India

પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધો બાંધવા એ ગુનો છે? 4 હાઈકોર્ટના અલગ-અલગ ચુકાદા, હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

By GS Team
17 Jul 20263 mins read
TukuTouch Logo
લગ્નજીવનમાં પત્નીની ઈચ્છા વિરુદ્ધ અપ્રાકૃતિક સંબંધોને ગુનો ગણવો કે નહીં, તે અંગે દેશની 3 હાઈકોર્ટે 4 વિરોધાભાસી ચુકાદા આપતા કાનૂની ગૂંચવણ વધી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અલાહાબાદ અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટે અલગ-અલગ મંતવ્યો આપ્યા છે. હવે સુપ્રીમ કોર્ટ 9 સપ્ટેમ્બરે આ મામલે અંતિમ સુનાવણી કરશે, જેની અસર નવા BNS કાયદા હેઠળના કેસો પર પણ પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધો બાંધવા એ ગુનો છે? 4 હાઈકોર્ટના અલગ-અલગ ચુકાદા, હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Unnatural Sex Within Marriage Criminal : પતિ જો પોતાની પત્નીની ઈચ્છા વિરુદ્ધ અપ્રાકૃતિક શારીરિક સંબંધ બાંધે, તો તેની સામે જાતીય ગુનાનો ફોજદારી કેસ નોંધાઈ શકે કે નહીં, તેને લઈને દેશની અદાલતોમાં લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યો છે. તાજેતરમાં દેશની 3 અલગ-અલગ હાઈકોર્ટે આ વિષય પર 4 વિરોધાભાસી ચુકાદા આપ્યા છે, જેના કારણે ભારે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે.
ભારતમાં લાંબા સમયથી મેરિટલ રેપ એટલે કે વૈવાહિક દુષ્કર્મને અપરાધ જાહેર કરવા અંગે ચર્ચા ચાલી રહી છે. જૂની આઈપીસી (IPC)ની કલમ 375માં દુષ્કર્મની વ્યાખ્યા હતી, પરંતુ તેમાં એક અપવાદ હતો કે, જો પત્ની પુખ્ત વયની હોય, તો પતિ દ્વારા કરાયેલું કૃત્ય દુષ્કર્મની શ્રેણીમાં નથી આવતું.

સુપ્રીમ કોર્ટનો વર્ષ 2018નો ચુકાદો

અગાઉ અપ્રાકૃતિક સંબંધોના કેસમાં આઈપીસીની કલમ 377 લાગુ પડતી હતી. વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે આ કલમમાં મોટો ફેરફાર કરીને પરસ્પર સહમતિથી બનેલા સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાંથી બહાર કર્યા હતા, પરંતુ સહમતિ વગર અથવા બળજબરીથી બનાવાયેલા અપ્રાકૃતિક સંબંધો પર કલમ 377 લાગુ રહેવા દીધી હતી. જોકે, પત્નીના કિસ્સામાં આ કલમ કેવી રીતે લાગુ થશે, તેને લઈને હાઈકોર્ટોના ચુકાદાઓમાં મોટી મૂંઝવણ છે.

નવા કાયદા (BNS)માં શું છે જોગવાઈ?

હવે દેશમાં આઈપીસીના સ્થાને ભારતીય ન્યાય સંહિતા (BNS) લાગુ થઈ ગઈ છે. બીએનએસમાં અપ્રાકૃતિક શારીરિક સંબંધો સાથે જોડાયેલી જૂની કલમ 377ને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે. હવે જો કોઈ પતિ પત્નીની ઈચ્છા વિરુદ્ધ આવું કૃત્ય કરે, તો તે બીએનએસની કલમ 85 અને 86 (ક્રૂરતા) અંતર્ગત આવી શકે છે. જોકે, પુખ્ત વયની પત્નીની મરજી વિના શારીરિક સંબંધ બાંધવાના મામલે પતિને બીએનએસની કલમ 63 (અપવાદ 2) હેઠળ હજુ પણ કાનૂની મુક્તિ મળેલી છે.

4 હાઈકોર્ટના 4 અલગ-અલગ ચુકાદા

મધ્ય પ્રદેશ હાઈકોર્ટ: કોર્ટે ચુકાદો આપ્યો કે જો પતિ પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધે, તો માત્ર આ આધારે કલમ 377 હેઠળ કેસ ન ચલાવી શકાય. લગ્નજીવનમાં રહેલા અપવાદને નજરઅંદાજ કરી શકાય નહીં.

છત્તીસગઢ હાઈકોર્ટ: અદાલતે એક સુનાવણીમાં કહ્યું કે જો લગ્ન કાયદેસરના હોય, તો પત્નીની ઈચ્છા વિરુદ્ધના અપ્રાકૃતિક સંબંધને કલમ 377 હેઠળ ગુનો માની શકાય નહીં.

અલાહાબાદ હાઈકોર્ટ: આ કોર્ટે તદ્દન અલગ વલણ અપનાવતા કહ્યું કે, 'લગ્નની આડમાં સહમતિ વિનાના અપ્રાકૃતિક સંબંધોને કાનૂની રક્ષણ આપવું ખોટું છે. આવા કેસમાં ગુનાહિત કલમો લાગુ થવી જ જોઈએ અને પીડિતાને ન્યાય મળવો જોઈએ.'

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ: અદાલતે ચુકાદો આપ્યો કે જો પતિ પત્નીની ઈચ્છા વિરુદ્ધ આવું વર્તન કરે, તો તેને આઈપીસીની કલમ 498A હેઠળ 'ક્રૂરતા' ગણી શકાય, કારણ કે આ ઘરેલું હિંસા અને માનસિક-શારીરિક ઉત્પીડન છે.

હવે સુપ્રીમ કોર્ટમાં થશે અંતિમ સુનાવણી

હાઈકોર્ટોના આ વિરોધાભાસી ચુકાદાઓ બાદ કાનૂની ગૂંચવણ વધી ગઈ છે. આથી સુપ્રીમ કોર્ટે આ મહત્વના કાનૂની પ્રશ્ન પર વિચાર કરવાની સહમતિ આપી છે અને આગામી 9 સપ્ટેમ્બરે આ મામલે સુનાવણી હાથ ધરાશે. દેશની સર્વોચ્ચ અદાલત હવે નક્કી કરશે કે લગ્નજીવનમાં પત્નીની ઈચ્છા વિરુદ્ધના અપ્રાકૃતિક સંબંધોને કયા કાનૂની પ્રાવધાન હેઠળ ગુનો ગણવો, તેમજ નવા બીએનએસ કાયદા હેઠળ તેની શું સ્થિતિ રહેશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની અસર દેશભરમાં ચાલી રહેલી પોલીસ તપાસ અને નીચલી અદાલતોની સુનાવણી પર પડશે.