કારગિલ-સિયાચિનમાં તાકાત બતાવનારા ફાઈટર જેટ જગુઆરની કહાની, એક વર્ષમાં ત્રીજી દુર્ઘટના, હવે આ વિમાન બન્યા 'ભંગાર'
Jaguar Fighter Aircraft Crashed: ભારતીય વાયુસેના તેમજ દેશને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢ વિસ્તારના ભાનુડા ગામમાં બુધવારે વાયુ સેનાનું એક વિમાન ક્રેશ થઈ ગયું. ઘટના સ્થળેથી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના બાદ જ કલેક્ટર અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. એક માહિતી પ્રમાણે, આકાશમાં જોરદાર અવાજ બાદ ખેતરોમાં આગ અને ધુમાડાના ગોટા નીકળ્યા હતા. અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી બચાવ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું છે. સેના અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે આ ત્રીજુ જગુઆર વિમાન ક્રેશ થયું છે. આવો જાણીએ કે, ભારતીય સેનાનો સંઘર્ષ સમયે સાથ આપનાર જગુઆર હવે ભંગાર બનતા જઈ રહ્યા છે.
આ પણ વાંચો: રાજસ્થાનના ચુરુમાં વાયુ સેનાનું પ્લેન ક્રેશ, કાટમાળમાંથી બે મૃતદેહ મળ્યાના અહેવાલ
જગુઆર ફાઈટર જેટનુ સ્ટેટસ
એક રિપોર્ટ પ્રમાણે ભારતીય વાયુસેના વર્ષ2025ના અંત સુધીમાં તેમના MiG-21 સ્ક્વોડ્રનના છેલ્લા સ્ક્વોડ્રનને નિવૃત્ત કરવાનું વિચારી રહી છે. જો આવું થાય તો એંગ્લો-ફ્રેન્ચ SEPECAT જગુઆર ફાઇટર જેટ ભારતીય વાયુસેનાના કાફલામાં સૌથી જૂનું ફાઇટર જેટ હશે. આ વિમાન 45 વર્ષથી વધુ સમયથી સેવામાં છે. જ્યારે પણ દુશ્મનોએ તેની ધારને ઓછી આંકી છે, ત્યારે તેણે તેમને ઊંડા ઘા આપ્યા છે. આ વિમાનનું કામ દુશ્મનની ભૂમિ પર બોમ્બ ફેંકવાનું, લક્ષ્યો પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું અને યુદ્ધમાં સૈનિકોને ટેકો આપવાનું છે. આ વિમાન ફ્રાન્સ અને બ્રિટને સાથે મળીન બનાવ્યું હતું. ભારતે વર્ષ 1979 માં તેને તેના કાફલામાં સામેલ કર્યું હતું.
સમયાંતરે અપડેટ કરવામાં આવ્યા
આ જગુઆર ફાઇટર જેટને SEPECAT જગુઆર તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉ, ફ્રેન્ચ અને બ્રિટિશ સેનાઓ તેનો ઉપયોગ કરતી હતી. આ વિમાન 40 વર્ષથી વધુ સમયથી ભારતીય વાયુસેનામાં સેવા આપી રહી છે. વર્ષ 1968 થી 1981 સુધી વિશ્વમાં કુલ 573 જગુઆર ફાઇટર જેટ બનાવવામાં આવ્યા હતા. તેને સમયાંતરે અપડેટ કરવામાં આવ્યા છે. આ વિમાનમાં 'DARIN-III' જેવી લેટેસ્ટ નેવિગેશન અને એટેક સિસ્ટમ્સ લગાવવામાં આવેલી છે. આ ઉપરાંત, નાઈટ વિઝન અને એડવાન્સ રડાર ટેકનોલોજી સાથે હજુ પણ દુશ્મનો માટે ખતરનાક છે. ભલે આજે તે ફાઇટર જેટ જેટલું અદ્યતન નથી, તેમ છતાં પણ તેની ભૂમિકા ભજવી રહ્યું છે.
ક્યાં ક્યાં દબદબો રહ્યો આ વિમાનનો
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં થયેલા કારગિલ યુદ્ધમાં જ્યારે ભારતીય સેનાએ પહાડોમાં ઘૂસેલા આતંકવાદીઓ અને પાકિસ્તાની સૈનિકોને ભગાડવા માટે ઓપરેશન વિજય શરૂ કર્યું હતું, ત્યારે વાયુસેનાના મિશન સફેદ સાગર દરમિયાન આ વિમાનની મહત્ત્વની ભૂમિકા રહી હતી. આ મિશનમાં જગુઆરે કારગિલની ઊંચી ટેકરીઓ પર દુશ્મન બંકરને નિશાન બનાવ્યા હતા. આ વિમાને લેસર ગાઇડેડ બોમ્બની મદદથી દુશ્મનનો નાશ કર્યો હતો. ત્યાર બાદ વર્ષ 1889થી 1990 દરમિયાન શ્રીલંકામાં ભારતીય શાંતિ રક્ષા દળના સમર્થનમાં ટોહી મિશનોને અંજામ આપવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ચીનમાં વિશ્વનો સૌથી મોટો ડેમ પ્રોજેક્ટ ભારત માટે 'વોટર બોમ્બ'... અરૂણાચલના CMની ચેતવણી
ભારત પાસે કેટલા જેટ છે, તેનું કાર્ય અને કિંમત
ભારતીય વાયુસેના પાસે 160 જગુઆર વિમાન છે, જેમાંથી 30 ટ્રેનિંગ માટે છે. તેમનું મુખ્ય કાર્ય હુમલો કરવાનું છે. ભારતમાં આ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપની દ્વારા બનાવવામાં આવે છે. આ વિમાનના વિવિધ વેરિએન્ટ છે. તેમાથી કેટલાકને એક પાયલોટ દ્વારા ઉડાડવામાં આવે છે અને કેટલાક બે પાયલોટ ઉડાડે છે. તે મહત્તમ 46 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તેની ખાસિયત એ છે કે, તે 600 મીટરના ટૂંકા રનવે પર પણ ઉડાન ભરી શકે છે અથવા ઉતરાણ કરી શકે છે. તેની કિંમત લગભગ 150 થી 190 કરોડ રૂપિયા હોઈ શકે છે.