India

ટ્રમ્પના આર્થિક પ્રતિબંધોને સાથ આપનારા ખાડી દેશો પર હુમલા કરાશે : ઈરાન

By GS Team
23 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝની ખાડી મુદ્દે તણાવ વધ્યો છે. ટ્રમ્પે ખાડીને અમેરિકાનો વિસ્તાર ગણાવતો નકશો જાહેર કર્યો. ઈરાને આર્થિક પ્રતિબંધોમાં સાથ આપનારા ખાડી દેશોને દુશ્મન ગણી હુમલાની ચેતવણી આપી. ઈરાનના ટોચના અધિકારી મોહસિન રેજાઈએ કહ્યું કે, ન માનનારા દેશોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા થશે. આ મડાગાંઠ ઉકેલવા ઈરાનના પ્રમુખે અમેરિકા સાથેની સમજૂતીનો બચાવ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના આર્થિક પ્રતિબંધોને સાથ આપનારા ખાડી દેશો પર હુમલા કરાશે : ઈરાન

તહેરાન/વોશિંગ્ટન : પશ્ચિમ એશિયામાં હોર્મુઝની ખાડી પર પ્રભુત્વ મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોમાં મડાગાંઠ સર્જાઈ છે. આવા સમયે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ફરી એક વખત વિશ્વના સૌથી વ્યસ્ત જળમાર્ગોમાંના એક હોર્મુઝની ખાડીને અમેરિકાનો વિસ્તાર ગણાવતનો નકશો જાહેર કરીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. બીજીબાજુ અમેરિકાના સંભવિત આર્થિક પ્રતિબંધો મુદ્દે ઈરાને પડોશી ખાડી દેશોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, અમેરિકાના આર્થિક પ્રતિબંધોને સાથ આપનારા ખાડી દેશોને દુશ્મન માનીને ઈરાન તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરશે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ફરી એક વખત હોર્મુઝની ખાડીની તસવીર શૅર કરી હતી અને તેને અમેરિકાનો નવો વિસ્તાર ગણાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, હોર્મુઝની ખાડી પર અમેરિકાનું નિયંત્રણ છે અને તે કોમર્શિયલ જહાજો માટે ખુલ્લી છે. ટ્રમ્પે આ પહેલા ગયા મંગળવારે પણ આ તસવીર શૅર કરી હતી. ઉપરાંત ટ્રમ્પે અન્ય કેટલાક પ્રસંગોમાં પણ હોર્મુઝની ખાડીને અમેરિકાનો વિસ્તાર ગણાવ્યો હતો.
ઈરાન સામે લગભગ છ મહિનાથી યુદ્ધ લડી રહેલું અમેરિકા હવે તેના પર આર્થિક પ્રતિબંધો મૂકવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી મોહસિન રેજાઈએ ચેતવણી આપી છે કે અમેરિકાની આર્થિક લડાઈમાં જોડાનારા ખાડી દેશોને ઈરાન પોતાનું દુશ્મન માનશે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સચિવ રેજાઈએ કહ્યું કે, ઈરાન પહેલા ખાડી દેશો સાથે વાત કરીને તેમને અમેરિકા સાથેના વિવાદથી દૂર રહેવા અપીલ કરશે. તેઓ નહીં માને તો ઈરાન તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરશે.
બીજીબાજુ ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને ટ્રમ્પ સાથેની વર્તમાન મડાગાંઠને દૂર કરવા તાજેતરમાં અમેરિકા સાથે કરાયેલી સમજૂતીનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકન મેમોરેન્ડમ આ યુદ્ધમાંથી નીકળવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
ટ્રમ્પ અને ઈરાન બંને માટે આ સમજૂતી લાભદાયક છે. તેમાં કોઈપણ રીતે ઈરાનની હાર દેખાતી નથી. આ સમજૂતીમાં એવી કોઈ વાત નથી, જેનાથી એવું લાગે કે ઈરાને ઘૂંટણીયા ટેકવી દીધા છે. આ સમજૂતી સન્માન, સમજદારી અને રાષ્ટ્રીય હિત પર આધારિત સૌથી સારી સમજૂતી છે.