પેટ્રોલમાં 27% ઇથેનોલ ભેળવવાની કેન્દ્રની તૈયારીથી વિવાદ, જાણો સરકારે શું કરી સ્પષ્ટતા
Ethanol-Blended Petrol: તાજેતરમાં કેટલાક મીડિયા અહેવાલોમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે પેટ્રોલમાં 20% ઇથેનોલના મિશ્રણ(E20)થી વાહનોના એન્જિનને (ખાસ કરીને જૂના મોડલના વાહનોને) નુકસાન થઈ શકે છે. આવા દાવાને કેન્દ્ર સરકારે સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલયે નિવેદન આપ્યું છે કે, આવા અહેવાલોમાં વિજ્ઞાન આધારિત મજબૂત પુરાવાનો સ્પષ્ટ અભાવ છે, તેમાં કોઈ તથ્ય નથી. મંત્રાલયે આંકડા આપીને જણાવ્યું હતું કે પેટ્રોલ કરતાં ઇથેનોલનું ઓક્ટેન રેટિંગ વધુ હોવાથી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વધુ ઉચ્ચ ગુણવત્તાવાળું હોય છે.
પરીક્ષણો શું દર્શાવે છે?
પેટ્રોલિયમ મંત્રાલયનું કહેવું છે કે, ‘દેશ-વિદેશમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત યાંત્રિક અને કાર્યક્ષમતા સંબંધિત વિવિધ પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20) જૂના તેમજ નવા વાહનોના એન્જિનમાં કોઈ ખાસ નુકસાન કરતું નથી કે એની કાર્યક્ષમતા ઘટાડતું નથી. ઓટોમોટિવ રિસર્ચ ઍસોસિએશન ઑફ ઇન્ડિયા (ARAI), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ પેટ્રોલિયમ (IIP), અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન R&D દ્વારા કરાયેલ ટેસ્ટિંગ દર્શાવે છે કે, E20ના ઉપયોગ દરમિયાન વાહનમાં કોઈ અસામાન્ય ઘસારો, કાર્યક્ષમતા ક્ષતિ કે સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી જોવા મળી નથી.’
ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની ગુણવત્તા વધુ સારી હોય છે?
આ ઉપરાંત પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું હતું કે, ‘પરંપરાગત પેટ્રોલનો ઓક્ટેન રેટિંગ માત્ર 84.4 હોય છે, જ્યારે કે ઇથેનોલનું ઓક્ટેન રેટિંગ 108.5 છે, એટલે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વધુ ઉચ્ચ ગુણવત્તાવાળું અને સારી દહન ક્ષમતા ધરાવતું હોય છે, જે એન્જિન માટે વધુ અસરકારક બની શકે છે.’
માઇલેજનો ઘટાડો કયા કારણસર હોય છે?
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, માઇલેજમાં થતો થોડો ઘટાડો ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે નહીં, પણ ઓછી ઊર્જા ઘનતાને કારણે થાય છે, જે સામાન્ય ગણાય છે. આમ પણ આ ઘટાડો બહુ ઓછો છે અને જૂના વાહનોમાં જ થઈ શકે છે.
SIAM અને ઇન્ડસ્ટ્રીનું વલણ હકારાત્મક છે
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મોટા ભાગના વાહન નિર્માતા હવે એન્જિન ટ્યુનિંગમાં સુધારા સાથે E20 માટે અનુકૂળ ઘટકોનો સમાવેશ કરવા લાગ્યા છે. ‘સોસાયટી ઑફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ’ (SIAM)ના જણાવ્યા મુજબ, એપ્રિલ 2023થી બજારમાં ઉપલબ્ધ થયેલા વાહનો અપડેટેડ એન્જિન અને ફ્યુઅલ સિસ્ટમ સાથે E20 ને અનુરૂપ વાહનો છે. તેથી ઇંધણ કાર્યક્ષમતા પર મોટી નકારાત્મક અસર થાય છે, એવો અહેવાલ ખોટો છે.
