મુંબઈમાં વરસાદી આફત, અનેક વિસ્તારો જળમગ્ન, વિક્રોલીમાં ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત
Mumbai Rain News : મહારાષ્ટ્રના મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. કુર્લા, સાયન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવામાન વિભાગે આફત જેવા વરસાદને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જારી કર્યું છે. દરમિયાન ભારે વરસાદને કારણે વિક્રોલીમાં ભૂસ્ખલન થયું. જેના કારણે 2 લોકોના મોત થયા. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભૂસ્ખલન થતાં બેના મોત
માહિતી અનુસાર આ ભૂસ્ખલન મુંબઈના વિક્રોલી (પશ્ચિમ) માં જન કલ્યાણ સોસાયટી, વર્ષા નગર વિક્રોલી પાર્ક સાઇટમાં થયું હતું. બીએમસીએ જણાવ્યું હતું આ ભૂસ્ખલનને કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 2 અન્ય ઘાયલ થયા છે. ભૂસ્ખલન બાદ, નજીકના લોકો ગભરાઈ ગયા હતા.
જમ્મુ-કાશ્મીરમાં આભ ફાટતાં વિનાશ સર્જાયો હતો
ઉલ્લેખનીય છે કે શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના ચિશોતી ગામમાં પણ ભૂસ્ખલન થયું હતું. જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે ઘણા લોકો ફસાયા હતા. હાલમાં, અસરગ્રસ્ત લોકોને બચાવવા માટે વહીવટી તંત્ર, પોલીસ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અને અન્ય સુરક્ષા એજન્સીઓના સહયોગથી કામ ચાલી રહ્યું છે.