India

ITBPના ડીજીએ કેન્દ્રનું ટેન્શન વધાર્યું, ચીની સૈનિકો સાથે અથડામણની વાત કબૂલતા કોંગ્રેસ લાલઘૂમ

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
ITBP મહાનિર્દેશક શત્રુજીત કપૂરે ગુરુવારે જણાવ્યું કે અરુણાચલ પ્રદેશમાં LAC પર ભારત-ચીન સૈનિકો વચ્ચે આજે પણ ઘર્ષણ થાય છે. 'હિમવીર સન્માન સમારોહ'માં તેમણે 'શૌર્ય કમાન્ડો'ની ભૂમિકાને બિરદાવી. કોંગ્રેસે આ નિવેદન બાદ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન પર સરહદ સુરક્ષા મુદ્દે મૌન સેવવા બદલ આકરા પ્રહારો કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ITBPના ડીજીએ કેન્દ્રનું ટેન્શન વધાર્યું, ચીની સૈનિકો સાથે અથડામણની વાત કબૂલતા કોંગ્રેસ લાલઘૂમ

ITBP Chief Acknowledges Border Skirmishes: વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને ભારત-તિબેટ સરહદ પોલીસ (ITBP)ના મહાનિર્દેશક શત્રુજીત કપૂરે એક મોટો ખુલાસો કર્યો છે. ગુરુવારે ITBPના વાર્ષિક 'હિમવીર સન્માન સમારોહ'ને સંબોધતા તેમણે જણાવ્યું કે અરુણાચલ પ્રદેશમાં સરહદના અનેક સ્થળો પર આજે પણ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સામસામે ઘર્ષણની સ્થિતિ સર્જાય છે. ડીજીના આ નિવેદન બાદ દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને કોંગ્રેસે સરહદ સુરક્ષાના મુદ્દે કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે.

અરુણાચલ સરહદે 'શૌર્ય કમાન્ડો' ભજવી રહ્યા છે મોટી ભૂમિકા

શત્રુજીત કપૂરે કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં અરુણાચલમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું જ્યાં ઘણી જગ્યાએ બંને દેશોના સૈનિકો આમને-સામને આવી ગયા હતા અને આ સિલસિલો હજુ પણ જારી છે. તેમણે કહ્યું કે સરહદ પર ચાલી રહેલા આ ઘર્ષણમાં ITBPના કમાન્ડો સક્રિયપણે મોરચો સંભાળી રહ્યા છે. તેમણે માહિતી આપતાં જણાવ્યું કે:

● ITBPના તાજેતરમાં રચાયેલા 'શૌર્ય કમાન્ડો' આ પ્રકારના ઘર્ષણમાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી રહ્યા છે.

● ITBPની સ્થાપના મૂળરૂપે માઉન્ટેન ગેરિલા ફોર્સ તરીકે થઈ હતી અને વર્ષ 2004માં તેને ભારત-ચીન સરહદની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી.

● સેનાથી અલગ એક ખાસ હાઈ-એલ્ટિટ્યુડ માઉન્ટેન ફાઈટીંગ ફોર્સ તૈયાર કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં ITBP પાસે 'શૌર્ય કમાન્ડો'ની એક આખી પૂર્ણ બટાલિયન હશે, જે ઊંચાઈવાળા બર્ફીલા વિસ્તારોમાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપશે.

કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન પર સાધ્યો નિશાન

ITBP ડીજીના નિવેદનને ટાંકીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે લખ્યું કે એક તરફ સરકાર ચીનને સતત છૂટછાટો આપી રહી છે, જ્યારે બીજી તરફ ITBPના જવાનો સરહદે બહાદુરીપૂર્વક ચીની સૈનિકોનો સામનો કરી રહ્યા છે. જવાનોની બહાદુરી પ્રસંશનીય છે, પરંતુ આ સમગ્ર ગંભીર પરિસ્થિતિ પર વડાપ્રધાન અને તેમનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે મૌન સેવી રહ્યું છે.

જયરામ રમેશે દાવો કર્યો કે ગયા મહિને તક્સિંગ ખાતે થયેલા ઘર્ષણ બાદ વાચા અને દમાઈમાં કોર કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. તેમણે આરોપ લગાવ્યો કે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લદ્દાખની જેમ અહીં પણ ભારતીય પેટ્રોલિંગ પોઈન્ટ્સ હાથમાંથી સરકી ગયા છે. આ સાથે ચીન અરુણાચલના નગરોના નામ બદલી રહ્યું છે અને સરહદ નજીક 60,000 મેગાવોટનો વિશાળ ડેમ બનાવી રહ્યું છે, જે દેશની જળ સુરક્ષા માટે જોખમી છે.

તેમણે 19 જૂન 2020ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જૂના નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે 20 જવાનોની શહાદત બાદ સરકારે કહેલું કે "ન તો કોઈ આપણી સરહદમાં ઘૂસ્યું છે અને ન જ કોઈ પોસ્ટ પર કબ્જો થયો છે"—ભારત આજે પણ ચીનને આપેલી એ વિવાદાસ્પદ ક્લીન ચિટની કિંમત ચૂકવી રહ્યું છે.