Get The App

50% ટેરિફથી તમિલનાડુને 34,000 કરોડનું નુકસાન, નોકરીઓ પર ખતરો હોવાની CMની કબૂલાત

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
Trump Tariff Impact


Trump Tariff Impact: અમેરિકા દ્વારા ભારત પર લાગુ કરવામાં આવેલા 50% ટેરિફથી ઘણા ઉદ્યોગોને અસર થઈ છે, જેમાં કાપડ ઉદ્યોગ સૌથી વધુ પ્રભાવિત થયો છે. આ ટેરિફના કારણે એકલા તમિલનાડુને જ રૂ. 34,000 કરોડથી વધુનું નુકસાન થવાની સંભાવના છે.

આ અંગે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના જણાવ્યા મુજબ, ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા આ બમણા ટેરિફથી રાજ્યની અર્થવ્યવસ્થાને $3.93 બિલિયન (આશરે રૂ. 34,600 કરોડ)નું ભારે નુકસાન થઈ શકે છે. આ ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે અને ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગને તેનાથી સૌથી વધુ નુકસાન થવાની આશંકા છે.

અમેરિકન ટેરિફ તમિલનાડુના નિકાસ પર ફટકો

અમેરિકાએ ભારતીય વસ્તુઓ પર લગાવેલા બમણા ટેરિફને કારણે તમિલનાડુના નિકાસકારોમાં ભારે ચિંતા પ્રસરી છે, કારણ કે અમેરિકા તેમના માટે એક મોટું બજાર છે. છેલ્લા નાણાકીય વર્ષમાં, તમિલનાડુના કુલ નિકાસનો 31% હિસ્સો અમેરિકાનો હતો, જે ભારતીય રાષ્ટ્રીય સરેરાશ (20%) કરતાં ઘણો વધારે છે. આ નવા ટેરિફને કારણે ઘણા ઓર્ડર રદ થયા છે અને તમિલનાડુનો નિકાસ બિન-સ્પર્ધાત્મક બન્યો છે. ખાસ કરીને કાપડ, મશીનરી, જેમ્સ અને જ્વેલરી તેમજ ઓટો પાર્ટ્સ જેવા ક્ષેત્રોમાં તેની સૌથી વધુ અસર જોવા મળી છે.

તમિલનાડુમાં નોકરીઓ અને કાપડ ઉદ્યોગ પર જોખમ

અમેરિકન ટેરિફને કારણે તમિલનાડુમાં નોકરીઓ પર મોટો ખતરો ઉભો થયો છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના જણાવ્યા અનુસાર, આ ટેરિફના કારણે વિવિધ ક્ષેત્રોમાં 13%થી 36% સુધી નોકરીઓ જઈ શકે છે.

આ ટેરિફના કારણે ખાસ કરીને કાપડ ઉદ્યોગ સૌથી વધુ પ્રભાવિત થયો છે. ગાઇડન્સ તમિલનાડુના અંદાજ મુજબ, આ એકલા ક્ષેત્રને જ $1.62 બિલિયન (અંદાજે ₹14,279 કરોડ) થી વધુનું નુકસાન થવાની સંભાવના છે.

તમિલનાડુ કાપડ નિકાસમાં અગ્રેસર

તમિલનાડુ ભારતનું સૌથી મોટું કાપડ નિકાસકાર રાજ્ય છે, જે દેશના કુલ કાપડ નિકાસમાં 28% ફાળો આપે છે અને લાખો પરિવારો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. આંકડાઓ પર નજર કરીએ, તો તિરુપુર જિલ્લામાં, જ્યાં કાપડ ઉદ્યોગમાં 65% મહિલાઓ કાર્યરત છે, આ ઉદ્યોગે ગયા વર્ષે રૂ. 40,000 કરોડની વિદેશી મુદ્રા કમાણી કરી. આ ઉદ્યોગ રંગકામ, લોજિસ્ટિક્સ, પેકેજિંગ અને મશીનરી જેવા અન્ય સંબંધિત ઉદ્યોગોને પણ મદદ કરે છે.

આ પણ વાંચો: 'ભેદભાવભર્યું વલણ ક્યારેય સ્વીકાર્ય નથી...' પુતિને ચીન મુલાકાત પહેલાં અમેરિકાને આપ્યો કડક સંદેશ

સીએમએ સ્પેશિયલ પેકેજની માંગ કરી

મુખ્યમંત્રી સ્ટાલિને વડાપ્રધાન મોદીને કરેલી અપીલ ફરી દોહરાવી, જેમાં તેમણે તમિલનાડુ માટે ખાસ રાહત પેકેજ અને માનવ નિર્મિત ફાઇબર પર જીએસટીમાં સુધારા જેવી માંગણીઓ કરી. તેમણે RoDTEP યોજના વધારવા અને અમેરિકન બજારમાં થતા નુકસાનની ભરપાઈ માટે યુરોપિયન યુનિયન, બ્રિટન અને આફ્રિકા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTA) અને દ્વિપક્ષીય વેપાર સમજૂતીઓ ઝડપી બનાવવાનો પણ આગ્રહ કર્યો. 

મુખ્યમંત્રી સ્ટાલિને કેન્દ્ર સરકાર દ્વારા કપાસની આયાત પરની 11% કસ્ટમ ડ્યુટીને 31 ડિસેમ્બર સુધી સ્થગિત કરવાના નિર્ણયને સકારાત્મક ગણાવ્યો. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ પગલું માત્ર એક નાની રાહત છે અને જ્યાં સુધી અમેરિકન ટેરિફ પાછું ખેંચવામાં નહીં આવે અથવા અન્ય પ્રોત્સાહનો ન મળે ત્યાં સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય નથી.

50% ટેરિફથી તમિલનાડુને 34,000 કરોડનું નુકસાન, નોકરીઓ પર ખતરો હોવાની CMની કબૂલાત 2 - image

Tags :