ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે આવતા અઠવાડિયે થશે મુલાકાત! ટૂંક સમયમાં થશે જાહેરાત
Russia-Ukraine War : રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ બંધ કરાવવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમિર ઝેલેન્સ્કી વારંવાર પ્રયાસ કરી રહ્યા છે, તેમ છતાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન માનતા નથી, જેના કારણે ટ્રમ્પ ગુસ્સામાં અવારનવાર રશિયા પર શાબ્દિક પ્રહારો કરે છે. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ટ્રમ્પ અને પુતિન વચ્ચે ટૂંક સમયમાં બેઠક યોજાવાની માહિતી સામે આવી છે.
પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે : રશિયાના પૂર્વ રાજદૂત
મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાના રશિયાના પૂર્વ રાજદૂત ઉશાકોવે આજે (7 ઓગસ્ટ) કહ્યું કે, ‘પુતિન ટૂંક સમયમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અને ટૂંક સમમયાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.’ ઉશાકોવે તારીખ અને સમયની માહિતી આપી નથી. બીજીતરફ ટ્રમ્પ તંત્રએ પણ મુલાકાતની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ટ્રમ્પ-પુતિન-ઝેલેન્સ્કી... ત્રિપક્ષીય બેઠક યોજાશે
રશિયન સમાચાર એજન્સી TASSએ અમેરિકન મીડિયાને ટાંકીને કહ્યું કે, ‘ટ્રમ્પ વહિવટીતંત્રએ પુતિન સાથે ઝેલેન્સ્કીની તાત્કાલીક બેઠક યોજવા માટેના નિર્દેશ આપ્યા છે.’ એવી વિગતો સામે આવી છે કે, વ્હાઈટ હાઉસના અધિકારીઓએ મુલાકાત મુદ્દે કામ પણ શરૂ કરી દીધું છે. આ પહેલા વ્હાઈટ હાઉસના એક અધિકારીએ કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) આગામી સપ્તાહે પુતિન (Russia President Vladimir Putin) સાથે બેઠક યોજશે, ત્યારબાદ ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) સાથે ત્રિપક્ષીય બેઠક પણ યોજવામાં આવશે.
બીજી વખત રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ટ્રમ્પની પુતિન સાથે પ્રથમ મુલાકાત
જો ટ્રમ્પ અને પુતિન વચ્ચે મુલાકાતની તારીખ નિર્ધારીત થઈ જશે તો ટ્રમ્પના બીજી વખત રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ આ પ્રથમ મુલાકાત હશે. ટ્રમ્પે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ હજુ સુધી પુતિન સાથે મુલાકાત કરી નથી, તેમણે માત્ર અભિનંદનનો સંદેશ મોકલ્યો હતો. રિપોર્ટ મુજબ, મુલાકાત દરમિયાન યુદ્ધ વિરામનો પ્રયાસ કરવામાં આવશે. ટ્રમ્પ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર ટેરિફ ઝિંકીને રશિયા પર દબાણ ઉભું કરી રહ્યા છે.