ઐતિહાસિક સિદ્ધિ : ભારતીય નૌસેનામાં આવતીકાલે એક સાથે સામેલ થશે INS ઉદયગિરી અને INS હિમગિરી
Indian Navy INS Udaygiri And INS Himgiri : ભારતીય નૌસેના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે બે અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ્સ, આઇએનએસ ઉદયગિરી (F35) અને આઇએનએસ હિમગિરી(F34)ને વિશાખાપટ્ટનમમાં સામેલ કરવા જઈ રહી છે. આ એક અભૂતપૂર્વ ઘટના છે કારણ કે આ બંને યુદ્ધજહાજોનું નિર્માણ દેશના બે અલગ-અલગ શિપયાર્ડ્સમાં કરાયું છે, જે ભારતની સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદન ક્ષમતાનું પ્રતીક છે.
બંને યુદ્ધ જહાજો ‘શિવાલિક’નું અત્યાધુનિક સંસ્કરણ
આઇએનએસ ઉદયગિરી અને આઇએનએસ હિમગિરી પ્રોજેક્ટ 17A (નીલગિરી-ક્લાસ) હેઠળ બનાવવામાં આવેલા સ્ટીલ્થ ફ્રિગેટ્સ છે. આ યુદ્ધજહાજો અગાઉના શિવાલિક-ક્લાસ ફ્રિગેટ્સનું અત્યંત આધુનિક અને ફેરફાર કરેલું વેરિઅન્ટ છે. આ બંને જહાજોની ડિઝાઇન ભારતીય નૌસેનાના વૉરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા તૈયાર કરાઈ છે. ગૌરવની વાત એ છે કે, આઇએનએસ ઉદયગિરી આ બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલું 100મું યુદ્ધજહાજ છે, જે ભારતની સ્વદેશી શક્તિ અને ક્ષમતાને દર્શાવે છે.
એક યુદ્ધ જહાજ મુંબઈમાં તો બીજું કોલકાતામાં બનાવાયું
આ બંને યુદ્ધજહાજો જુદા જુદા શિપયાર્ડ્સમાં બન્યા છે. આઇએનએસ ઉદયગિરીનું નિર્માણ મુંબઈના માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરાયું છે, જ્યારે આઇએનએસ હિમગિરી કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા તૈયાર કરાયું છે. આ ફ્રિગેટ્સનું વજન લગભગ 6,700 ટન છે, જે તેમના અગાઉના વર્ઝન કરતાં પાંચ ટકા વધુ છે. આ યુદ્ધજહાજોની મુખ્ય વિશેષતા તેમની સ્ટીલ્થ ડિઝાઇન છે, જે તેમને દુશ્મનના રડારથી બચાવવામાં મદદ કરે છે.
બંને યુદ્ધ જહાજની ખાસિયત
આ ફ્રિગેટ્સ કમ્બાઇન્ડ ડીઝલ અને ગેસ સિસ્ટમથી સંચાલિત છે, જે તેમને વધુ ઝડપી બનાવે છે. બંને જહાજો અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે, જેમાં સુપરસોનિક સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલ, મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ અને સબમરીન વિરોધી હથિયારોનો સમાવેશ થાય છે. આ યુદ્ધજહાજો સમુદ્ર, હવા અને પાણીની અંદરના દરેક પ્રકારના યુદ્ધમાં સક્ષમ છે. ભારતીય નૌસેનામાં સામેલ કર્યા પહેલાં, તેમણે સફળતાપૂર્વક તમામ કડક ટેસ્ટિંગો પાસ કર્યા છે.
હિન્દ મહાસાગરમાં ભારતની શક્તિનું પ્રદર્શન
આઇએનએસ ઉદયગિરી અને આઇએનએસ હિમગિરી સામેલ થયા બાદ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતની દરિયાઈ તાકાત મજબૂત થશે. આ યુદ્ધજહાજો દેશની 7,500 કિલોમીટર લાંબી દરિયાઈ સીમા અને 2.02 મિલિયન ચોરસ કિલોમીટરના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની સુરક્ષામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જે ભારતની સંરક્ષણ વ્યૂહરચના માટે એક સીમાચિહ્નરૂપ ઘટના છે.
આ પણ વાંચો : PM-CM અને મંત્રીઓની ખુરશી છીનવતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ! ભાજપના બંને હાથમાં લાડુ