ટેરિફથી નિકાસકારો ચિંતિત, રૂ. 2,250 કરોડની પ્રોત્સાહન યોજના અમલી કરવા રજુઆત
-આ યોજનાની જાહેરાત ફેબુ્રઆરીમાં બજેટમાં કરવામાં આવી હતી પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો નથી
નવી દિલ્હી : અમેરિકા દ્વારા ૨૫ ટકા ડયુટી લાદવાની તૈયારી બાદ નિકાસકારોએ સરકારને આ વધેલા બોજનો એક ભાગ સહન કરવા અને ૨,૨૫૦ કરોડ રૂપિયાના નિકાસ પ્રમોશન મિશનને ઝડપથી અમલમાં મૂકવા સરકારને રજુઆત કરી છે. આ મિશનની જાહેરાત ફેબુ્રઆરીમાં બજેટમાં કરવામાં આવી હતી પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો નથી.
નિકાસકારો ચિંતિત છે કારણ કે તેમને ડયુટીથી સંભવિત નુકસાનનો ડર છે, પરંતુ રશિયા પાસેથી ઇંધણ ખરીદી બદલ ભારતને દંડ પણ થશે તેવો ડર છે.
નિકાસ પ્રમોશન મિશન હેઠળ WTO-અનુપાલન હસ્તક્ષેપો, વેપાર ફાઇનાન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને નિકાસકારો માટે બજાર અક્સેસ સરળ બનાવવા માટે વિવિધ યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. જો કે, કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી પછી આ યોજનાઓ જરૂરિયાત અને પ્રાથમિકતા મુજબ લાગુ કરવામાં આવશે.
વાણિજ્ય વિભાગે ખર્ચ નાણાકીય સમિતિને પોતાનો પ્રસ્તાવ મોકલ્યો છે. તે મંજૂરી માટે બાકી છે. નાણાકીય સમિતિ તરફથી લીલી ઝંડી મળ્યા પછી, તેને અંતિમ મંજૂરી માટે કેબિનેટમાં મોકલવામાં આવશે.'
ભારતીય ગારમેન્ટ નિકાસકારોએ ચિંતા વ્યક્ત કરી હતી કે યુએસ દ્વારા લાદવામાં આવેલી ૨૫ ટકા ડયુટી ઉત્પાદન એકમોમાં મોટા પાયે છટણી તરફ દોરી શકે છે. તેમણે પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારની હસ્તક્ષેપની માંગ કરી હતી.