US Predicts Possible India-Pakistan War : દુનિયાભરમાં શાંતિના પ્રયાસો વચ્ચે દક્ષિણ એશિયા માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની પ્રતિષ્ઠિત થિંક ટેન્ક 'કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ'(CFR)એ તેના વાર્ષિક રિપોર્ટ 'કોન્ફ્લિક્ટ ટુ વૉચ ઇન 2026'માં ભવિષ્યવાણી કરી છે કે આગામી વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ભારત જ નહીં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સરહદી સંઘર્ષ વધવાની પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની કેટલી શક્યતા?
આ રિપોર્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે 'સશસ્ત્ર સંઘર્ષ'ની શક્યતા 'મધ્યમ' (Moderate Likelihood) શ્રેણીમાં રખાઈ છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કાશ્મીરમાં વધતી આતંકવાદી ગતિવિધિ અને સરહદ પારથી થતાં હુમલા-બંને પરમાણુ સંપન્ન પાડોશી દેશોને લશ્કરી સંઘર્ષ તરફ ધકેલી શકે છે. જો આ બંને દેશ વચ્ચે યુદ્ધ થશે, તો તેની અમેરિકાના હિતો પર પણ ગંભીર અસર પડી શકે છે.
એટલું જ નહીં, આ રિપોર્ટમાં પાકિસ્તાન માટે બેવડો ખતરો સર્જાશે તેવા પણ સંકેત અપાયા છે. પાકિસ્તાન એક તરફ ભારત સાથે તણાવ સર્જી રહ્યું છે, તો બીજી તરફ અફઘાનિસ્તાન સાથેની તેની 2,600 કિલોમીટર લાંબી સરહદ 'ડુરાન્ડ લાઇન' પર પણ સંઘર્ષની આશંકા છે. તાલિબાન શાસિત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી વિવાદો અને આતંકવાદી જૂથોના આશ્રયસ્થાન બાબતે ચાલી રહેલો ગજગ્રાહ 2026માં લોહિયાળ બની શકે છે.
આ રિપોર્ટમાં મે મહીનાના 'મિની યુદ્ધ'નો પણ ઉલ્લેખ
ઉલ્લેખનીય છે કે, મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી એક નાનકડું યુદ્ધ ખેલાયું હતું. આ દરમિયાન બંને દેશે એકબીજા પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા. આ રિપોર્ટમાં તેને 'મિની યુદ્ધ' ગણાવાયું છે. પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાને ગેરકાયદે રીતે પચાવી પાડેલા કાશ્મીર(PoK)માં આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા માટે 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું.
રિપોર્ટનો નિષ્કર્ષ: રોકાણકારો અને વ્યૂહનીતિકારો માટે ચેતવણી
આ રિપોર્ટ અમેરિકન વિદેશ નીતિના નિષ્ણાતોના સર્વેના આધારે તૈયાર કરાયો છે. આ રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે, જો બંને દેશ દ્વારા સમયસર વ્યૂહાત્મક પગલાં લેવામાં નહીં આવે, તો દક્ષિણ એશિયામાં રાજકીય અસ્થિરતા વધી શકે છે, જેની અસર વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા પર પણ પડશે.
નોંધનીય છે કે, ભારતે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાનું નક્કી કર્યું છે. જો સરહદ પારનો આતંકવાદ નહીં અટકે, તો આ થિંક ટેન્કની આશંકા હકીકતમાં બદલાતા વાર નહીં લાગે. પાડોશી દેશોની કથળેલી આર્થિક સ્થિતિ અને આંતરિક ખેંચતાણ આ સંઘર્ષમાં 'ઘી હોમવાનું' કામ કરી શકે છે.


