ભુતાનથી પાછા આવી PM મોદી દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતોને મળવા LNJP હૉસ્પિટલ પહોંચ્યા

Image: X @ANI |
PM Modi and Delhi Blast Case : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની LNJP હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આજે ભુતાનથી દિલ્હી પરત ફર્યા અને પછી ઍરપોર્ટથી સીધા હૉસ્પિટલ પહોંચ્યા હતા.
લગભગ 100 જેટલા ઈજાગ્રસ્ત
દિલ્હી વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે LNJP હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી વિસ્ફોટ પછી ભુતાનથી પોતાના પહેલા ભાષણમાં, પીએમ મોદીએ ઘટનાનો ઉલ્લેખ કરીને ચેતવણી આપતાં કહ્યું હતું કે, વિસ્ફોટ માટે જવાબદાર તમામ લોકોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.
દિલ્હીમાં બ્લાસ્ટ
સોમવારે (10 નવેમ્બર) સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાથી દેશભરમાં અફરા-તફરીનો માહોલ બની ગયો હતો અને અનેક સ્થળો પર હાઇઍલર્ટ જાહેર થઈ ચૂક્યું છે. બ્લાસ્ટમાં અત્યાર સુધી 12 લોકોના મોત થઈ ચૂક્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને દિલ્હીની LNJP હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

