ટ્રમ્પ, ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચે ત્રિપક્ષીય મંત્રણાનું સ્થળ લગભગ નક્કી! અમેરિકાએ શરૂ કરી તૈયારી
Donald Trump and Russia vs Ukrain War Updates : વ્હાઇટ હાઉસમાં મંત્રણા બાદ અમેરિકાએ પુતિન-ઝેલેન્સ્કી વચ્ચે દ્વિપક્ષીય અને ત્રિપક્ષીય વાટાઘાટોનું આયોજન કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન એવી માહિતી મળી રહી છે કે વ્હાઇટ હાઉસ દ્વારા હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં અમેરિકા, રશિયા અને યુક્રેનના પ્રમુખ વચ્ચે સંભવિત ત્રિપક્ષીય બેઠકનું આયોજન કરાશે. ટ્રમ્પ સરકારના એક અધિકારીએ આ માહિતી આપી છે.
કોણ કરી રહ્યું છે બેઠકની તૈયારી!
પોલિટિકોના જણાવ્યા અનુસાર, યુએસ સિક્રેટ સર્વિસ હંગેરીના બુડાપેસ્ટમાં આ શિખર સંમેલનની તૈયારી કરી રહી છે, જેનું નેતૃત્વ વડાપ્રધાન વિક્ટર ઓર્બન કરી રહ્યા છે. ઓર્બનના તેમના પ્રથમ કાર્યકાળથી જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગાઢ સંબંધો રહ્યા છે. આ ઉપરાંત, પુતિને રશિયામાં ઝેલેન્સ્કી સાથે ખાનગી બેઠકનું આયોજન કરવાનું સૂચન કર્યું છે.
વ્હાઇટ હાઉસે પણ આ વાત નકારી નહોતી!
આ પહેલા મંગળવારે વ્હાઇટ હાઉસ મીડિયા બ્રીફિંગ દરમિયાન જ્યારે કેરોલિન લેવિટને બુડાપેસ્ટ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે હું આ સ્થળની પુષ્ટિ કે ઇનકાર ન કરી શકાય. તેમણે કહ્યું કે ઘણા વિકલ્પો પર વિચારણા કરવામાં આવી રહી છે. જોકે, તેમણે સંભવિત સ્થળ વિશે વિગતવાર માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.