ભારતીય રેલવેને પાંચ વર્ષમાં ખરાબ ભોજનની 19 હજાર ફરિયાદ મળી, કાર્યવાહી કેટલી થઈ?
Indian Railway Bad Food Complaint : ભારતીય રેલવેમાં ‘ખરાબ ગુણવત્તાવાળા ભોજન’નો મામલો સંસદમાં ઉઠાવાયો છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (સામ્યવાદી)ના સાંસદ ડૉ.જૉન બ્રિટાસે ‘ટ્રેનોમાં ખાવાની ગુણવત્તા’ અને ‘કંપનીઓને કોન્ટ્રાક્ટ’ આપવામાં પારદર્શિતાનો મામલો 26 જુલાઈએ સંસદમાં ઉઠાવ્યા બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપ્યો છે.
‘ટ્રેનમાં અનેક ફરિયાદો મળી, તમામમાં કાર્યવાહી કરાઈ’
વાસ્તવમાં ડૉ.જૉન બ્રિટાસે ટ્રેનોમાં મુસાફરોને અપાતા ભોજનની ગુણવત્તા અને કંપનીઓને અપાયેલા કોન્ટ્રાક્ટમાં પારદર્શિતા મામલે સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘અમને ટ્રેનો મુસાફરોને પડેલી અસુવિધાની અનેક ફરિયાદો મળી છે, જેમાં તમામ વખતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘ભારતીય રેલવેને છેલ્લા પાંચ વર્ષમાં ખરાબ ભોજનની 19,427 ફરિયાદો મળી છે. આમાં મિલાવટ અને ખરાબ ભોજન અથવા અન્ય પ્રકારની ફરિયાદો સામેલ છે.’
ફરિયાદો મળ્યા બાદ શું કાર્યવાહી કરાઈ?
રેલવે મંત્રાલયે કહ્યું કે, ‘અમને ફરિયાદ મળ્યા બાદ દંડનીય, શિસ્તબદ્ધ, કાઉન્સેલિંગ, ચેતવણી વગેરે કાર્યવાહી કરવામાં આવી છે. 9627 ફરિયાદોમાં ચેતવણી અને 4467 ફરિયાદોમાં વેન્ડરોને યોગ્ય સલાહ આપવામાં આવી છે. નાણાંકીય વર્ષ 2020-21માં એક ફરિયાદ મળી હતી, જેમાં મુસાફરોને નબળી ગુણવત્તાવાળો ખોરાક આપવા મામલે એક વેન્ડરનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 2195 ફરિયાદો યોગ્ય ન હોવાના કારણે તેનું ટ્રેનમાં જ સમાધાન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : 'સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંચર કરી દેશે...', નીતિન ગડકરીનું સૂચક નિવેદન
છેલ્લા પાંચ વર્ષમાં મળેલી ફરિયાદોમાં આ કાર્યવાહી કરાઈ
- 3137 ફરિયાદોમાં દંડ ફટકારાયો
- 9627 ફરિયાદોમાં ચેતવણી અપાઈ
- 4467 ફરિયાદોમાં યોગ્ય સલાહ અપાઈ
- 2195 ફરિયાદોમાં ટ્રેનમાં જ સમાધાન કરાયું
- 01 ફરિયાદમાં વેન્ડરનું લાઈસન્સ રદ કરાયું
છેલ્લા પાંચ વર્ષમાં કયાં વર્ષે કેટલી ફરિયાદ મળી?
- 2020-21 - 253 ફરિયાદ
- 2021-22 - 1,082 ફરિયાદ
- 2022-23 - 4,421 ફરિયાદ
- 2023-24 - 7,026 ફરિયાદ
- 2024-25 - 6,645 ફરિયાદ
આ પણ વાંચો : 10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ.300 કરોડનું કૌભાંડ: નકલી એમ્બેસી કેસમાં ઘટસ્ફોટ
કોન્ટ્રાક્ટ આપવામાં પારદર્શિતા અંગે રેલવે મંત્રીએ શું કહ્યું?
સીપીઆઈએમના સાંસદે પૂછ્યું કે, શું ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને (IRCTC) અનેક સરહોગી સંસ્થાઓ દ્વારા વંદે ભારત અને અન્ય લાંબા અંતરની ટ્રેનો માટે એક કોર્પોરેટ ગ્રૂપને કોન્ટ્રાક્ટ આપ્યો છે? જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, IRCTC ટ્રેનો કેટરિંગ સેવા માટે કોન્ટ્રાક્ટરોની પસંદગી કરી શકે તે માટે નિયમિત રૂપે ટેન્ડર બહાર પાડે છે, જેમાં વંદે ભારત અને લાંબા અંતરની ટ્રેનો સામેલ છે. તેમણે કહ્યું કે, ‘ટેન્ડર દસ્તાવેજોમાં નિર્ધારિત નિયમો અને શરતો મુજબ પારદર્શક પ્રક્રિયા દ્વારા ઊંચી બોલી લગાવનારાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અનેક સર્વિસ પ્રોવાઈડર દ્વારા જારી કરાયેલ લેટર ઓફ એવોર્ડ (LOA)ની માહિતી આઈઆરસીટીસીની વેબસાઈટ પર અપલોટ કરવામાં આવે છે. હાલ IRCTC ટ્રેનોના ક્લસ્ટર માટેનો કોન્ટ્રાક્ટ 20 સંસ્થાઓને આપ્યા છે.’