For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈન્ડિગો એરલાઇને પાયલોટની અછતના કારણે 130 ફ્લાઈટ રદ કરતાં પ્રવાસીઓ રખડયા

- ૨૧૦ વિમાનના કાફલા સાથે ૧૩૦૦ ફ્લાઇટનું સંચાલન કરે છે

- રદ કરાયેલી ફ્લાઈટની સંખ્યા એરલાઇન દ્વારા સંચાલિત રોજિંદી ફ્લાઇટના ૧૦ ટકા જેટલી

Updated: Feb 16th, 2019

Article Content Image

મુંબઈ, તા. 15 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર

પાઇલોટ અને નોટિસ ટુ એરમેનની ભારે અછતના કારણે ઇન્ડિગો એરલાઇને શુક્રવારે અંદાજે ૧૩૦ જેટલી ફ્લાઇટ રદ કરવી પડી છે. જાણવા મળ્યા મુજબ રદ થયેલી ફ્લાઇટની આ સંખ્યા એરલાઇન દ્વારા સંચાલિત રોજિંદી ફ્લાઇટના ૧૦ ટકા જેટલી છે. 

ઇન્ડિગો એરલાઇન ૨૧૦ વિમાનના કાફલા સાથે દરરોજ ૧૩૦૦થી વધારે ફ્લાઇટ ઓપરેટ કરે છે. પરંતુ પાઇલોટ અને નોટિસ ટુ એરમેનની તંગીને કારણે ફ્લાઇટના ઓપરેશનમાં ભારે મુશ્કેલી પડે છે અને આ કારણે ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ગુરુવારે પણ ઇન્ડિગોએ ૭૦ ફ્લાઇટ રદ કરવી પડી હતી અને દરરોજ ૩૦ જેટલી ફ્લાઇટ વિવિધ કારણોસર રદ કરવી પડે છે. ફ્લાઇટ રદ કરવા પાછળ હવામાન પણ એક અગત્યનું પાસું છે. ગત સપ્તાહે દિલ્હી આસપાસના વિસ્તારોમાં બરફવર્ષા થવાના કારણે પણ ફ્લાઇટ રદ કરવી પડી હતી. જો કે ઉનાળા સુધીમાં ફ્લાઇટનું તંત્ર નોર્મલ બની જશે તેવી આશા સેવાઇ રહી છે. 

ઇન્ડિગો દ્વારા વારંવાર ફ્લાઇટ રદ કરવામાં આવતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાઇલોટની તંગીને કારણે સોમવારે ૩૨ અને મંગળવારે ૩૦ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી જે પૈકીની મોટા ભાગની ફ્લાઇટ કોલકાતા, હૈદરાબાદ અને ચેન્નાઇથી ઉપડવાની હતી. ફ્લાઇટ રદ થવાના કારણે યાત્રિકોએ છેલ્લી ઘડીએ વધારે કિંમત ચુકવીને બીજી ફ્લાઇટની ટિકિટ ખરીદવી પડી હતી અને આ મામલે હજુ સુધી કોઇ તપાસ નથી હાથ ધરાઇ.

Gujarat