Donald trump and Veneauela Oil News : ટ્રમ્પ સરકારે વેનેઝુએલાના સૌથી મૂલ્યવાન સંસાધન ઓઇલ પર નિયંત્રણ મેળવવા માટે એક મોટી અને સ્પષ્ટ રણનીતિની જાહેરાત કરી છે. અમેરિકાના ઊર્જા સચિવ ક્રિસ રાઈટે જણાવ્યું હતું કે, અમેરિકા હવે વેનેઝુએલાના ઓઇલના ભવિષ્યના તમામ વેચાણને નિયંત્રિત કરશે અને તેમાંથી થતી આવકનો હિસાબ પણ અમેરિકા જ રાખશે. આ યોજના એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ સરકાર અમેરિકાની ઊર્જા કંપનીઓને વેનેઝુએલાના નષ્ટ થઇ રહેલા ઓઇલના માળખાને પુનઃજીવત કરવા અને તેના ઘટતા ઉત્પાદનને પુનર્જીવિત કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
શું છે અમેરિકાની સંપૂર્ણ યોજના?
મિયામીમાં એક કોન્ફરન્સને સંબોધતા ઊર્જા સચિવ ક્રિસ રાઈટે જણાવ્યું હતું કે શરુઆતમાં, વેનેઝુએલાના સ્ટોરેજમાં રાખવામાં આવેલ ક્રૂડ ઓઇલનું વેચાણ કરવામાં આવશે. આ સ્ટોરેજ અમેરિકાના પ્રતિબંધોને કારણે વેચી શકાયું નહોતું. અમે ફક્ત તે ક્રૂડને ફરીથી ગતિમાં લાવીશું અને તેને વેચીશું. અમે વેનેઝુએલામાંથી આવતા ક્રૂડનું માર્કેટિંગ કરીશું - પહેલા આ સ્ટોર કરેલું ઓઇલ અને પછી અનિશ્ચિત સમય સુધી અમે વેનેઝુએલામાંથી આવતા ઉત્પાદનનું વેચાણ કરીશું." આ પહેલા, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સાંજે કહ્યું હતું કે વેનેઝુએલા અમેરિકાને વેચવા માટે 50 મિલિયન બેરલ જેટલું ઓઇલ સોંપશે, જેની કિંમત વર્તમાન બજાર ભાવે લગભગ $2.8 બિલિયન છે.
આવક કોના ખાતામાં જશે અને કોને થશે ફાયદો?
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે બુધવારે પુષ્ટિ કરી હતી કે અમેરિકાએ વેનેઝુએલાના ક્રૂડનું માર્કેટિંગ શરુ કરી દીધું છે. આ વેચાણમાંથી થતી આવક યુએસ ટ્રેઝરીના ખાતામાં રાખવામાં આવશે, જે આ ભંડોળને વેનેઝુએલાના લેણદારોથી સુરક્ષિત રાખશે. લેવિટે કહ્યું કે આ ભંડોળ અમેરિકન અને વેનેઝુએલાના બંને લોકોના ફાયદા માટે હશે.
ક્રિસ રાઈટે સ્પષ્ટ કર્યું કે, "અમે કોઈનું ઓઇલ ચોરી રહ્યા નથી. અમે વૈશ્વિક ક્રૂડ બજારોમાં વેનેઝુએલાના ઓઇલનું વેચાણ ફરી શરુ કરવા જઈ રહ્યા છીએ, તેને વેનેઝુએલાના નામે ખાતામાં મૂકીશું અને તે ભંડોળને વેનેઝુએલાના લોકોના ભલા માટે પાછું વેનેઝુએલામાં લાવીશું."
અમેરિકન કંપનીઓની ભૂમિકા અને પડકારો
ટ્રમ્પ પ્રશાસન હવે શેવરોન, કોનોકોફિલિપ્સ અને એક્ઝોન જેવી અમેરિકન ઓઇલ કંપનીઓને વેનેઝુએલાના માળખાને પુનઃનિર્માણ કરવા અને ઉત્પાદન પુનર્જીવિત કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. આ માટે પ્રમુખ શુક્રવારે ઊર્જા અધિકારીઓ સાથે બેઠક પણ કરવાના છે. જોકે, વેનેઝુએલાના ઓઇલ ક્ષેત્રને તેની જૂની સ્થિતિમાં પાછું લાવવું એ એક મોટો પડકાર છે, જેમાં આગામી દાયકામાં દર વર્ષે લગભગ $10 બિલિયનના ખર્ચનો અંદાજ છે. અમેરિકી ઓઇલ કંપનીઓ કોઈપણ લાંબા ગાળાના રોકાણ કરતાં પહેલા ત્યાં સ્થિર સરકારની ખાતરી કરવા માંગશે. આ દરમિયાન, અમેરિકાના દળોએ વધુ બે પ્રતિબંધિત ઓઇલ ટેન્કરોને જપ્ત કર્યા છે, જેમાં એક રશિયન ધ્વજવાળું પણ હતું, જે દર્શાવે છે કે અમેરિકા વેનેઝુએલાના ઓઇલ નિકાસ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે આક્રમક રીતે આગળ વધી રહ્યું છે.


