સિંધુ જળ સંધિ તોડનાર ભારત ડેમ બનાવશે તો 10 મિસાઇલમાં ખેલ તમામ કરીશું : આસીમ મુનીર
- પાક. આર્મી ચીફને અમેરિકા બોલાવી ટ્રમ્પની 'ડિનર ડિપ્લોમસી' : દુનિયાને સંદેશો
- અમે ડુબીશું તો દુનિયાને ડુબાડીશું
- ટ્રમ્પના ટેરિફની અસર : ભારતમાંથી રદ થયેલા ઓર્ડર પાકિસ્તાન-બાંગ્લાદેશને મળ્યા : તિરુપુરના કાપડ ઉદ્યોગને રૂ. 6000 કરોડનું નુકસાન
- ટ્રમ્પના શાસનમાં ભારતીય વિદ્યાર્થીઓને વિઝામાં 28 ટકાનો ઘટાડો થયો જ્યારે પાકિસ્તાનીઓના વિઝામાં 28 ટકાનો વધારો થયો
- ટ્રમ્પની ભારતને લાલ આંખ, પાકિસ્તાનને લાલ જાજમ
- સિંધુ જળ સંધી રદ કરનાર ભારત નદી પર બાંધ બનાવે પછી 10 મિસાઈલો નાંખી તોડી પાડીશું : મુનીરની ધમકી
Asim Munir News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશોને જંગી ટેરિફની ધમકીઓ આપવાનું શરૂ કર્યા બાદ વેપાર સોદા માટે સૌથી પહેલાં ભારત સાથે વાટાઘાટો શરૂ કરી હતી. ભારતે વેપાર સોદામાં કૃષિ અને ડેરી ઉદ્યોગ ખોલવાનો ઈનકાર કરી અમેરિકાને શરણે ના થતા ટ્રમ્પનો અહંકાર ઘવાયો છે, જેના કારણે અમેરિકન પ્રમુખે ભારતને પરેશાન કરવા માટે હવે પાકિસ્તાન અને તેના ફિલ્ડ માર્શલ આસીમ મુનીરને પોતાના પડખે લીધા છે, જે આખી દુનિયાને જોખમમાં મૂકી શકે છે. આની સાબિત દુનિયાને રવિવારે મળી ગઈ છે. પાકિસ્તાની આર્મી ચીફ મુનીરે અમેરિકાની ધરતી પરથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપતા કહ્યું છે, અમે તો ડૂબીશું, અડધી દુનિયાને સાથે લઈને ડૂબીશું. બીજીબાજુ ટ્રમ્પે પણ ભારત પર ટેરિફ વધારવાની સાથે પાકિસ્તાન પર ટેરિફ ઘટાડયો છે.
ઓપરેશન સિંદૂરમાં ભારત સામે કારમા પરાજયનો સામનો કરવા છતાં પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિ મુનીરના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નથી. તેમણે ફરી એક વખત ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. અમેરિકન સૈન્યે અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને અબોટાબાદમાં ઠાર કર્યા પછી અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો વણસ્યા હતા, જે હવે ટ્રમ્પના શાસનમાં ફરી સુધરી રહ્યા છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ વેપાર સોદા માટે ભારતને નમાવવામાં નિષ્ફળ જતાં તેમણે હવે ભારતના કટ્ટર દુશ્મન એવા પાકિસ્તાનને પોતાની તરફે લીધું છે, જેને પગલે આસિમ મુનીરે અમેરિકાની ધરતી પરથી ભારતને પરમાણુ ધમકી આપી છે.
અમેરિકાના ટામ્પા શહેરમાં ઉદ્યોગપતિ અદનાન અસદે યોજેલા ડિનરમાં આસિમ મુનીરે કહ્યું કે, ભારત સાથે ભવિષ્યમાં યુદ્ધ થશે અને તેમાં પાકિસ્તાનનું અસ્તિત્વ જોખમાશે તો અમે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા જરા પણ ખચકાઈશું નહીં. અમે પરમાણુ રાષ્ટ્ર છીએ. અમને લગાશે કે અમે ડૂબી રહ્યા છીએ તો અડધી દુનિયાને અમારી સાથે લઈને ડૂબીશું.
આ સિવાય મુનીરે ભારતે રદ કરેલી સિંધુ જળ સંધી પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, સિંધુ જળ સંધી રદ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં 25 કરોડ લોકો ભૂખમરીનો સામનો કરી રહ્યા છે. ભારત ક્યારે બાંધ બનાવે છે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ. તે બાંધ બનાવી લેશે પછી અમે 10 મિસાઈલ હુમલા કરીને બાંધ તોડી પાડીશું. અમારી પાસે મિસાઈલોની અછત નથી.
ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યા પછી પાકિસ્તાની આર્મી ચીફ મુનીરનો બે મહિનામાં બીજો અમેરિકા પ્રવાસ છે.
