ભારત-અમેરિકા તણાવ: વિદેશ મંત્રાલય બાદ સેનાએ પણ ટ્રમ્પને બતાવ્યો અરીસો, સોશિયલ મીડિયા પોસ્ટ વાઈરલ
Image: IANS |
Indian Army: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર ચાલી રહેલા હોબાળા વચ્ચે, ભારતીય સેનાના પૂર્વ કમાન્ડે 1971ની એક અખબારનું કટિંગ શેર કર્યું છે. આ કટિંગ શેર કરીને સેનાએ ટ્રમ્પને અરીસો બતાવ્યો છે. ભારતીય સેનાના પૂર્વ કમાન્ડે 5 ઓગસ્ટ, 1971ના અખબારનું કટિંગ સશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, 1954થી લઈને 1971 સુધી અમેરિકાએ પાકિસ્તાનને બે અબજ ડોલરના હથિયારોનું સપ્લાય કર્યું છે.
ભારતીય સેનાએ આપ્યો જવાબ
ભારતીય સેનાએ આ પોસ્ટને This Day That Year કેપ્શન સાથે શેર કરી હતી. આ સાથે #KnowFacts હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો. આ અખબારના કટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે અમેરિકા 1971ના યુદ્ધની તૈયારી માટે દાયકાઓથી પાકિસ્તાનને હથિયારો સપ્લાય કરી રહ્યું હતું. આ કટિંગ 5 ઓગસ્ટ, 1971નું હતું.
આ પણ વાંચોઃ એરપોર્ટ પર આર્મી ઓફિસર દ્વારા મારામારીના કેસમાં નવો વળાંક, એરલાઈન કર્મચારીઓએપહેલા હુમલો કર્યો
આ રિપોર્ટમાં ચીનની મદદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહ્યું કે, બીજિંગ તરફથી પણ યુદ્ધ પહેલાં પાકિસ્તાનને મદદ પહોંચાડવામાં આવી હતી. ત્યારે આ આર્ટિકલ તત્કાલિન સંરક્ષણ મંત્રીનું રાજ્યસભામાં આપવામાં આવેલા ભાષણના આધારે પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
વિદેશ મંત્રાલયે પણ બતાવ્યો અરીસો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર આરોપ લગાવતા કહ્યું કે, ભારત રશિયાથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે અને પછી એ ક્રૂડ ઓઇલનો મોટો ભાગ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવે વેચીને ભારે નફો કમાય છે. ટ્રમ્પના આ આરોપ બાદ ભારતે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
વિદેશ મંત્રાલયે અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા ભારતની ટીકા પર આકરો જવાબ આપ્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સત્તાવાર નિવેદન આપતા કહ્યું કે, ભારત પર પ્રહાર કરવો ન ફક્ત ખોટું છે, પરંતુ ખુદ આ દેશોની કથની અને કરણીમાં ફરક દર્શાવે છે. યુક્રેન સંઘર્ષ શરૂ થયા પછી પરંપરાગત સપ્લાયર્સે તેમનો પુરવઠો યુરોપ તરફ વાળ્યો હોવાથી ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરવાની ફરજ પડી હતી. તે સમયે, અમેરિકાએ પોતે ભારતને આવા પગલાં લેવા માટે પ્રોત્સાહિત કર્યું હતું જેથી વૈશ્વિક ઊર્જા બજાર સ્થિર રહી શકે.