શું છે 'નૉનવેજ દૂધ'? જેના કારણે અટકી ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ, જાણો વિગતવાર
Non-veg Milk, India-US trade deal : ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ 'નૉનવેજ દૂધ'ના કારણે અટકી છે, ત્યારે શું છે 'નૉનવેજ દૂધ' અને ભારત-અમેરિકાની ટ્રેડ ડીલને લઈને વિગતે જાણકારી મેળવીએ. ભારતે સાફ જણાવ્યું છે તે, 'નૉનવેજ દૂધ'ની કોઈપણે કિંમતે આયાત નહીં કરે. ભારતમાં દૂધ અને તેનાથી બનેલી વસ્તુઓ ધાર્મિક કાર્યોમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જેને લઈને ભારતે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, ટ્રેડ ડીલમાં 'નૉનવેજ દૂધ' ભારતની 'રેડ લાઇન' છે. ભારત અમેરિકા સાથે એવા કોઈ પણ દૂધનો વ્યાપાર નહીં કરે, જેનાથી શુદ્ધતા અને પવિત્રતા પર શંકા થાય.
'ગાયોને સારા પોષણ માટે માંસ પણ ખવડાવામાં આવે છે'
શાકહારીઓ માટે દૂધ એક સંપૂર્ણ આહારનો સૌથી મોટો સ્ત્રોત છે. દૂધ ન માત્ર આપણા ભોજનમાં ઉપયોગમાં લેવાય છે, પરંતુ પૂજા-પાઠમાં પણ ઉપયોગ કરવામાં આવી છે. જ્યારે અમેરિકાથી દૂધની આયાતને લઈને ચાલી રહેલી વાતચીતમાં 'નૉનવેજ દૂધ'નો ઉલ્લેખ થઈ રહ્યો છે. એટલાં માટે કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકામાં જે ગાયનું દૂધ મળે છે તે ગાયો શાકાહારી નથી. અમેરિકામાં ગાયોને રાખવાની રીત ભારતથી અલગ છે. જ્યાં ગાય હંમેશા આપણા અહીંની જેમ ઘાસ-ચારો ખાતી નથી. ત્યાં ગાયોને સારા પોષણ માટે માંસ પણ ખવડાવવામાં આવે છે.
એટલે ભારત કહે છે 'નૉનવેજ દૂધ'
મીડિયા અહેવાલ મુજબ, અમેરિકામાં ગાયોને એવો ચારો આપવામાં આવે છે, જેમાં ડુક્કર, માછલી, મરઘાં, ઘોડા અને કૂતરા અને બિલાડીના અંગો પણ હોઈ શકે છે. 2004ના એક રિપોર્ટમાં જણાવાયું છે કે, ગાયોને પ્રોટીન તરીકે ડુક્કર અને ઘોડાનું લોહી ખવડાવવામાં આવે છે અને તેમને જાડા બનાવવા માટે ગાયના પીંછા અને મરઘાંના મળમૂત્ર પણ આપવામાં આવે છે. સસ્તા ચારામાં મરઘાંના પીંછા અને મરઘાંના મળમૂત્રને પણ ભેળવવામાં આવે છે. ભારત આવી ગાયોના દૂધને 'નૉનવેજ દૂધ' માને છે.
ભારતનું વલણ સ્પષ્ટ
'નૉનવેજ દૂધ' મામલે ભારત સરકારનું વલણ સ્પષ્ટ છે. ભારતમાં 38 ટકા વસ્તી શાકાહારી છે. હિન્દુ ધર્મમાં દૂધ અને ઘીનો ઉપયોગ પૂજામાં થાય છે. આવી સ્થિતિમાં ભારતે અમેરિકન દૂધની આયાત અંગે કેટલીક શરતો રાખી છે. એટલે કે, અમેરિકાએ સ્પષ્ટપણે સાબિત કરવું જોઈએ કે, જે ગાયોનું દૂધ ભારતમાં મોકલવામાં આવશે તેમને ક્યારેય માંસ કે લોહી જેવી માંસાહારી વસ્તુઓ ખવડાવવામાં આવી નથી. ધાર્મિક અને સાંસ્કૃતિક કારણોસર આ બાબત ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એટલે કે, આ મામલે કોઈ પ્રકારે સમાધાન કરવામાં આવશે નહીં.
ભારતમાં પણ આ અંગે કડક નિયમો છે. પશુપાલન વિભાગ ખાતરી કરી છે કે, દૂધાળા પ્રાણીઓને ક્યારેય માંસ, હાડકાં કે લોહી ન ખવડાવવામાં આવે. માંસાહારી દૂધ કે દૂધના ઉત્પાદનો અમેરિકાથી ભારતમાં આવી શકતા નથી. આ ઉપરાંત ભારતને દૂધના મામલે અમેરિકા પર નિર્ભર રહેવાની જરૂર નથી.
ડેરી ખેડૂતોને નુકસાન
ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક અને ગ્રાહક પણ દેશ છે. અહીંના 8 કરોડથી વધુ લોકોની આજીવિકા દૂધ પર નિર્ભર છે. વર્ષ 2023-24માં ભારતે 239.3 મિલિયન ટન દૂધનું ઉત્પાદન કર્યું હતું. ધાર્મિક કારણો ઉપરાંત ભારત પાસે આ સોદો રોકવાના આર્થિક કારણો પણ છે. સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા(SBI)ના અહેવાલ મુજબ, જો અમેરિકાને ભારતમાં દૂધ વેચવાની મંજૂરી આપશે, તો ભારતના નાના પશુપાલકોને દર વર્ષે 1.03 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. અમેરિકન ડેરી ખેડૂતોને મોટી સબસિડી મળે છે, જેનાથી તેમનો ખર્ચ ઓછો થાય છે. આવી સ્થિતિમાં જો અમેરિકન દૂધ ભારતમાં આવે છે, તો ભારતમાં દૂધના ભાવ લગભગ 15% ઘટી શકે છે. આનાથી દેશના ખેડૂતો અને પશુપાલકો પર ખરાબ અસર થશે.