત
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે 10 નવેમ્બરે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાર પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર પડતા યુવક મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલો જોવા મળ્યો હતો.
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક શંકાસ્પદ કાર મળી, અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગ પહોંચી બોમ્બ સ્ક્વૉડ

