રામ મંદિર ચઢાવાની ચોરી મામલે ધીરેન્દ્ર શાસ્ત્રીનું પહેલું નિવેદન, 'જેણે આવું કુકૃત્ય કર્યું છે તેને...'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dhirendra Shastri on Ram Mandir : કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ચઢાવાની ચોરી થવાનો મામલો સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. રામ મંદિરમાં દાનના નાણાંની ઉચાપતના આરોપો લાગ્યા બાદ વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યો છે, અને સાધુ-સંતો દોષિતોને સજા આપવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન છતરપુર સ્થિત બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, 'ચઢાવાની ચોરીએ સનાતનનું નુકસાન કર્યું છે. દાનની ચોરી કરનારાઓને દંડ ચોક્કસ મળશે. રાવણે માતા જાનકીનું હરણ કર્યું હતું, ત્યારે તેના આખા વંશનો નાશ થયો હતો. આજે લાખો-કરોડો લોકોની શ્રદ્ધાના કેન્દ્ર સાથે રમત રમવામાં આવી છે. જેમણે આ પાપ કર્યું છે તેમને મહાદંડ મળશે.'
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સલાહ, કોને મળવી જોઈએ રામ મંદિરની જવાબદારી?
બાગેશ્વર ધામ સરકારનું કહેવું છે કે, 'ભગવાનના દરબારમાં રહીને પણ જે ભગવાનથી ન ડર્યો, અને આવું કૃત્ય કર્યું, તે ચોક્કસપણે મહાદંડ ભોગવશે. આના કારણે તમામ મંદિરો અને સંતો પર સવાલો ઊભા થઈ ગયા છે. તેથી રામ મંદિરની આ ઘટના પછી, સનાતન વૈષ્ણવ પરંપરા, સંત પરંપરા અને ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પિત લોકોને જ ભગવાનના મંદિરની સેવાનું કાર્ય મળવું જોઈએ.'
મુસ્લિમો પર ફરી આપ્યું નિવેદન
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વધુ એકવાર મુસ્લિમ સમુદાય પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'ભારતના મુસ્લિમોએ ઇન્ડોનેશિયા જવું જોઈએ. ત્યાં જોવું જોઈએ કે, જે લોકો 5 વખત નમાઝ પઢે છે, તેઓ દિવાળી પણ ઉજવે છે, અને કથા પણ સાંભળે છે.' જ્યારે, લવ જેહાદના મામલા પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સંસ્કારોના સંરક્ષણની જરૂર છે. જો કોઈ આપણને પરિવર્તિત કરી શકે તો તેનું સ્વાગત છે.
માયાવતીની પણ આકરી પ્રતિક્રિયા
બહુજન સમાજ પાર્ટી (BSP) ના પ્રમુખ અને યુપીના પૂર્વ સીએમ માયાવતીએ શ્રીરામ મંદિરમાં ચઢાવાની ચોરી, ઉચાપત અને હેરાફેરીના અહેવાલોને અત્યંત ગંભીર અને ચિંતાજનક ગણાવ્યા છે. તેમણે કહ્યું કે આ મામલામાં જે લોકો દોષિત સાબિત થાય તેમને છોડવામાં ન આવે. જો કે, તેમણે એ વાત પણ સામે રાખી કે, આ મામલાનું રાજનીતિકરણ કરવું યોગ્ય નથી. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે મંદિરમાં શ્રદ્ધાપૂર્વક ચઢાવવામાં આવતા દાન વગેરે બાબતે ભવિષ્યમાં કોઈ ફરિયાદ ન આવે.









