ત્રણ દાયકા બાદ કાશ્મીરમાં ખુલ્યા શારદા ભવાની મંદિરના કપાટ, મુસ્લિમોએ કહ્યું- 'ઘાટી પંડિતોની જન્મભૂમિ'
Sharda Bhawani Temple In Jammu And Kashmir : જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં શારદા ભવાની મંદિર ત્રણ દાયકાથી વધુ સમય બાદ ફરીથી ખુલ્યું છે. આ પ્રસંગે સ્થાનિક મુસ્લિમ સમુદાયની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી છે. 1990ના દાયકામાં ભયાનક આતંકવાદ ફેલાયો હતો, ત્યારબાદ કાશ્મીરી પંડિત પરિવારોનો એક સમૂહ પહેલીવાર પોતાના વતન પરત ફર્યો છે. આ દરમિયાન સ્થાનિક મુસ્લિમ વૃદ્ધોએ કાશ્મીરને પંડિતોની જન્મભૂમિ ગણાવીને તેમનું હાર્દિક સ્વાગત કર્યું.
મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
શારદા ભવાની મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં મુહૂર્ત અને પ્રાણ પ્રતિષ્ઠાની વિધિઓ કરવામાં આવી છે. મંદિરના અધ્યક્ષ સુનીલ કુમાર ભટ્ટે જણાવ્યું કે, ‘આ મંદિર પાકિસ્તાનમાં આવેલા શારદા માતા મંદિરની એક શાખા છે. અમે લાંબા સમયથી આ મંદિરને ફરીથી ખોલવા માંગતા હતા અને સ્થાનિક મુસ્લિમ સમુદાય પણ આ જ ઈચ્છતો હતો. તેઓ નિયમિતપણે અમને અહીં આવીને મંદિરની ફરી સ્થાપના કરવા માટે કહેતા હતા.’
આ પણ વાંચો : સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથના રથના ત્રણ પૈડા સ્થાપિત કરાશે, લોકસભા સ્પીકરે મંજૂરી આપી
જીર્ણોદ્ધાર વખતે શિવલિંગ મળ્યું
સુનીલ કુમાર ભટ્ટના જણાવ્યા અનુસાર, સરકારી યોજનાના પેકેજ હેઠળ કામ કરતા કેટલાક કાશ્મીરી પંડિતોએ આ મંદિરનું સમારકામ કર્યું. જૂનું મંદિર જર્જરિત થઈ ગયું હોવાથી જિલ્લા પ્રશાસન સાથે મળીને એક નવા મંદિરના નિર્માણ માટે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. સફાઈ અને જીર્ણોદ્ધાર વખતે ત્યાંથી એક શિવલિંગ પણ મળ્યું હતું, જેને નવા મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ સ્થાનિક મુસ્લિમ સમુદાયના સમર્થન વગર શક્ય નહોતો.
‘કાશ્મીર ઘાટી પંડિતોની જન્મભૂમિ’
એક સ્થાનિક મુસ્લિમ વૃદ્ધે કહ્યું કે, ‘આ લોકો અમારા જ ગામના નિવાસી છે. પરિસ્થિતિ બગડતા પહેલાં અમે સાથે રહેતા અને સાથે જ ખાતા-પીતા હતા. જો તેમને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો અમે તેમની મદદ માટે હાજર છીએ. કાશ્મીર ઘાટી પંડિતોની જન્મભૂમિ છે અને બંને સમુદાયના લોકો એકસાથે મોટા થયા છીએ.’
આ પણ વાંચો : 50% ટેરિફથી તમિલનાડુને 34,000 કરોડનું નુકસાન, નોકરીઓ પર ખતરો હોવાની CMની કબૂલાત