Get The App

ઈમિગ્રેશન અધિકારીએ મહિલાને ગોળી મારતા અમેરિકામાં આક્રોશ, ટ્રમ્પે કહ્યું- આત્મરક્ષામાં કરવું પડ્યું

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
DONALD TRUMP


(IMAGE - IANS)

Minnesota Shooting ICE: અમેરિકાના મિનિયાપોલિસમાં ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(ICE)ના એક એજન્ટ દ્વારા 37 વર્ષીય અમેરિકન મહિલા રેની નિકોલ ગુડની ગોળી મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ અમેરિકામાં વસતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં પણ ભારે ફફડાટ છે.

શું હતી સમગ્ર ઘટના?

મિનિયાપોલિસ પોલીસ ચીફના જણાવ્યા અનુસાર, રેની નિકોલ ગુડની કાર રસ્તા પર અડચણ ઉભી કરી રહી હતી ત્યારે ફેડરલ એજન્ટો તેની પાસે પહોંચ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એજન્ટોએ જ્યારે કાર હટાવવાનું કહ્યું ત્યારે મહિલાએ કાર ધીમેથી પાછળ લીધી અને પછી આગળ વધારવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન એજન્ટ દ્વારા કમસે કમ બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં રેનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પ અને જેડી વેન્સે એજન્ટની કાર્યવાહીને યોગ્ય ઠેરવી

આ ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એજન્ટનો પક્ષ લેતા લખ્યું કે, 'મેં ઘટનાની ક્લિપ જોઈ છે. મહિલા આંદોલનકારી જેવી લાગતી હતી અને તેણે જાણીજોઈને એજન્ટને કચડવાનો પ્રયાસ કર્યો હતો. એજન્ટ દ્વારા લેવાયેલું આ પગલું સેલ્ફ ડિફેન્સમાં હતું.'

ઉપપ્રમુખ જેડી વેન્સે પણ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, 'સરકાર ICE અધિકારીઓની સાથે ઉભી છે.' તેમણે કટ્ટરપંથીઓને ચેતવણી આપતા કહ્યું કે અમે કાયદાના અમલીકરણ માટે વધુ કડક પગલાં ભરીશું.

ઈમિગ્રેશન અધિકારીએ મહિલાને ગોળી મારતા અમેરિકામાં આક્રોશ, ટ્રમ્પે કહ્યું- આત્મરક્ષામાં કરવું પડ્યું 2 - image

આ પણ વાંચો: વેનેઝુએલાના ઓઈલ પર અનિશ્ચિતકાળ સુધી અમેરિકાનો કંટ્રોલ! કમાણી માટે ટ્રમ્પે બનાવ્યો પ્લાન

પરિવાર અને પ્રત્યક્ષદર્શીઓના અલગ દાવા

રેનીની માતા ડોના ગેંગરે આક્ષેપોને નકારી કાઢતા કહ્યું કે, 'મારી પુત્રી કોઈ આંદોલનકારી નહોતી. તે કદાચ પોલીસ અને એજન્ટોને જોઈને ડરી ગઈ હશે.' બીજી તરફ, ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, 'રેની ગુસ્સામાં ગાડી ચલાવતી નહોતી અને તેની કારની સ્પીડ પણ ઘણી ધીમી હતી.' આ તાકાતનો દુરુપયોગ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

રાજકીય ગરમાવો અને વિરોધ

ડેમોક્રેટ્સ પક્ષે આ ઘટનાની સખત નિંદા કરી છે અને પ્રવાસીઓને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાના વિરોધમાં મિનિયાપોલિસમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે.

ઈમિગ્રેશન અધિકારીએ મહિલાને ગોળી મારતા અમેરિકામાં આક્રોશ, ટ્રમ્પે કહ્યું- આત્મરક્ષામાં કરવું પડ્યું 3 - image