આ પહેલા જૂન ૨૦૨૫માં મુનીરે અમેરિકાના પાંચ દિવસના પ્રવાસમાં પ્રમુખ ટ્રમ્પ સાથે ડિનર ભોજન કર્યું હતું. આ સમયે અમેરિકા અને પાકિસ્તાને ઓઈલ ક્ષેત્રમાં સહયોગ માટે કરાર કર્યા હતા. અત્યારે મુનીર ફરી અમેરિકાની મુલાકાતે છે ત્યારે તેમણે અમેરિકાના વરિષ્ઠ નેતાઓ અને સૈન્ય નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી.
દરમિયાન ટ્રમ્પના ટેરિફની ભારતીય ઉદ્યોગો પર અસર શરૂ થઈ ગઈ છે. ભારત પર ટ્રમ્પના 25 ટકા ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે અને વધુ ૨૫ ટકા ટેરિફનો અમલ ૨૭ ઓગસ્ટથી થવાનો છે ત્યારે અમેરિકાની અનેક કંપનીઓએ ભારતીય ગાર્મેન્ટ્સ કંપનીઓના ઓર્ડરો રદ કરવા માંડયા છે, અટકાવી રાખ્યા છે અથવા અન્ય દેશોમાં શીફ્ટ કર્યા છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, વિયેતનામ સહિતના દેશો પર ટેરિફ ઓછો હોવાથી ભારતીય નિકાસકારોના રદ થયેલા સોદા પાકિસ્તાન અને બાંગ્લાદેશને મળી રહ્યા છે. આ દેશોમાં ટેરિફ ૧૯થી ૩૬ ટકા છે. પાકિસ્તાન પર મહેરબાન થતા ટ્રમ્પે ટેરિફ 29 ટકાથી ઘટાડીને 19 ટકા કર્યા છે.
તામિલનાડુમાં પરિસ્થિતિ એટલી કથળી છે કે ખૂબ જ ટૂંકા ગાળામાં જ નિકાસ પર નિર્ભર અનેક કંપનીઓ બંધ થવાના આરે પહોંચી ગઈ છે. તિરુપુરના એક નિકાસકારે જણાવ્યું કે, ભારતથી અમેરિકા જતા તમામ શિપમેન્ટ હવે પાકિસ્તાનને મળી ગયા છે.
અમેરિકા બજારમાં થતી કુલ કાપડ નિકાસમાં માત્ર તિરુપુરની ભાગીદારી વાર્ષિક અંદાજે રૂ. 12000 કરોડ છે. તિરુપુર નિકાસકાર સંઘના અધ્યક્ષ કે.એમ. સુબ્રમણ્યમે કહ્યું કે, રૂ. 12000 કરોડની નિકાસમાંથી રૂ. 6000 કરોડની નિકાસ પર ટ્રમ્પના ટેરિફની અસર પડવાની શક્યતા છે. અમેરિકા સાથે નજીકના સમયમાં વેપાર સોદો નહીં થાય તો અનેક કંપનીઓએ તાળા મારવાની સ્થિતિ આવશે. જોકે, ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર પર હસ્તાક્ષર થયા હોવાથી તિરુપુરના વેપારીઓએ બ્રિટનના બજાર તરફ નજર દોડાવી છે.
આ સિવાય પાકિસ્તાન પર મહેરબાન થતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સ્ટુડન્ટ વિઝાની સંખ્યા ઘટાડી છે અને તેના બદલે પાકિસ્તાનના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાની સંખ્યા વધારી છે.
ટ્રમ્પના ટેરિફનો વળતો જવાબ આપવા ભારતની તૈયારી
મીડિયા રિપોર્ટ મુજબ ભારત અમેરિકાથી આયાત થતા કેટલાક મહત્વના ઉત્પાદનો પર ટેરિફ વધારી શકે છે. આ ઉત્પાદનોમાં બદામ, સફરજન, અખરોટ, મસૂર, કેમિકલ્સ, પેપર અને મોટરસાઈકલનો સમાવેશ થાય છે. અમેરિકાએ જૂન 2025માં ભારતીય સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફ વધારીને 50 ટકા કરી દીધા હતા. ત્યાર પછી 31 જુલાઈએ પણ બધા જ ભારતીય સામાન પર 25 ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. આ સિવાય 6 ઑગસ્ટે ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીના કારણે દંડ સ્વરૂપે વધુ 25 ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. આમ, ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાગી શકે છે. ટ્રમ્પના ટેરિફની ભારતીય ઉદ્યોગો પર નકારાત્મક અસર પડવાનું શરૂ થઈ ગયું છે. આથી હવે ભારતે પણ અમેરિકાના 86.5 અબજ ડોલરના સામાન પર કુલ 50 ટકા સુધીનો રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની તૈયારી કરી હોવાનું કેટલાક મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.