ચીનમાં વિશ્વનો સૌથી મોટો ડેમ પ્રોજેક્ટ ભારત માટે 'વોટર બોમ્બ'... અરુણાચલના CMની ચેતવણી
China World's Largest Dam Project : અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ(CM Pema Khandu)એ ચીનના વોટર બોમ્બને લઈને ભારતને ચેતવણી આપી છે. ચીન તિબેટના યારલુંગ ત્સાંગપોમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી વિશાળ ડેમ બનાવી રહ્યો છે, જેને લઈને મુખ્યમંત્રી ખાંડૂએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચીનના વિશાળ ડેમને ‘વોટર બોમ્બ’ ગણાવ્યો છે અને આ ડેમથી આખા પ્રદેશનું અસ્તિત્વ જોખમમાં મૂકાવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘ચીનનો ડેમ પ્રોજેક્ટ કોઈપણ આંતરરાષ્ટ્રીય જળ સંધિનો ભાગ નથી, તેથી તે ખૂબ જ ખતરનાક છે. ચીન પર વિશ્વાસ ન કરી શકાય. જો તેઓ અચાનક પાણી છોડશે તો સિયાંગ નદીનો સંપૂર્ણ વિનાશ થઈ જશે. ડેમની અસર માત્ર અરુણાચલ પ્રદેશમાં જ નહીં, આસામ અને બાંગ્લાદેશને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. જો ચીને પાણી વહેંચણી કરારો પર હસ્તાક્ષર કર્યા હોત, તો આ પ્રોજેક્ટનો ઉપયોગ પૂરને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે થઈ શક્યો હોત.’
‘જો ચીનનો ડેમ પ્રોજેક્ટ પૂરો થશે તો...’
સીએમ પેમા ખાંડૂએ વધુમાં કહ્યું કે, ‘સિયાંગ નદી કિનારે વસતા આદિ જાતિ અને અન્ય સમુદાયોની આજીવિકા પર સંકટ આવી શકે છે. જો ચીનનો ડેમ પ્રોજેક્ટ પૂરો થશે તો બ્રહ્મપુત્રા અને સિયાંગ નદીઓ બહોળા પ્રમાણમાં સૂકાઈ શકે છે. અરુણાચલ સરકારે ભારત સરકાર સાથે ચર્ચા-વિચારણા કરી છે, ત્યારબાદ સિયાંગ અપર બહુહેતુક પ્રોજેક્ટ નામની એક યોજના બનાવી છે, જે પાણી સંગ્રહ અને સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વની હશે. ચીને ડેમ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય શરુ કરી દીધું હોવાની આશંકા છે અને તે કોઈપણ પ્રકારની માહિતી આપી રહ્યું નથી. જો ભારત સમયસર પોતાનો પ્રોજેક્ટ પૂરો કરશે તો પૂરને નિયંત્રિત કરી શકાશે.’ બીજીતરફ કેન્દ્ર સરકારે પણ માર્ચમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ‘સરકાર બ્રહ્મપુત્રા નદી સંબંધિત પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે અને દેશહિતમાં જરૂરી પગલાં ભરી રહ્યું છે.’
ક્યાં બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો ડેમ
ચીનના વિશ્વના સૌથી મોટા ડેમની વાત કરીએ તો, મધ્ય ચીનમાં સ્થિત થ્રી ગોર્જેસ ડેમ વર્તમાનમાં વિશ્વનો સૌથી મોટો ડેમ છે. ચીને તેનાથી પણ સૌથી વધુ શક્તિશાળી ડેમને ગત વર્ષે જ લીલી ઝંડી આપી દીધી છે. યારલુંગ જાંગ્બો નદીમાં 6561 ફૂટની ઊંચાઈ પર આ ડેમ બાંધવાની શરુઆત કરી દેવાઈ હોવાની આશંકા છે. થ્રી ગોર્જેસ ડેમ બાંધવાનો ખર્ચ 34.83 અબજ ડૉલર થશે. જેમાં વિસ્થાપિત થયેલા 14 લાખ લોકોનું પુનઃવર્સન પણ કરાશે. નવો ડેમ તિબેટ પઠારના પૂર્વીય છેડા પર, યારલુંગ જાંગ્બો નદી પર બાંધવામાં આવશે. જે વાર્ષિક 300 બિલિયન કિલોવોટ ઉર્જા ઉત્પન્ન કરશે. થ્રી ગોર્જેસ ડેમની 88.2 બિલિયન કિલોવોટ પ્રતિ કલાકની ડિઝાઇન ક્ષમતામાં ત્રણ ગણો વધારો કરશે. ચીનના આ પ્રસ્તાવિત ડેમમાંથી ભારત અને બાંગ્લાદેશમાં લાખો લોકોને અસર થશે. ચીનના સરકારી ઉર્જા નિગમના આ પ્રોજેક્ટથી દેશના કાર્બન ન્યૂટ્રેલિટીના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ મળશે. અધિકારીઓએ જણાવ્યું કે, તેનાથી એન્જિનિયરિંગ જેવી ઇન્ડસ્ટ્રીમાં તેજી આવશે અને તિબેટમાં રોજગારી સર્જન થશે.
