Get The App

ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમારી સ્પેશિયલ સિસ્ટમ તૈયાર’

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમારી સ્પેશિયલ સિસ્ટમ તૈયાર’ 1 - image


India-Russia Relations : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ભારત પર મસમોટો ટેરિફ ઝિંક્યા બાદ રશિયાએ અમેરિકા પર નિશાન સાધ્યું છે. રશિયાએ ભારતના ભરપૂર વખાણ કર્યા છે અને કહ્યું છે કે, ભારત અમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. ભારતમાં રશિયન દૂતાવાસના રાજદૂત રોમન બાબુશ્કિ(Roman Babushkin)ને એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પના ટેરિફ બોંબની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું કે, અમેરિકા એકતરફી નિર્ણયો લઈને ખોટી રીતે દબાણ કરી રહ્યું છે. 

મોદી-પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં રશિયન-યુક્રેન યુદ્ધ અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધારવા જેવા મુદ્દે ચર્ચા થઈ હતી. ભારત યુક્રેન યુદ્ધનું શાંતિપૂર્ણ સમાધાન કરવાની સતત તરફેણ કરી રહ્યું છે. ભારતની રણનીતિ અમેરિકા અને રશિયા બંને સાથે સંતુલન જાળવી રાખવાની રહી છે. એકતરફ અમેરિકા ભારતનું મોટું વ્યાપાર અને વ્યૂહાત્મક ભાગીદાર છે, જ્યારે રશિયા ભારતનું પરંપરાગત ભાગીદાર છે. આ જ કારણે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી બંધ કરવાની સંભાવનાનો ઇન્કાર કરી દીધો છે.

ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમારી સ્પેશિયલ સિસ્ટમ તૈયાર’ 2 - image
ભારતમાં રશિયન દૂતાવાસના રાજદૂત રોમન બાબુશ્કિ

રશિયા ક્યારે ભારત પર પ્રતિબંધ નહીં લગાવે : બાબુશ્કિન

અમેરિકા ટેરિફ અને આર્થિક પ્રતિબંધોનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. બાબુશ્કિનનું કહેવું છે કે, ‘ટ્રમ્પની ટેરિફ અને આર્થિક પ્રતિબંધની નીતિના કારણે વૈશ્વિક સ્તરે ડૉલર પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે.’

ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે કે, ભારત રશિયા (India-Russia Crude Oil Trade) પાસેથી બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું હોવાથી અમે તેમના પર ટેરિફ ઝિંક્યો છે, ત્યારે રશિયન રાજદૂતે આ મામલે કહ્યું કે, ‘રશિયા ક્યારેય ભારત પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નહીં લગાવે અને આર્થિક દબાણ પણ નહીં કરે.’

ટ્રમ્પની દાદાગીરી વચ્ચે તેમણે એમ પણ કહ્યું કે, ‘રશિયાએ ભારત પાસે ક્રૂડ ઓઇલનો વેપાર જાળવી રાખવા માટે સ્પેશિયલ સિસ્ટમ વિકસાવી છે, જેના કારણે બંને દેશોના સંબંધો પર અમેરિકાનો કોઈપણ પ્રભાવ નહીં પડે.’

આ પણ વાંચો : સુરક્ષા ગેરેન્ટીનું સપનું બતાવી યુક્રેન સાથે ટ્રમ્પે કર્યો દાવ! અમેરિકન સૈન્ય નહીં મોકલે પણ...

ભારત-રશિયા-ચીન વચ્ચે યોજાશે ત્રિપક્ષીય બેઠક !

રશિયન રાજદૂતે કહ્યું કે, ‘રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) આ વર્ષના અંત સુધીમાં ભારતનો પ્રવાસ કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરશે. આ મુલાકાતથી ભારત-રશિયાના સંબંધોમાં નવી ઊર્જા ઊભી થશે. આ સાથે તેમણે ચીનના વિદેશ મંત્રી વાંગ યીના ભારત પ્રવાસને પણ સફળ ગણાવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, ‘ભારત-રશિયા-ચીન વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાશે. આ ત્રિપક્ષીય સહયોગ એશિયાની ભૂ-રાજનીતિમાં ખરેખર ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.’

ભારત-રશિયાના સંબંધોમાં તિરાડ પાડવાનું કાવતરું 

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ભારતના રશિયા સાથેના ક્રૂડ સહિતના વેપાર સંબંધોમાં તિરાડ પાડવા માટે દબાણ બનાવી રહ્યા છે. ટ્રમ્પે યુક્રેન યુદ્ધવિરામ માટે રશિયા પર દબાણ લાવવા વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં તેમણે હાલમાં જ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર કુલ 50 ટકા ટેરિફ (US-India Tariff) લાદ્યો છે. વધુમાં વેપાર પ્રતિબંધો નહીં મૂકે તો પેનલ્ટી લાદવાની ચીમકી પણ આપી છે. જો કે, ભારતે અમેરિકાની ટેરિફ નીતિ સામે ઝૂકવાનો ઇન્કાર કર્યો છે. તે રશિયા સાથે પોતાના સંબંધો વધુ ગાઢ બનાવી રહ્યું છે.

આ પણ વાંચો : ટ્રમ્પ, ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચે ત્રિપક્ષીય મંત્રણાનું સ્થળ લગભગ નક્કી! અમેરિકાએ શરૂ કરી તૈયારી

Tags :