સુરક્ષા ગેરેન્ટીનું સપનું બતાવી યુક્રેન સાથે ટ્રમ્પે કર્યો દાવ! અમેરિકન સૈન્ય નહીં મોકલે પણ...
Donald Trump : રશિયા-યુક્રેન યુદ્ધને સાડા ત્રણ વર્ષ થઈ ગયા છે, પણ શાંતિની કોઈ આશા દેખાતી નથી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને શાંતિદૂત ગણાવીને સતત બેઠકો કરી રહ્યા છે. તેમણે પહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એક મોટી બેઠક કરી અને પછી વ્હાઇટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને બીજા યુરોપિયન નેતાઓ સાથે મુલાકાત કરી. આ મહત્ત્વપૂર્ણ બેઠક પછી ટ્રમ્પે બે મહત્ત્વની વાતો કહી કે, તેઓ પુતિન અને ઝેલેન્સકીની આમને-સામને બેઠક કરાવવાની વ્યવસ્થા કરી રહ્યા છે. તેમજ તેમણે શાંતિ કરાર પછી યુક્રેનને અમેરિકા અને યુરોપિયન દેશો તરફથી સુરક્ષા ગેરંટી મળશે.
યુક્રેનને મળશે માત્ર હવાઈ સુરક્ષા
જોકે, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ અમેરિકી સેનાને યુક્રેનની ધરતી પર નહીં ઉતારે, પણ માત્ર હવાઈ સુરક્ષા આપશે. મંગળવારે વોશિંગ્ટનમાં અમેરિકા અને યુરોપના ટોચના લશ્કરી અધિકારીઓએ યુક્રેન શાંતિ કરારની પ્રક્રિયા વિશે ચર્ચા કરી. એક અમેરિકી સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમી નેતાઓ આ કરાર પર ભાર આપી રહ્યા છે. અમેરિકાના ટોચના અધિકારી જનરલ ડેન કેનએ યુરોપિયન લશ્કરી વડાઓ સાથે મંગળવારે સાંજે 'યુક્રેન શાંતિ કરારના બેસ્ટ વિકલ્પો' પર વાતચીત કરી. આ ચર્ચા નાટોના 32 સભ્ય દેશોના લશ્કરી વડાઓની બુધવારે થનારી વર્ચ્યુઅલ બેઠક પહેલા થઈ હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ શું બોલ્યા?
2022માં રશિયાના હુમલા પછી યુક્રેનને મળતી અબજો ડોલરની અમેરિકી મદદના સખત ટીકાકાર રહેલા ટ્રમ્પે કહ્યું કે, યુરોપિયન દેશો કોઈ પણ કરારને સુરક્ષિત કરવા માટે પોતાની સેનાને જમીન પર ઉતારવા તૈયાર છે. એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે, 'ફ્રાન્સ, જર્મની, યુકે જેવા કેટલાક દેશો જમીન પર સેના ઉતારવા માંગે છે... અમે તેમની મદદ કરવા તૈયાર છીએ, ખાસ કરીને હવાઈ માર્ગે.'
આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં ભીષણ માર્ગ અકસ્માત, બસ સળગી જતાં 17 બાળક સહિત 71 લોકોના મોત
અમેરિકી સેના યુક્રેનમાં જમીન પર નહીં હોય
વ્હાઇટ હાઉસે પણ ટ્રમ્પના નિવેદનોનું સમર્થન કર્યું. પ્રેસ સચિવ કેરોલિન લેવિટએ મીડિયાને જણાવ્યું કે પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે અમેરિકી સેના યુક્રેનની જમીન પર નહીં હોય અને અમેરિકી હવાઈ શક્તિનો ઉપયોગ એક 'વિકલ્પ અને સંભાવના' છે. તેમણે એમ પણ જણાવ્યું કે પુતિને ટ્રમ્પને ઝેલેન્સકીને મળવાનું વચન આપ્યું છે અને ટોચના અમેરિકી અધિકારીઓ એક શિખર સંમેલન માટે રશિયા સાથે વાતચીત કરી રહ્યા છે.'