Indian Railways Discount Offer : ભારતીય રેલવેએ નવા વર્ષ નિમિત્તે સામાન્ય વર્ગના મુસાફરો માટે એક મોટી જાહેરાત કરી છે. રેલ મંત્રાલયના નવા નિર્ણય મુજબ, હવે જનરલ કોચમાં મુસાફરી કરતા મુસાફરો જો ઓનલાઇન ટિકિટ બુક કરાવશે, તો તેમને ટિકિટના ભાડામાં સીધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આગામી 14 જાન્યુઆરી-2026થી 'RailOne' એપ દ્વારા જનરલ ટિકિટ બુક કરાવવા પર મુસાફરોને ત્રણ ટકાની વિશેષ છૂટ મળશે.
ઑફર ક્યાં સુધી ચાલુ રહેશે?
રેલ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આ ડિસ્કાઉન્ટ ઓફર પ્રાયોગિક ધોરણે છ મહિના માટે લાગુ કરવામાં આવી છે. આ ઓફરની શરૂઆત 14 જાન્યુઆરી-2026થી થશે અને તેની અંતિમ તારીખ 14 જુલાઈ-2026 નક્કી કરવામાં આવી છે.
કોઈપણ ડિજિટલ પેમેન્ટ પર મળશે સીધુ ડિસ્કાઉન્ટ
અત્યાર સુધી રેલવેમાં માત્ર ‘આર-વોલેટ’ દ્વારા પેમેન્ટ કરવા પર જ ત્રણ ટકા કેશબેક મળતું હતું. જોકે, નવા નિયમ મુજબ હવે મુસાફરો કોઈપણ ડિજિટલ માધ્યમ જેવા કે UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા પેમેન્ટ કરશે તો તેમને સીધુ ત્રણ ટકા ડિસ્કાઉન્ટ ટિકિટના ભાવમાં જ મળી જશે.
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થશે, અમેરિકાની ભવિષ્યવાણી
ડિજિટલ બુકિંગને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ
રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટિકિટ બારીઓ પર થતી ભીડને ઓછી કરવાનો અને વધુમાં વધુ લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વાળવાનો છે. આ વિશેષ છૂટ માત્ર 'RailOne' એપ પર જ ઉપલબ્ધ રહેશે, અન્ય કોઈ પ્લેટફોર્મ પર નહીં. આર-વોલેટ દ્વારા મળતું જૂનું કેશબેક પણ ચાલુ રહેશે.
આ પણ વાંચો : એસ.જયશંકર બાંગ્લાદેશ જશે, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે


