ભારતીય મૂળના વિજ્ઞાની અનિમા આનંદકુમારને ટાઈમની AI ક્ષેત્રની 100 પ્રભાવશાળી હસ્તીઓમાં સ્થાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anima Anandkumar TIME100 AI : ભારતીય મૂળના વિજ્ઞાની પ્રોફેસર અનિમા આનંદકુમારે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે. ટાઇમ મેગેઝિન (TIME Magazine) દ્વારા દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી AI ક્ષેત્રના લોકોની યાદી 'TIME100 AI' બહાર પાડવામાં આવી છે, જેમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે હવામાનની સચોટ આગાહી, ન્યૂક્લિયર ફ્યુઝન, દવાનો વિકાસ અને ક્વોન્ટમ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં એઆઈ અને વિજ્ઞાનના જોડાણ (AI for Science) પર ક્રાંતિકારી સંશોધનો કર્યા છે.
ન્યુરલ ઓપરેટર્સ અને ફિઝિક્સ આધારિત AI વિકસાવ્યું
પ્રોફેસર અનિમા આનંદકુમારની સૌથી મોટી અને મહત્ત્વની સિદ્ધિ 'ન્યુરલ ઓપરેટર્સ' (Neural Operators) નામની ટેકનોલોજી વિકસાવવાની છે. આ ટેકનોલોજીના આધારે એઆઈને સાયન્સ અને ફિઝિક્સના નિયમો શિખવાડવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકાથી ભૌતિક દુનિયાના સિમ્યુલેશનને ઝડપી કરવા માટે એઆઈનો ઉપયોગ કરવો એ જ તેમના જીવનનું મુખ્ય લક્ષ્ય રહ્યું છે.
એમેઝોનના સેગમેકર અને એનવિડિયામાં યોગદાન
તેમણે ટેકનોલોજી ક્ષેત્રે અનેક મહત્ત્વના પ્રદાન કર્યા છે. એમેઝોનમાં કામ કરતી વખતે તેમણે અત્યંત પ્રખ્યાત એઆઈ ટૂલ 'સેગમેકર' (SageMaker) બનાવવામાં મદદ કરી હતી. આ ઉપરાંત, તેઓ 2017માં કેલ્ટેક (Caltech) ખાતે પ્રોફેસર બન્યા હતા અને તેમણે અગ્રણી ટેક કંપની એનવિડિયા (NVIDIA) માં AI સંશોધનના સિનિયર ડિરેક્ટર પદે પણ સફળતાપૂર્વક સેવાઓ આપી હતી.
શિક્ષણ અને ભરતનાટ્યમ ડાન્સર તરીકેની પ્રતિભા
મૈસૂરના વતની એવા પ્રોફેસર અનિમાએ ભારતની પ્રતિષ્ઠિત આઈઆઈટી મદ્રાસ (IIT Madras) માંથી બી.ટેક અને અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે એમઆઈટી (MIT) માં સંશોધન કર્યું હતું. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ કાર્ય કરવાની સાથે અનિમા આનંદકુમાર એક ઉત્કૃષ્ટ ભરતનાટ્યમ ડાન્સર પણ છે.




