Get The App

યમનમાં ગૃહ યુદ્ધ: સાઉદી-UAEના ઘર્ષણ વચ્ચે 400 પર્યટક ફસાયા, ભારતીય મહિલાનું રેસ્ક્યૂ

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
યમનમાં ગૃહ યુદ્ધ: સાઉદી-UAEના ઘર્ષણ વચ્ચે 400 પર્યટક ફસાયા, ભારતીય મહિલાનું રેસ્ક્યૂ 1 - image


Tourists Trapped in Yemen Civil War : યમનમાં સાઉદી અરેબિયા સમર્થિત સરકાર અને યુએઈ સમર્થિત અલગતાવાદી જૂથો વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષના કારણે સ્થિતિ ભયજનક બની છે. સામે સામે હુમલા અને હિંસાઓ થતા અનેક પ્રયટકો ત્યાં ફસાયા છે. આ હિંસા વચ્ચે યમનના સોકોત્રા ટાપુ પર છેલ્લા કેટલાક અઠવાડિયાથી ફસાયેલી ભારતીય નાગરિક રાખી કિશન ગોપાલને ભારત સરકાર દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે.

સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા વતન પરત ફરી

યમન સ્થિત ભારતીય મિશનના જણાવ્યા અનુસાર, રાખી કિશન ગોપાલને સાતમી જાન્યુઆરીના રોજ એક વિશેષ યમેનિયા ફ્લાઈટ દ્વારા જેદ્દા મોકલવામાં આવી છે. જેદ્દામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓએ રાખીને રિસીવ કરી હતી અને જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ તેમને ભારત મોકલી દેવાઈ છે. ભારતીય મિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ સફળ ઓપરેશનની વિગતો શેર કરી છે.

યમનમાં તણાવની સ્થિતિ

આ રેસ્ક્યૂ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે યમનમાં સાઉદી અરેબિયા સમર્થિત દળો અને સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC) વચ્ચે સત્તા માટે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. હદ્રમૌત અને અલ-મહરા પ્રાંતોમાં સૈન્ય મથકો પર કબજો જમાવવા માટે ચાલી રહેલા યુદ્ધને કારણે અનેક વિસ્તારોમાં હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે. જોકે, હાલના અહેવાલો મુજબ એસટીસી દળોએ કેટલાક વિસ્તારોમાંથી પાછા હટવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો : ઈમિગ્રેશન અધિકારીએ મહિલાને ગોળી મારતા અમેરિકામાં આક્રોશ, ટ્રમ્પે કહ્યું- આત્મરક્ષામાં કરવું પડ્યું

સોકોત્રા ટાપુ પર 400 પ્રવાસીઓ ફસાયા

યમનની મુખ્ય ભૂમિ પર ચાલી રહેલા સંઘર્ષના પગલે સોકોત્રા ટાપુ પર હજુ પણ અંદાજે 400 જેટલા વિદેશી પ્રવાસીઓ ફસાયેલા હોવાનું જાણવા મળે છે. વિમાની સેવાઓ સ્થગિત થવાના કારણે આ પ્રવાસીઓ ત્યાંથી નીકળી શક્યા નથી. એક તરફ યમન સરકાર સાઉદી અરેબિયાની મદદથી અંકુશ મેળવવા પ્રયાસો કરી રહી છે, તો બીજી તરફ એસટીસીએ દક્ષિણ યમનને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરવાની ચેતવણી આપી છે.

આ પણ વાંચો : વેનેઝુએલાના ઓઇલ પર અનિશ્ચિતકાળ સુધી અમેરિકાનો કંટ્રોલ! કમાણી માટે ટ્રમ્પે બનાવ્યો પ્લાન