‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને થશે ફાયદો, યુએસ ટેરિફમાંથી મળશે રાહત’ બોલ્યા શશિ થરૂર
US Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે ટૂંક સમયમાં મુલાકાત થવાની છે, તો બીજીતરફ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમીર ઝેલેન્સ્કી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. ત્યારે આ તમામ બાબતો ભારત માટે સારા સંકેત લઈને આવી છે અને આ મુદ્દે શશિ થરૂરનું કહેવું છે કે, જો રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને ઘણો ફાયદો થશે.
રશિયા-યુક્રેન યુદ્ધ અટકતા ભારતને ટેરિફમાંથી રાહત મળશે : થરૂર
વિદેશી બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ અને કોંગ્રેસના નેતા શશિ થરૂર (Shashi Tharoor)નું માનવું છે કે, રશિયા-યુક્રેનનું યુદ્ધ (Russia-Ukraine War) બંધ થયા બાદ ભારતને ટેરિફમાં રાહત મળશે. અમેરિકાએ આ યુદ્ધના કારણે જ ભારત પ 25 ટકા ટેરિફ લાદ્યો છે, જો યુદ્ધ અટકી જશે તો ટેરિફ પણ હટી જશે. થરૂરે કહ્યું કે, ‘રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી થતાં જ અમેરિકાએ ઝિંકેલા ટેરિફમાંથી ભારતને રાહત મળશે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાના કારણે આપણા પર (અમેરિકા દ્વારા) જે 25 ટકા ટેરિફ લદાયો છે, તે માત્ર રશિયા-યુક્રેન યુદ્ધનું કારણ છે. જો યુદ્ધ નહીં હોય તો સ્વાભાવિક તે (ટેરિફ) નહીં રહે. પરંતુ આ ટેરિફ ઉપરાંત જે 25 ટકા ટેરિફ વધારાયો છે, તેને ઘટાડવા માટે ચર્ચા કરવી જોઈએ.’
‘યુએસ પ્રતિનિધિમંડળ ભારત આવવાનું હતું, પરંતુ...’
અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે થરૂરે કહ્યું કે, ‘અમેરિકાનું પ્રતિનિધિમંડળ 25 ઓગસ્ટે વાતચીત કરવા માટે આવવાનું હતું. જોકે તેમના તરફથી હજુ સુધી કોઈપણ ફેરફાર અંગે કંઈ પણ કહેવાયું નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ ઝિંક્યા બાદ ફરી 25 ટકા ઝિંકવામાં આવ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે, ભારત રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે અને તેનાથી રશિયાને આર્થિક મદદ થઈ રહી છે. આ કારણે રશિયાએ યુક્રેન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખ્યું છે.
ટ્રમ્પ-પુતિન વચ્ચે યોજાશે મુલાકાત
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) વચ્ચે ટૂંક સમયમાં મુલાકાત યોજાવાની છે. આશા છે કે, બંને નેતા યુદ્ર અંગે વાતચીત કરશે. જો બધુ સમુસુતરું પાર પડશે તો યુદ્ધવિરામ અંગે પરિણામ આવી શકે છે. જો યુદ્ધ અટકશે તો ભારતને ફાયદો થવાની આશા છે. આ પહેલા પુતિન અને પીએમ મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. બંને નેતાઓએ સંબંધો વધુ ગાઢ બનાવવા અને રાજદ્વારી ભાગીદારી વધારવા સંબંધીત વાત કરી હતી.
ઝેલેન્સ્કી અને પીએમ મોદી વચ્ચે ટેલિફોનિક વાત
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy)એ સોમવારે (11 ઑગસ્ટ, 2025) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ઝેલેન્સ્કી અને વડાપ્રધાન મોદીએ આ અંગે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે.
વડાપ્રધાન મોદીએ 'X' પર લખ્યું કે, 'પ્રમુખ ઝેલેન્સ્કી સાથે વાત કરીને અને તાજેતરના વિકાસ પર તેમના દૃષ્ટિકોણ સાંભળીને આનંદ થયો. સંઘર્ષના વહેલા અને શાંતિપૂર્ણ ઉકેલની જરૂરિયાત પર ભારતનો સુસંગત વલણ વ્યક્ત કર્યો. ભારત આ સંદર્ભમાં શક્ય તેટલું યોગદાન આપવા તેમજ યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.'
વોલોદીમીર ઝેલેન્સ્કીએ 'X' પોસ્ટમાં કહ્યું કે, 'ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક લાંબી અને મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ, જેમાં દ્વિપક્ષીય સહયોગ અને વૈશ્વિક કૂટનીતિક સ્થિતિ પર વિસ્તારથી ચર્ચા થઈ.'
તેમણે ભારતીય વડાપ્રધાન દ્વારા યુક્રેનની જનતા માટે આપવામાં આવેલા સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો. વોલોદીમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, રશિયાના હાલના હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી, વિશેષ કરીને જાપોરિઝિયામાં એક બસ સ્ટેશન પર થયેલા હુમલાની, જેમાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમણે કહ્યું કે, 'આવા સમયમાં જ્યારે યુદ્ધ સમાપ્ત કરવાની કૂટનીતિક સંભાવના બતાઈ રહી છે, રશિયા માત્ર પોતાના આક્રમકતા અને હત્યાઓને યથાવત્ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યું છે.'
આ પણ વાંચો : સિંધુ જળ સંધિ તોડનાર ભારત ડેમ બનાવશે તો 10 મિસાઇલમાં ખેલ તમામ કરીશું : આસીમ મુનીર