વિદેશની ધરતી પર પહેલી ઈન્ડિયન ડિફેન્સ ફેક્ટરી, રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન, જાણો ખાસિયત
India First Overseas Defense Factory In Morocco : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 22 સપ્ટેમ્બરે બે દિવસીય મોરોક્કોની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીય સંરક્ષણ મંત્રી મોરોક્કોનો પ્રવાસ કરી રહ્યા છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થશે અને સંરક્ષણ-ઔદ્યોગિક સહયોગ વધુ મજબૂત થશે. આ દરમિયાન તેઓ ત્યાં ‘ભારતની પ્રથમ સંરક્ષણ ફેક્ટરી’નું ઉદ્ઘાટન પણ કરશે.
વિદેશમાં ભારતની પ્રથમ સંરક્ષણ ફેક્ટરી સ્થપાઈ
સંરક્ષણ મંત્રી કેસાબ્લાંકાના બેરેકિડમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL)ના સંરક્ષણ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવાના છે. આ ડિફેન્સ ફેક્ટરી મોરોક્કોના રોયલ આર્મ્ડ ફોર્સીસ સાથેની ભાગીદારીથી સ્થાપવામાં આવ્યું છે. આફ્રિકામાં આ ભારતનો પ્રથમ સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ છે. સપ્ટેમ્બર-2024માં ટાટા ગ્રૂપે લશ્કરી વાહનનું ઉત્પાદન કરવા માટે મોરક્કો સાથે કરાર કર્યા હતા. આ ફેક્ટરીમાં કુલ 150 વાહનો બનાવાશે.
ફેક્ટરીમાં લશ્કરી વાહનનું ઉત્પાદન કરાશે
આ ફેક્ટરીમાં વ્હીલ્ડ આર્મર્ડ પ્લેટફોર્મ (WhAP)ના લશ્કરી વાહનનું નિર્માણ કરવામાં આવશે. આ એક 8 પૈડાવાળું બખ્તરબંધ વાહન છે, જેને ટીએએસએલ અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા સંયુક્ત રીતે બનાવાયું છે. ભારતીય સેના હાલમાં પણ આ વાહનોનો ઉપયોગ કરી રહી છે, અને તેની કેટલીક યુનિટ લદ્દાખમાં તૈનાત છે.
WhAP લશ્કરી વાહનની ખાસિયત
વ્હીલ્ડ આર્મર્ડ પ્લેટફોર્મ લશ્કરી વાહન 8 પૈડાવાળું બખ્તરબંધ વાહન છે. તેની ખાસીયત એ છે કે, તે કોઈપણ પ્રકારના રોડ-રસ્તાઓ પર દોડવાની ક્ષમતા ધરાવે છે. વાહનનું વજન 24 ટન, લંબાઈ, 7.85 મીટર, પહોંળાઈ 3 મીટર અને ઊંચાઈ 2.3 મીટર છે. તેમાં 10થી 12 સૈનિકો બેસી શકે છે.
આ પણ વાંચો : ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય
વાહનમાં જમીન પર અને પાણીમાં દોડવાની ક્ષમતા
આ 8 પૈડાવાળું લશ્કરી વાહન પાણી અને જમીન બંનેમાં દોડી શકે છે. જમીન પર તેની મહત્તમ ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાક છે, જ્યારે પાણીમાં તેની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. વાહનમાં 30 મિલીમીટરની ઓટોકેનન ટરેટ ગન અથવા 7.62 મિલીમીટરની નાની મશીન ગન ગોઠવી શકાય છે. ભારતીય સેના આ વાહનનો ઉપયોગ કરી રહી છે. તેનું 24 ટન વજન છે અને તે 7.85 મીટર લાંબુ, 3 મીટર પહોળું અને 2.3 મીટર ઊંચું છે. આ વાહનમાં 10-12 સૈનિકો સવાર થઈ શકે છે.
ભારત-મોરોક્કો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે થશે સમજૂતી કરાર
રાજનાથ સિંહ મોરક્કો પહોંચીને સંરક્ષણ મંત્રી અબ્દેલતીફ લૌદિયી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ ઉપરાંત તેઓ બંને દેશો વચ્ચે ઔદ્યોગિક ભાગીદારી વધારવાની તકો માટે ઉદ્યોગ અને વેપાર મંત્રી રિયાદ મેજૌર સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ભારત-મોરોક્કો સંરક્ષણ ક્ષેત્રમાં એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરી શકે છે.
અગાઉ ભારતે મોરોક્કોની સેનાને 92 સૈન્ય ટ્રક આપ્યા હતા
ભારત-મોરોક્કો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં ભાગીદારીનો પાયો મજબૂત થઈ રહ્યો છે. 2023માં પણ મોરોક્કોની સેનાને ટાટા ગ્રૂપે બનાવેલ 92 સૈન્ય ટ્રક અપાયા હતા. ગત વર્ષે મોરક્કોએ LPTA 2445 ડિફેન્સ ડમ્પ ટ્રક ખરીદવા માટે ટાટા ગ્રૂપ સાથે સમજૂતી કરાર કર્યા હતા. આ ટ્રક ખૂબ જ ખરાબ વાતાવરણમાં સામગ્રી પહોંચાડવાનું કામ સરળતાથી કરે છે.