Get The App

નાસિકમાં એક મહિલાના 12 બાળકો, કેટલાક વેચી મારવાનો આરોપ લાગ્યો તો કહ્યું - સંબંધીઓને ઉછેરવા આપ્યા છે

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
નાસિકમાં એક મહિલાના 12 બાળકો, કેટલાક વેચી મારવાનો આરોપ લાગ્યો તો કહ્યું - સંબંધીઓને ઉછેરવા આપ્યા છે 1 - image



Nashik: મહારાષ્ટ્રમાં નાસિકના ત્ર્યંબકેશ્વરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક આદિવાસી મહિલા પર પૈસા માટે પોતાના જ બાળકોને વેચી મારવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ સોશિયલ એક્ટિવિસ્ટ ભગવાન માધે દ્વારા લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે મહિલાના 12 બાળકો છે. પોલીસે મહિલા, તેના પતિ અને તમામ બાળકોને અટકાયતમાં લઈને તપાસ શરૂ કરી દીધી છે.

સોશિયલ એક્ટિવિસ્ટ ભગવાન માધેએ આરોપ લગાવ્યો કે, બર્ડ્યાચી વાડીમાં રહેતી 45 વર્ષીય મહિલાના કુલ 14 બાળકો હતા. આર્થિક તંગી એટલી ગંભીર હતી કે, તેણે કથિત રીતે પૈસા માટે પોતાના 4 થી 6 બાળકોને વેચી માર્યા. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મહિલાએ તેના 14મા બાળકને જન્મ આપ્યા બાદ હોસ્પિટલમાં ચેકઅપ પણ ન કરાવ્યું. સોશિયલ વર્કર્સને પરિસ્થિતિની જાણ થઈ ત્યારે તેઓએ સુરક્ષિત ડિલીવરી કરાવી પરંતુ બે મહિના પછી, તેમને શંકા ગઈ કે મહિલાએ નવજાત શિશુને 10,000 રૂપિયામાં કોઈ વ્યક્તિને આપી દીધું છે.

ઓક્ટોબર 2025માં, ડિલીવરી બાદ બાળકનું વજન ઓછું હતું, તેથી એક આશા વર્કર પરિવારની મુલાકાતે આવી. ત્યાં મહિલાએ કહ્યું કે બાળક છે જ નહીં મેં તેને આપી દીધું છે. આશા વર્કરે તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરી. મામલાની ગંભીરતા જોઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સંપૂર્ણ તપાસ હાથ ધરી. 

તપાસમાં મહિલાના 12 બાળકો હોવાની માહિતી સામે આવી

તપાસમાં સામે આવ્યું કે, મહિલાના 12 બાળકો છે, જેમાંથી એકનું મોત થઈ ચૂક્યુ છે. બીજી તરફ ત્રણ બાળકોને અલગ-અલગ પરિવારોને આપી દેવામાં આવ્યા હતા. પોલીસ બાળકો અને તેમના પાલક પરિવારોને પોલીસ સ્ટેશન લઈ ગઈ, ત્યારબાદ તમામ બાળકો અને તેમના માતા-પિતાને નાસિક મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ચિલ્ડ્રન હોમમાં મોકલી દેવામાં આવ્યા.

જોકે, મહિલાએ બાળકોને વેચી દીધા હોવાની વાતનો ઈનકાર કર્યો છે. તેનું કહેવું છે કે, ગરીબીને કારણે હું તેમનો ઉછેર કરી શકતી ન હતી, મારી પાસે તેમને પીવડાવવા માટે દૂધ પણ નહોતું, તેથી મેં કોઈ પણ પૈસા લીધા વિના, બાળકોને સંભાળ માટે સંબંધીઓ પાસે મોકલી દીધા.

એસપી બાલાસાહેબ પાટીલે જણાવ્યું કે, આ કેસની તપાસ ચાઈલ્ડ વેલફેર કમિટીને સોંપી દેવામાં આવી છે અને દરેક માહિતીની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ નિરીક્ષણ દરમિયાન ઘરમાં ચાર બાળકો મળી આવ્યા હતા.

તપાસમાં સામે આવ્યું કે, મહિલાને 12 બાળકો છે, જેમાં 7 છોકરાઓ અને 5 છોકરીઓ છે. બે છોકરીઓ પરિણીત છે. પરિવાર પાસે 12 એકર જમીન છે, પરંતુ તે સંપૂર્ણપણે ખડકાળ અને ઉજ્જડ છે, જેના કારણે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મહિલાએ 2014માં કુટુંબ નિયોજન સર્જરી કરાવી હતી, પરંતુ તે અસફળ રહી. આશા વર્કરે 2025માં જન્મ મહિલાનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. 

દસ્તાવેજોમાં ગરબડની શંકા

તપાસ દરમિયાન દસ્તાવેજોમાં ગરબડની પણ શંકા ઉભી થઈ છે. 6 વર્ષની બાળકીને વાવી હર્ષ ગામના એક દંપતીના નામથી એડમિશન મળ્યું અને તેના આધાર કાર્ડ માટે જારી કરાયેલા પ્રમાણપત્રમાં તેના પિતાના નામને બદલે બંગારેનું નામ લખેલું હતું. એક્ટિવિસ્ટ ભગવાન માધેએ આરોપ લગાવ્યો છે કે આંગણવાડી અને આરોગ્ય કર્મચારીઓની મિલીભગતથી દસ્તાવેજોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ!

મહિલાનો ભાઈ જેની પાસેછી બે મહિનાનું બાળક મળી આવ્યું હતું તેણે જણાવ્યું કે, બાળકને વેચવામાં નથી આવ્યું પરંતુ માત્ર ઉછેરવા માટે સંબંધીને આપવામાં આવ્યું હતું. આધાર કાર્ડના અભાવે દસ્તાવેજો અધૂરા હતા. હવે આખો મામલો તેના પર નિર્ભર છે કે બાળકોને વેચવામાં આવ્યા હતા કે માત્ર ઉછેરવા માટે આપવામાં આવ્યા હતા, તે હવે ચાઈલ્ડ વેલફેર કમિટીના તપાસ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Tags :