સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથના રથના ત્રણ પૈડા સ્થાપિત કરાશે, લોકસભા સ્પીકરે મંજૂરી આપી
Jagannath Puri Rath Yatra : ભારતની સાંસ્કૃતિક વિરાસત અને આધ્યાત્મિક ઓળખને મજબૂત કરવા માટે એક અનોખી અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. ઓડિશાના પુરી સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે, ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રામાં ઉપયોગમાં લેવાતા ત્રણ પવિત્ર રથોમાંથી એક-એક પૈડું હવે દિલ્હી સ્થિત સંસદ ભવન પરિસરમાં સ્થાપિત કરવામાં આવશે. આ પ્રસ્તાવને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મંજૂરી આપી છે.
ત્રણ પવિત્ર રથોમાંથી એક-એક પૈડું સંસદ પરિસરમાં સ્થપાશે
હવે વિશ્વપ્રસિદ્ધ પુરી રથયાત્રામાં ઉપયોગમાં લેવાતા ત્રણ પવિત્ર રથોમાંથી એક-એક પૈડું હવે દિલ્હી સ્થિત સંસદ પરિસરમાં સ્થાપિત કરાશે. આ પૈડાં ભગવાન જગન્નાથના નંદીઘોષ રથ, દેવી સુભદ્રાના દર્પદલન રથ અને ભગવાન બલભદ્રના તાલધ્વજ રથમાંથી લેવામાં આવશે. આ પહેલનો હેતુ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતમાં ઓડિશાના યોગદાનને કાયમી પ્રતીક તરીકે સ્થાપિત કરવાનો છે.
સંસદ પરિસરમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ
આ નિર્ણયને મંદિરના સેવકો અને ભક્તોએ ભારે ઉત્સાહ સાથે વધાવી લીધો છે. તેમનું માનવું છે કે, આનાથી જગન્નાથ સંસ્કૃતિનો વ્યાપક પ્રચાર-પ્રસાર થશે અને વધુ લોકોને આ પવિત્ર પરંપરા વિશે જાણવાની તક મળશે. ભક્તો માટે રથનું પૈડું અત્યંત પવિત્ર છે, કારણ કે આ રથ પર સ્વયં મહાપ્રભુ બિરાજમાન થાય છે. આ પ્રવૃત્તિથી સંસદ પરિસરમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થશે, જે આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતાને વધુ મજબૂત બનાવશે.
આ પણ વાંચો : PM મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવા કરી અપીલ
અગાઉ લોકસભામાં સેંગોલ)ની સ્થાપના કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, લગભગ બે વર્ષ પહેલાં 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં સ્પીકરની ખુરશીની બાજુમાં સેંગોલ (Sengol)ની સ્થાપના કરી હતી, જે સત્તા હસ્તાંતરણનું પ્રતીક છે. આ સન્માન બાદ રથના પૈડાં સંસદ પરિસરમાં સ્થાપિત થનારું બીજું સાંસ્કૃતિક પ્રતીક હશે. આ પગલું દેશના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને આધુનિક સંસ્થાઓ સાથે જોડવાનું એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે.
રથ માટે કુલ 42 પૈડા બનાવાય છે
મહાપ્રભુ સ્વયં રથ પર બિરાજમાન થાય છે, તેથી રથના પૈડાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ઘણા ભક્તો તેને પોતાના ઘરે પણ રાખે છે. નંદીઘોષ રથમાં 16, તાલધ્વજ રથમાં 14 અને દેવદલન રથમાં 12 પૈડાં બનાવવામાં આવે છે. આ ત્રણેય રથો માટે કુલ 42 પૈડાં બનાવવામાં આવે છે. આ પૈડાં મહારાણા વિશ્વકર્મા દ્વારા લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે. દરેક પૈડાની ઊંચાઈ 7 ફૂટ હોય છે અને બધા 42 પૈડાં લાકડાના જ હોય છે.
આ પણ વાંચો : 50% ટેરિફથી તમિલનાડુને 34,000 કરોડનું નુકસાન, નોકરીઓ પર ખતરો હોવાની CMની કબૂલાત