India

પેટ્રોલ-ડીઝલની તંગીનો ડર ખતમ ! ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની ઐતિહાસિક ડીલ

By GS Team
15 May 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએઈ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ક્રૂડ ઓઈલને લઈને ઐતિહાસિક ડીલ થઈ છે. આ સમજૂતી હેઠળ યુએઈ હવે ભારતના અંડરગ્રાઉન્ડ ‘સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ’માં 3 કરોડ (30 મિલિયન) બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોર કરશે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આ ઐતિહાસિક કરારની પુષ્ટિ કરતા તેને ભારતની ઉર્જા સુરક્ષાની દિશામાં અત્યાર સુધીનું સૌથી મોટું પગલું ગણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેટ્રોલ-ડીઝલની તંગીનો ડર ખતમ ! ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની ઐતિહાસિક ડીલ

India-UAE Crude Oil Deal : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએઈ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ક્રૂડ ઓઈલને લઈને ઐતિહાસિક ડીલ થઈ છે. આ સમજૂતી હેઠળ યુએઈ હવે ભારતના અંડરગ્રાઉન્ડ ‘સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ’માં 3 કરોડ (30 મિલિયન) બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોર કરશે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આ ઐતિહાસિક કરારની પુષ્ટિ કરતા તેને ભારતની ઉર્જા સુરક્ષાની દિશામાં અત્યાર સુધીનું સૌથી મોટું પગલું ગણાવ્યું છે.

શું છે આ 3 કરોડ બેરલની ભારત-UAE ડીલ?

ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા તેલ વિદેશથી આયાત કરે છે. ભવિષ્યમાં યુદ્ધ કે અન્ય કોઈ વૈશ્વિક કટોકટીના કારણે સપ્લાય અટકી ન જાય તે માટે ભારતે જમીનની નીચે વિશાળ પેટ્રોલિયમ રિઝર્વ બનાવ્યા છે. વિદેશ સચિવના જણાવ્યા અનુસાર, અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) આ અંડરગ્રાઉન્ડ સ્ટોરેજમાં પોતાનું તેલ રાખશે. આ ડીલ માત્ર તેલ ખરીદવાનો નથી, પરંતુ ભારતની ધરતી પર યુએઈના તેલનો એક મોટો સ્ટોક હંમેશા હાજર રાખવાનો છે. આ જથ્થો એટલો મોટો છે કે, કોઈપણ કટોકટીના સમયે ભારતને મહિનાઓ સુધી મદદ કરશે અને જરૂર પડ્યે ભારત પોતાના પાડોશી દેશોને પણ મદદ કરી શકશે.

આ પણ વાંચો : ગુજરાત માટે UAE સાથે ખાસ ડીલ, ઈરાનના હુમલા વખોડતાં PM મોદીએ કહ્યું- અમે મદદ માટે તૈયાર

માત્ર ક્રૂડ ઓઈલ જ નહીં, LPG માટે પણ બંને દેશો સહમત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન (UAE Crown Prince Sheikh Mohamed bin Zayed Al Nahyan) વચ્ચેના ગાઢ સંબંધોના કારણે આ મહત્ત્વપૂર્ણ ડીલ થઈ છે. બંને દેશો વચ્ચે ગાઢ સંબંધોના કારણે માત્ર ક્રૂડ ઓઈલ જ નહીં, પરંતુ લોંગ-ટર્મ એલપીજી (LPG) સપ્લાય અને સ્ટ્રેટેજિક ગેસ રિઝર્વ અંગે પણ સહમતી સધાઈ છે. આનાથી ભારતના રસોડાથી લઈને ફેક્ટરીઓ સુધી ઈંધણનો પુરવઠો સુરક્ષિત બનશે. આ સિવાય યુએઈ હવે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી મોટા રોકાણકાર તરીકે ઉભરી રહ્યું છે.

વૈશ્વિક કટોકટી વચ્ચે ભારતનું 'કવચ'

હાલમાં મધ્ય-પૂર્વમાં હોર્મુઝ જળમાર્ગ પર સતત સંકટના વાદળો ઘેરાયેલા રહે છે. જો ભવિષ્યમાં અરબ સાગરમાં જહાજોની અવરજવર અટકી જાય, તો પણ ભારતની ધરતી પર જ તેલનો મોટો બેકઅપ સ્ટોર થયેલો હશે. આ ઉપરાંત, યુએઈ પણ હોર્મુઝના માર્ગને બાયપાસ કરવા માટે પાઈપલાઈન નાખવાનું કામ ઝડપી ગતીએ કરી રહ્યું છે. 

આ પણ વાંચો : પશ્ચિમી દેશોનું દબાણ નિષ્ફળ! બ્રિક્સ બેઠક પહેલા ઓઇલ અને ગેસ માટે રશિયાએ ભારતને આપ્યું 'વચન'