'RCBના નોકર હોય તેમ કામ કર્યું', પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અંગે કર્ણાટક સરકારનો જવાબ
Bengaluru Stampede : બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક સરકારે ગુરુવારે (17 જુલાઈ) હાઈકોર્ટમાં જવાબ રજૂ કરી IPS અધિકારી વિકાશ કુમારને સસ્પેન્ડ કરવાની બાબતને યોગ્ય ઠેરવ્યો છે. સરકારે આક્ષેપ કર્યો છે કે, ‘વિકાશ કુમાર અને તેમના સહયોગીઓ આરસીબીના નોકર હોય તેમ કામ કરી રહ્યા હતા અને તેઓએ મંજૂરી વગર કાર્યક્રમની તૈયારી શરૂ કરી દીધી હતી.’
કર્ણાટક સરકારે પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
કર્ણાટક સરકાર વતી હાઈકોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ વકીલ પી.એસ.રાજગોપાલે દલીલ કરી હતી કે, ‘આરસીબીએ મેચ પહેલા જ ઉજવણીના આયોજન માટે પોલીસને અરજી આપી દીધી હતી. આ દરમિયાન અધિકારીઓએ વરિષ્ઠોની સલાહ લીધી નથી અને કોઈપણ પ્રકારની મંજૂરી પણ લીધી નથી. તેના બદલે ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.’
‘જો ઉજવણી માટે મંજૂરી ન આપી હોત તો...’
કર્ણાટક સરકારના વકીલે હાઈકોર્ટમાં એવું પણ કહ્યું કે, આઈપીએસ અધિકારીએ નિયંત્રણ-તૈયારીઓ કરવાના બદલે સ્પષ્ટ કહ્યું હોત કે, તમે મંજૂરી લીધી નથી... જો તેમણે આવું કહ્યું હોત તો આરસીબી હાઈકોર્ટમાં ગઈ હોત અને કાયદો પોતાનું કામ કરતો હોત. શું આટલી મોટી ભીડ માટે માત્ર 12 કલાકમાં પ્રભાવી વ્યવસ્થા કરવી સંભવ હતી? અધિકારી પાસે કર્ણાટક રાજ્ય પોલીસ અધિનિયમની કલમ 35 હેઠળ જરૂરી કાર્યવાહી કરવાની સત્તા હતી, જોકે તેમણે પોતાની શક્તિઓનો ઉપયોગ ન કર્યો.’
સીએટીનું નિવેદન દાદા-દાદીની કહાની જેવું : રાજગોપાલ
સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT)એ વિકાશ કુમારનું સસ્પેન્શન રદ કરવના અને તેમને તાત્કાલીક સેવામાં પરત લેવાનો આદેશ આપ્યો હતો. સીએટીએ કહ્યું હતું કે, પોલીસવાળા પણ માણસ છે, ભગવાન કે જાદુગર નહીં... ત્યારે રાજગોપાલે સીએટીના આ આદેશ અને નિવેદનને હાસ્યાસ્પદ ગણાવી કહ્યું કે, ‘સીએટીનું નિવેદન ન્યાયિક મંચનું નહીં, પરંતુ દાદા-દાદીની કહાની જેવું લાગે છે.’
વાસ્તવમાં આરસીબીએ અચાનક સોશિયલ મીડિયા પર વિજય સરઘસની જાહેરાત કરી હતી, જેના કારણે ભીડને નિયંત્રિત કરવામાં પોલીસને ખૂબ ઓછો સમય મળ્યો હતો. સીએટીએ કહ્યું હતું કે, પોલીસ પાસે સમયની અછત હતી અને આટલી મોટી સંખ્યામાં ભીડ નિયંત્રિત કરવા અસંભવ હતી. સીએટીએએ એવું પણ કહ્યું કે, રેલીની મુખ્ય જવાબદારી આરસીબીની હતી.
‘સસ્પેન્ડ કરવાની કાર્યવાહી યોગ્ય, સીએટીના આદેશને રદ કરો’
સીએટીએ ઉપરોક્ત આદેશ બાદ રાજ્યના એડવોકેટ જનરલ શશિ કિરણ શેટ્ટીએ બે જુલાઈના રોજ હાઈકોર્ટને સૂચના આપી હતી કે, ‘વિકાશ કુમારે ફરી ડ્યૂટી જોઈન્ટ કરી છે.’ જોકે કોર્ટે સીએટીના નિર્ણયને રદ કરાવનો ઈન્કાર કરી દીધો અને ત્રણ જુલાઈએ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો.
ત્રીજી જુલાઈએ સુનાવણી દરમિયાન બેંચે મૌખિક કહ્યું કે, ‘વિકાશ કુમારને સસ્પેન્ડ કરવાના બદલે અન્ય વિભાગમાં બદલી કરવાનો પણ વિકલ્પ હતો.’ જોકે શેટ્ટીએ ભારપૂર્વક કહ્યું કે, ‘રિકોર્ડના આધારે સસ્પેન્ડની કાર્યવાહી યોગ્ય હતી. આ સાથે રાજ્યના એડવોકેટ જનરલે સીએટીના આદેશને રદ કરવાની માંગ કરી છે.
શું છે સમગ્ર મામલો?
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમે IPLની ટ્રોફી જીત્યા બાદ બેંગલુરુમાં પરેડ તથા સ્ટેડિયમમાં કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં નાસભાગ થતાં 11 લોકોના મોત થયા હતા જ્યારે 47 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં કર્ણાટક સરકારે હાઈકોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં RCB દ્વારા કરાયેલી ગંભીર બેદરકારીનો ઉલ્લેખ છે. એટલું જ નહીં આ રિપોર્ટમાં વિરાટ કોહલીનું પણ નામ છે.
આ પણ વાંચો : '...કોઈ મહેરબાની નથી કરી', કદાવર નેતા ઉમા ભારતી ભાજપ પર કેમ ભડક્યાં?