ભારતીય રેલવેનો વધુ એક મોટો નિર્ણય, પાર્સલ બુકિંગને લઈને લવાયો નવો નિયમ
IRCTC New Parcel Booking Rules : ભારતીય રેલવેએ મુસાફરો અને પાર્સલ સેવાઓની સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હવેથી રેલવેમાં પાર્સલ બુક કરાવવા માટે ઓળખપત્ર આપવું ફરજિયાત કરાયું છે. નવા નિયમો હેઠળ પાર્સલ બુક કરાવનાર વ્યક્તિએ પોતાનું ઓળખપત્ર, જેમ કે આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાઈસન્સ, અથવા પાસપોર્ટની ફોટોકોપી અને મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે.
પાર્સલમાં મોકલાતા સામાનની પણ તપાસ કરાશે
રેલવેએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, પાર્સલમાં મોકલાતા સામાનની તપાસ પણ કરાશે. જો જરૂર જણાશે, તો શંકાસ્પદ પાર્સલની તપાસ માટે ડોગ સ્ક્વોડની મદદ પણ લેવાશે. આ કડક નિયમો લાગુ કરવાનો હેતુ એ છે કે પાર્સલ સેવાને વધુ સુરક્ષિત બનાવી શકાય અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકી શકાય. આ પહેલાં પાર્સલ બુકિંગની પ્રક્રિયા ઘણી સરળ હતી, જેમાં માત્ર ‘ફોરવર્ડિંગ નોટ’ ભરવાની અને રેલવે રસીદ લેવાની જરૂર પડતી હતી.
શંકાસ્પદ ગતિવિધિની તાત્કાલિક તપાસ કરાશે
નવા નિયમો મુજબ, પાર્સલ બુકિંગની તમામ વિગતો અને CCTV ફૂટેજનો રેકોર્ડ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે, જેથી જરૂર પડ્યે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિની તાત્કાલિક તપાસ કરી શકાય. રેલવેનું માનવું છે કે આ પગલાંથી સુરક્ષા સંબંધિત ખામીઓને અટકાવી શકાશે અને ગ્રાહકોનો વિશ્વાસ પણ વધશે.
આ પણ વાંચો : પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’