જૂના વાહનોમાં અમુક સમસ્યા સર્જાઈ શકે છે
પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું હતું કે, ‘BIS (બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ - ભારતીય ધોરણો સંસ્થા) તથા ઓટોમોટિવ ઉદ્યોગ ધોરણો દ્વારા E20 માટે જરૂરી સલામતી માપદંડો સ્પષ્ટપણે નિર્ધારિત છે. કેટલાક જૂના વાહનોમાં 20,000થી 30,000 કિલોમીટરના ઉપયોગ પછી રબર ગાસ્કેટ બદલવાની જરૂર પડી શકે છે, જે નિયમિત સર્વિસિંગ દરમિયાન સરળતાથી અને ઓછા ખર્ચે શક્ય છે.
ઇથેનોલ સસ્તું, શ્રેષ્ઠ અને પર્યાવરણ સંદર્ભે ફાયદાકારક વિકલ્પ છે
પેટ્રોલિયમ મંત્રાલયે ઇથેનોલના ઉપયોગ બાબતે નીચેના ફાયદા જણાવ્યા છે.
1) પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરવાથી એન્જિનને ઉચ્ચ-ઓક્ટેન ઇંધણ મળે છે, જેને લીધે બહેતર ride quality મળે છે અને વાહન ચલાવવાના અનુભવમાં પણ સુધારો થાય છે. ખાસ કરીને આધુનિક, હાઈ-કમ્પ્રેશન એન્જિન માટે ઈથેનોલ ઉત્તમ વિકલ્પ છે.
2) E20નો ઉપયોગ ભારતની ઊર્જા સુરક્ષા માટે મહત્ત્વનો છે. ઇથેનોલના વધતા ઉપયોગથી ક્રૂડ તેલની આયાતમાં ઘટાડો થયો છે, જેને કારણે વર્ષ 2014 પછી ભારતે રૂપિયા 1.40 લાખ કરોડ જેટલાનું વિદેશી હૂંડિયામણ બચાવ્યું છે.
3) ઇથેનોલ શેરડી અને મકાઈ જેવી ખેતપેદાશોમાંથી બનાવાતું હોવાથી એના ઉપયોગથી કૃષિ આધારિત અર્થતંત્રને મજબૂતી મળે છે. ફક્ત ઇથેનોલ માટે સરકાર દ્વારા દેશના ખેડૂતોને રૂ. 1.20 લાખ કરોડ જેટલી રકમ સીધી ચૂકવાય છે.
આ પણ વાંચો: ટેરિફથી નિકાસકારો ચિંતિત, રૂ. 2,250 કરોડની પ્રોત્સાહન યોજના અમલી કરવા રજુઆત
E20 પછી E27 લાવવાની યોજના છે
પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ કરીને E20 બનાવાયા પછી સરકાર હવે આ ઇથેનોલનું પ્રમાણ વધારીને 27 ટકા કરવાની તૈયારીમાં છે. આ નવું મિશ્રણ-ઇંધણ ‘E27’ તરીકે ઓળખાશે. વિવિધ સરકારી વિભાગો આ દિશામાં ઝડપથી કામગીરી કરી રહ્યા છે. BIS ને E27 ઇંધણ માટે તાત્કાલિક ધોરણે માનદંડ ઘડવા માટે સૂચના અપાઈ છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે દેશની પ્રતિષ્ઠિત વાહન પરીક્ષણ એજન્સી ARAI ને E27 ઇંધણને અનુરૂપ વાહનોના એન્જિનમાં જરૂરી ફેરફારો કરવા અંગે સંશોધન શરૂ કરવા જણાવી દીધું છે.
ડીઝલમાં પણ મિશ્રણ કરાશે
BIS તરફથી હવે ડીઝલમાં પણ 10 ટકા આઇસોબ્યુટેનોલ (IBA) મિશ્ર કરાશે. પરંપરાગત ઇંધણોના વિકલ્પ રૂપે અલગ પ્રકારના બાયોફ્યુલ વિકસાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેને કારણે પેટ્રોલમાં ‘E27’ ની જેમ ‘ડીઝલ-IBA’ માટે સંશોધન થઈ રહ્યાં છે. ડીઝલ-IBA નો ઉપયોગ કરી શકાય એ માટે ડીઝલ એન્જિનની રચનામાં વિશિષ્ટ પ્રકારના ફેરફાર કરવાની જરૂર પડશે.