ભારત-બાંગ્લાદેશની ચિંતા વધશે
ચીને હજી સ્પષ્ટતા કરી નથી કે, આ પ્રોજેક્ટ હેઠળ કેટલા લોકોને વિસ્થાપિત કરવામાં આવશે. જો કે, તેના અધિકારીઓએ ગત વર્ષે કહ્યું હતું કે, ડેમથી પર્યાવરણ કે જળ પુરવઠા પર કોઈ અસર નહીં થાય. યારલુંગ જાંગ્બો તિબેટથી નીકળી દક્ષિણમાં ભારતના અરુણાચલ પ્રદેશ અને અસમ રાજ્યોમાં વહી અંતે બાંગ્લાદેશમાં આવતાં આવતાં બ્રહ્મપુત્ર નદીમાં ભળી જાય છે. આ બંધથી નદીના પ્રવાહ અને દિશામાં ફેરફાર થવાની ભીતિ છે. જેથી ભારત અને બાંગ્લાદેશને મળતાં પાણીના પ્રવાહ અને પુરવઠામાં ઘટાડો થઈ શકે છે.
ભારત માટે ચીનનો ડેમ મોટો ખતરો
ભારતને ભિડાવવા માટે ચીન જાત જાતના પેંતરા કર્યા કરે છે. ચીનનો આવો જ નવો પેંતરો બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધીને વિશાળ હાયડ્રોપાવર પ્રોજેક્ટ શરુ કરવાનો છે. ભારતની સરહદથી માત્ર 30 કિલોમીટર દૂર બનનારા આ બંધ દ્વારા ચીન બ્રહ્મપુત્રા નદીના મોટા ભાગના પાણીને રોકી દેવા માગે છે. બ્રહ્મપુત્રા હિમાલયમાં કૈલાશ પવર્તમાંથી નીકળે છે. બ્રહ્મપુત્રા ભારતમાં પ્રવેશે એ પહેલાં ચીનમાં હિમાલયની પર્વતમાળામાંથી લગભગ 3000 મીટર ઉંડી ખીણમાં જંગી ધોધ સ્વરૂપે પડે છે. ચીન આ સ્થળે જ 'સુપર ડેમ' બાંધવા માગે છે કે જેથી મોટા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરી શકાય. અમેરિકા સહિતના દેશોના નિષ્ણાતોના મતે ચીનનો કહેવાતો 'સુપર ડેમ' વાસ્તવમાં ભારત સામે ઉપયોગ કરી શકાય એ માટેનો 'ડેમ બોમ્બ' છે. ભારત સાથે યુદ્ધ કે તણાવ થાય એ સંજોગોમાં બ્રહ્મપુત્રાનું પાણી છોડીને અરુણાચલ પ્રદેશ, આસામ સહિતના ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વિનાશક પૂર લાવીને ભારતના મોટા વિસ્તારને તબાહ કરી નાંખવાની મેલી મુરાદ સાથે ચીને 'સુપર ડેમ' પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ચીન 50 પરમાણુ બોમ્બ વાપરીને પણ ભારતને ના કરી શકે એટલું નુકસાન એક 'ડેમ બોમ્બ'થી કરી શકે છે.