'મિત્ર દેશની ધરતી પરથી આવું નિવેદન...', આસિમ મુનિરની ધમકી મુદ્દે ભારતે અમેરિકાને પણ ઘેર્યું
દેશના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની સેનાના પ્રમુખ આસિમ મુનીરના ભારત વિરોધી નિવેદનનો આકરો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, આ અત્યંત દુઃખદ છે કે, કોઈ ત્રીજા દેશની ધરતી પરથી તમે આ પ્રકારની ટીપ્પણીઓ કરી રહ્યા છો. ભારતે પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી છે કે, તે પરમાણુ હુમલાની ધમકી સામે ઝૂકશે નહીં. અમે અમારા રાષ્ટ્રની સુરક્ષા અને હિતને ધ્યાનમાં લેતાં પગલાં લેવાનું ચાલુ રાખીશુ.
પરમાણુની ધમકી એ પાકિસ્તાનની જૂની ટેવ
ભારતના વિદેશ મંત્રાલયે મુનીરના નિવેદનની ટીકા કરતાં કહ્યું છે કે, પાકિસ્તાનના આર્મી ચીફ અમેરિકાની ધરતી પર ભારતને પરમાણુ ધમકી આપી રહ્યા છે. પાકિસ્તાની આ પ્રકારની પરમાણુની ધમકી એ જૂની ટેવ છે. આંતરરાષ્ટ્રીય સમુદાયો આ પ્રકારના નિવેદનો પરથી નિષ્કર્ષ કાઢી શકે છે કે પાકિસ્તાનના પરમાણુ નિયંત્રણની કમાન કેવા હાથમાં છે. આ દુઃખદ છે કે, પાકિસ્તાને કોઈ ત્રીજા દેશની ધરતી પરથી આ પ્રકારના નિવેદનો આપવા પડ્યા. ભારતે પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી છે કે, તે પરમાણુ હુમલાની ધમકી સામે ઝૂકશે નહીં. અમે અમારા રાષ્ટ્રની સુરક્ષા અને હિતને ધ્યાનમાં લેતાં પગલાં લેવાનું ચાલુ રાખીશુ.
પાકિસ્તાનના આર્મી ચીફે અમેરિકામાંથી આપી ધમકી
પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરે અમેરિકાની ધરતી પરથી ગઈકાલે ભારતને પરમાણુ હુમલાની ધમકી આપતાં કહ્યું હતું કે, અમે પરમાણુથી સજ્જ રાષ્ટ્ર છીએ. અમે તો ડૂબીશું, અડધી દુનિયાને પણ સાથે લઈને ડૂબીશું. સિંધુ જળ સંધિ રદ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં 25 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. ભારત સિંધુ નદી પર બંધ બાંધવાની ફિરાકમાં છે. અમે રાહ જોઈ રહ્યા છીએ. જેવો તે બંધ બાધશે, અમે 10 મિસાઈલ હુમલા કરી તે તોડી પાડીશું. અમારી પાસે મિસાઈલોની અછત નથી.
ભારતને પડકારવા ટ્રમ્પ પાકિસ્તાને પડખે આવ્યાં
ભારત-અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાઓમાં નડતરરૂપ માગ સામે ભારતે ઝૂકવાનો ઈનકાર કરતાં તેમજ રશિયા સાથે વેપાર ચાલુ રાખવા બદલ ટ્રમ્પ નારાજ છે. ટ્રમ્પે ભારત પર દબાણ વધારવા 50 ટકા ટેરિફ લાદ્યો છે. તેમજ પેનલ્ટી પણ લાદી છે. તેઓ ભારતને ચારેબાજુથી ભીંસમાં લેવા પાકિસ્તાનને સમર્થન આપી રહ્યા છે. તેમણે પાકિસ્તાનમાં ક્રૂડ ઓઈલ શોધવા માટે કરાર કર્યા છે. તેમજ પાકિસ્તાન પર ટેરિફનો દર ઘટાડ્યો છે.