ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભયાનક સ્થિતિ, ફ્લાઈટ કેન્સલ થતા 61 ભારતીયો ફસાયા, ભારત પાસે મદદ માંગી

Iran-Israel Tension : ઈઝરાયલ-ઈરાને એકબીજા પર ભયાનક હુમલાઓ કરતા યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બંને દેશો વચ્ચે સંભવિત યુદ્ધને ધ્યાને રાખી અનેક દેશોની એરલાઈન્સે તમામ ફ્લાઈટે રદ કરી દીધી છે, જેના કારણે વિદેશોમાં મોટી સંખ્યામાં ભારતીય ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાજસ્થાનથી ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશનના 61 રાજસ્થાની નાગરિકો જ્યોર્જિયા ગયા છે, જેઓ તણાવના કારણે ત્યાં જ ફસાઈ ગયા છે.
રાજસ્થાનના 61 નાગરિકો જ્યોર્જિયામાં ફસાયા
એસોસિએશને સીએની ટીમને જ્યોર્જિયામાં કોન્ફરન્સમાં સામેલ થવા મોકલી હતી. જોકે ઈઝરાયલ અને ઈરાક વચ્ચે હુમલાઓ વધતા, ટીમ અને તેમના પરિવારનો લોકો ત્યાં જ અટવાઈ ગયા છે. ફસાયેલા લોકોની મદદ કરવા માટે જેલસમેરના સીએ ભાવિક ભાટીયાએ સરકારને ટ્વિટ કરીને મદદ માંગી છે. તેમણે પીએમઓ નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ.જયશંકર સહિત અન્ય લોકોને ટ્વિટ કરીને ફસાયેલા લોકોને ત્યાંથી બહાર કાઢવા માટે વિનંતી કરી છે.
@PMOIndia @narendramodi @DrSJaishankar @MEABharat @IndEmbGeorgia URGENT : we are a group of 61adults along with 3 kids. Today was our flight to jaipur of Air Arabia G9 297 ,G9 435 which has been cancelled due to Israel & Iran Issue . kindly help us to reach india
— Bhavik (@bbhatia3) June 13, 2025
રાજસ્થાની નાગરિકે જ્યોર્જિયાથી 13 જૂને પરત ફરવાના હતા
રાજસ્થાન ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશનના 61 લોકોની ટીમ પરિવાર સાથે 8 જૂનની ફ્લાઈટમાં જયપુરથી જ્યોર્જિયા ગઈ હતી. જ્યોર્જિયાના ત્બિલિસી શહેરમાં રેસિડેન્શિયલ રિફ્રેશર કોર્સનું આયોજન કરાયું હતું, જેમાં સામેલ થવા માટે આ લોકો ત્યાં ગયા હતા. 61 નાગરિકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે. આ તમામ લોકો 13 જૂને પરત ફરવાના હતા, જોકે સંભવિત યુદ્ધના કારણે તમામ ફ્લાઈટો રદ થતા તમામ 61 નાગરિકો જ્યોર્જિમાં ફસાઈ ગયા છે.
આ પણ વાંચો : ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભયાનક હુમલા વધતા ભારતીયો સાવધાન, દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી
ઈઝરાયલ-ઈરાનનો એકબીજા પર હુમલો
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલે શુક્રવારે (13 જૂન) સવારે ઓપરેશન રાઈજિંગ હેઠળ ઈરાનના પરમાણુ અને સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ઈરાન ન્યૂક્લિયર પાવર બનાવવાની દિશામાં ઝડપી કામગીરી કરી રહ્યું હોવાથી ઈઝરાયલને વાંધો પડ્યો છે. આ જ કારણે ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર અનેક હુમલાઓ કરી મોટું નુકસાન કર્યું છે. ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે દાણચોરીથી 200 ડ્રોન સિસ્ટમ ઈરાનમાં ઘુસાડી સંરક્ષણ સિસ્ટમ ઠપ કરી 200 ફાઈટર જેટ અને ડ્રોનથી 100થી વધુ સ્થળો પર બોમ્બમારો કર્યો છે, જેમાં 100ના મોત અને 400થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. હુમલામાં ઈરાનના કમાન્ડર ઈન ચીફ, આર્મી વડા, 20 કમાન્ડર અને છ પરમાણુ વૈજ્ઞાનિકોના મોત થયા છે. ઈરાનના વળતા હુમલાના ભયથી ઈઝરાયેલે સમગ્ર દેશમાં ઈમર્જન્સી લાગુ કરવાની સાથે વિશ્વભરમાં દૂતાવાસો બંધ કરી દીધા છે. બીજી તરફ ઈઝરાયલને મદદ કરવા માટે અમેરિકાએ જહાજો-સૈન્ય સંશાધનો મધ્ય-પૂર્વમાં ખસેડ્યા છે. આ સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ધમકી આપી છે કે, ‘ઈરાન પરમાણુ સોદો નહીં કરે તો નકશામાંથી ભૂંસાઈ જશે. ઈઝરાયલ પાસે અમેરિકન હથિયારોનો ભંડાર છે. ઈરાન વધુ પ્રચંડ અને ક્રૂર હુમલા શરૂ કરશે તો તે બચી નહીં શકે.’ જોકે ઈઝરાયલના હુમલા અને ટ્રમ્પની ધમકી છતાં ઈરાને અમેરિકા સાથેની પરમાણુ વાટાઘાટો રદ કરી દીધી છે, જેના કારણે આગામી સમયમાં હજુ મોટા હુમલાની સંભાવના વધી ગઈ છે.

