યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અમેરિકા-રશિયા વચ્ચે યોજાનારી બેઠકને ભારતનું સમર્થન, કહ્યું- ‘આ યુદ્ધનો યુગ નથી’
India Welcome US-Russia Meeting : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) વચ્ચે 15 ઓગસ્ટે અલાસ્કામાં શિખર બેઠક યોજાવાની છે, જેનું ભારતે સ્વાગત કર્યું છે. ટ્રમ્પ-પુતિન વચ્ચેની બેઠકને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની અને શાંતિની દિશાનું મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.
‘આ યુદ્ધનો યુગ નથી’
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jaiswal) આજે (9 ઓગસ્ટ) કહ્યું કે, ‘ભારત 15 ઓગસ્ટે અલાસ્કામાં પ્રસ્તાવિત અમેરિકા-રશિયાનું બેઠકનું સ્વાગત કરે છે. યુક્રેન સંકટને સમાપ્ત કરવા અને શાંતિ બહાલ કરવાની દિશામાં આગલ ધપવા માટે આ બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત કહી ચુક્યા છે કે, ‘આ યુદ્ધનો યુગ નથી.’
ભારતે સમર્થન આપવાની જાહેરાત કરી
ભારતે એમ પણ કહ્યું કે, ‘અમે બેઠક અને શાંતિ પ્રયાસોનું સમર્થન કરીએ છીએ. અમે યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસોમાં યોગદાન આપવા પણ તૈયાર છીએ.’ મંત્રાલયે એવું પણ કહ્યું કે, બેઠક સંબંધિત વધુ માહિતી શેર કરવામાં આવશે.
ટ્રમ્પ-પુતિન વચ્ચે વાતચીત
ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ પુતિન સાથે મારી સારી વાતચીત થઈ છે. શાંતિની શરૂઆત થવાની ખૂબ સંભાવના છે. યૂક્રેન સંકટ ટાળવા માટે, બંને દેશોના હિતમાં કેટલાક વિસ્તારોની અદલા-બદલી થઈ શકે છે.’ ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, તેઓ પુતિનથી ખૂબ નિરાશ છે. જોકે હવે ટ્રમ્પ અને પુતિન વચ્ચે સકારાત્મક વાતચીત થઈ છે.