મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
IndiGo Aircraft News: શનિવારે(16 ઓગસ્ટ) મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવેને સ્પર્શી ગયો હતો. જોકે, સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ઘટનાની તપાસ કરવા જણાવ્યું છે. અહેવાલ મુજબ, એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ઓછી ઊંચાઈએ ગો-અરાઉન્ડ કરતી વખતે ઈન્ડિગોના એરબસ A321ની ટેલ રનવે સાથે અથડાઈ હતી. DGCAના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'અમે ઘટનાની તપાસ કરીશું. આ માટે ઔપચારિક આદેશ જારી કરવામાં આવી રહ્યો છે.'
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફ્લાઇટ 6E 1060 હતી, જે બેંગકોકથી મુંબઈ આવી રહી હતી અને A321 Neo એરક્રાફ્ટ દ્વારા સંચાલિત હતી. શનિવારે સવારે 3:06 વાગ્યે રનવે 27 પર લેન્ડિંગ કરતી વખતે વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાઈ ગયો હતો. પ્રારંભિક તપાસમાં માનવામાં આવે છે કે આ ઘટના ખરાબ હવામાનને કારણે બની હતી. આ ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ સભ્યને ઈજા થઈ નથી.
આ પણ વાંચો: જયપુરમાં ખતરનાક હિટ એન્ડ રન! પૂરપાટ દોડતી કારે આર્મીના નિવૃત્ત કેપ્ટનને કચડતાં મોત
ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, '16 ઓગસ્ટ, 2025 ના રોજ ઇન્ડિગોના એરબસ A321 વિમાનનો પાછળનો ભાગ ખરાબ હવામાનને કારણે ઓછી ઊંચાઈ પર ફરતી વખતે રનવે સાથે અથડાઈ ગયો હતો. ત્યારબાદ વિમાને ફરીથી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો અને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. માનક પ્રક્રિયા મુજબ, વિમાનનું નિરીક્ષણ/તપાસ કરવામાં આવશે અને નિયમનકારની મંજૂરી પછી જ તે ફરીથી ઉડાન ભરશે.'
પ્રવક્તાએ એમ પણ કહ્યું, 'ઇન્ડિગોમાં અમારા ગ્રાહકો, ક્રૂ અને વિમાનની સલામતી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે આ ઘટનાથી થતી કોઈપણ અસરને ઓછી કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.'
એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને DGCA ને તેના વિશે જાણ કરવામાં આવી છે. જોકે, એરલાઇન કે ક્રૂએ ATC (એર ટ્રાફિક કંટ્રોલ) ને ઘટનાની જાણ કરી ન હતી.
આ પણ વાંચો: મુંબઈમાં વરસાદી આફત, અનેક વિસ્તારો જળમગ્ન, વિક્રોલીમાં ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત